
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના ફરી તૂટી શકે તેવા અહેવાલો વચ્ચે બુધવારે (17 જૂન) શિવસેના UBT સાંસદોએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જોકે આ પ્રેસ કૉન્ફરન્સમાં ત્રણ જ સાંસદો આવ્યા હતા, જેમાં સંજય રાઉત પણ એક છે, જેઓ રાજ્યસભા સાંસદ છે. દરમ્યાન સંજય રાઉત બળવાખોર સાંસદોની વાત કરતાં-કરતાં તેમને ગાળો ભાંડવા સુધી પહોંચી ગયા હતા.
સંજય રાઉતે પક્ષ પ્રત્યેની વફાદારી અને અન્ય વાતો કરતી વખતે બળવાખોર સાંસદોને સંબોધીને બેફામ અપશબ્દો વાપર્યા હતા. ત્યારબાદ તેમણે તરત મીડિયાને કહ્યું કે તેઓ આને કટ નહીં કરે. હાલ સંજય રાઉતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે સંજય રાઉતના સલાહકાર રહેતાં બે વખત ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટી અને હવે તેઓ માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે.
#WATCH | Delhi | Addressing a press conference over speculations of a split in the party, Shiv Sena UBT MP Sanjay Raut hurls abuses at suspected rebel MPs, asks the media not to cut out his comments pic.twitter.com/eJUk8rINO1
— ANI (@ANI) June 17, 2026
પ્રેસ કૉન્ફરન્સ બાદ શિવસેના UBT સાંસદ અનિલ દેસાઈએ એમ કહીને વાળવાનો પ્રયાસ કર્યો કે સંજય રાઉતે કોઈ ચોક્કસને ટાર્ગેટ કરીને ગાળો ભાંડી ન હતી. સાથે બચાવ કરતાં કહ્યું કે, “જ્યારે કોઈ ભાવનાત્મક, સંવેદનશીલ માણસ, જેણે પચાસ વર્ષ રાજકારણમાં ગાળ્યાં હોય, બોલે ત્યારે આવું થતું હોય છે. પરંતુ તેમણે (રાઉત) સ્પષ્ટીકરણ પણ આપ્યું કે તેઓ કોઈ વ્યક્તિવિશેષ વિશે કહી રહ્યા ન હતા.”
આ બધાની વચ્ચે સમાચાર એવા છે કે ઉદ્ધવ સેનાના 9માંથી 6 લોકસભા સાંસદો દિલ્હીમાં છે અને પાર્ટી સાથે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. એકનાથ શિંદે પણ હાલ દિલ્હીમાં છે. સાંસદો શિંદે તેમજ લોકસભા સ્પીકરને પણ મળી શકે તેવી વાતો ચાલી રહી છે.
બીજી તરફ શિવસેના UBT તરફથી સાંસદ અનિલ દેસાઈએ એક સાંસદોની એક બેઠક બોલાવી છે અને તેમાં હાજર ન રહેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કહી છે. સંભવતઃ બેઠકમાં બે જ સાંસદો આવશે તેમ જણાઇ રહ્યું છે.

