ગોધરાની કુખ્યાત ‘સિંગલ ફળિયા ગેંગ’ના આરોપીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું: 4 વખત કરાચી ગયો હતો ખાલિદ, 12 સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ

ગોધરાની કુખ્યાત અને સંગઠિત ગુનાખોરી આચરતી ‘સિંગલ ફળિયા ગેંગ’ સામે રેલવે પોલીસે ‘ગુજસીટોક’ (GujCTOC) કાયદા હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પકડાયેલા આરોપીઓ પૈકીના એક ખાલિદ શોકત પોસ્તી ઉર્ફે ચકલાની પૂછપરછમાં તેના પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો.

પોલીસ તપાસ અને પાસપોર્ટની ચકાસણી દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ખાલિદ અત્યાર સુધીમાં ચાર વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે અને ત્યાં કરાચીના ‘ગોધરા’ નામના વિસ્તારમાં લાંબો સમય રોકાયો હતો. આરોપીએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તે પોતાના અમ્મી-અબ્બા સાથે ત્યાં રહેતા સગા-સંબંધીઓને મળવા અને કપડાં સહિતનો સામાન વેચવા માટે જતો હતો.

આરોપી ખાલિદના વારંવારના પાકિસ્તાન પ્રવાસ અને શંકાસ્પદ ગતિવિધિઓની વિગતો સામે આવતા જ કેન્દ્રીય અને રાજ્યની મળીને અંદાજે 12 જેટલી વિવિધ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ આ મામલાની તપાસમાં જોડાઈ છે. આ એજન્સીઓ હાલ ખાલિદના વિદેશ પ્રવાસના હેતુ, તેના પાકિસ્તાની સંપર્કો અને દસ્તાવેજોની અત્યંત ઝીણવટભરી સંયુક્ત પૂછપરછ કરી રહી છે.

આ ગેંગ ગોધરા, આણંદ અને દાહોદના રેલવે પોલીસ મથક વિસ્તારમાં ચાલુ ટ્રેનોમાં ચોરી, લૂંટફાટ કરવા અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ છેલ્લા એક દાયકામાં ધાડ, સરકારી કર્મચારીઓ પર હુમલો, સ્નેચિંગ તેમજ દારૂ અને ગૌમાંસની હેરાફેરી જેવા આશરે 31થી 54 જેટલા ગુનાઓ આચરી ચૂકી છે.

પોલીસ તપાસમાં આ ગેંગની લૂંટની મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થયો છે. ગેંગના સભ્યો ચાલુ ટ્રેનના બે કોચ વચ્ચે આવેલા પ્રેશર કોકને સ્લો કરીને ટ્રેનમાં ઓટોમેટિક વેક્યૂમ બ્રેક લગાડી દેતા હતા અથવા સિગ્નલ બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ લાઈટ લાલ કરી ટ્રેન ધીમી પાડી દેતા હતા. એટલું જ નહીં, લૂંટના ઈરાદે તેઓ રેલવે ટ્રેકના પાટાઓને જોડતી ફિશર પ્લેટના નટ-બોલ્ટ કાઢી નાખીને ટ્રેન ઉથલાવવાનો જીવલેણ પ્રયાસ પણ કરતા હતા.

રેલવે પોલીસે આ ગેંગના કુલ 12 આરોપીઓ વિરુદ્ધ સકંજો કસ્યો છે. પોલીસની સઘન તપાસ દરમિયાન ગેંગના વધુ 8 સભ્યોના નામ ખુલ્યા હતા, જેમાંથી ત્વરિત કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર હોવાથી પોલીસ અલગ-અલગ ટીમો બનાવીને તેમને ઝડપી પાડવા માટે દરોડા પાડી રહી છે.