રાજ્યસભા ચૂંટણીમાં નામાંકન રદ થયા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચેલાં કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનને તાત્કાલિક કોઈ રાહત નહીં, એમપીમાં ભાજપના ત્રણ ઉમેદવાર બિનહરીફ

મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં નામાંકન પત્ર રદ થયા બાદ કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજન સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે તૈયારી દર્શાવી છે પણ સાથોસાથ મેન્ટેનિબિલિટી (અરજી સાંભળવા યોગ્ય છે કે કેમ) પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને બીજી તરફ કોઈ તાત્કાલિક રાહત આપવાની ના પાડી દીધી છે. આ તરફ મધ્ય પ્રદેશમાં સત્તાવાર રીતે ભાજપના ત્રણ ઉમેદવારોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

મીનાક્ષી નટરાજન વતી વકીલોએ કોર્ટ સમક્ષ ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની જાહેરાત પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ વકીલોએ આ મામલે તાકીદે સુનાવણી કરવા રજૂઆત કરી હતી. જોકે કોર્ટે ચૂંટણી પ્રક્રિયા રોકવાની ના પાડી દીધી અને કહ્યું કે કાયદા મુજબ એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી કોર્ટ તેમાં સામાન્ય રીતે અધવચ્ચેથી હસ્તક્ષેપ કરતી નથી.

બીજી તરફ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરી દીધા. વિરોધ પક્ષના ઉમેદવાર રેસમાંથી બહાર થઈ જતાં ભાજપના ત્રણેય નેતાઓ કોઈ પણ વિરોધ વિના સીધા જ વિજેતા બન્યા છે અને સત્તાવાર રીતે ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ એક બેઠક જીતી શકે એટલી સંખ્યા તો તેની પાસે છે, પરંતુ ઉમેદવાર મીનાક્ષી નટરાજનના નામાંકન સામે ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ તેની ઉપર તપાસ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારને સમય આપ્યો પરંતુ તેઓ ફોર્મમાં રહી ગયેલી ખામી પર સંતોષકારક જવાબ રજૂ કરી શક્યાં ન હતાં. વાસ્તવમાં તેમની ઉપર હૈદરાબાદમાં દાખલ એક કેસની વિગતો છુપાવવાનો આરોપ છે. નિયમો અનુસાર નામાંકન પત્રમાં વિગતો છુપાવવામાં આવી હોય કે ખોટી લખવામાં આવી હોય તો નામાંકન રદ થઈ શકે છે. જેથી મિનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધૂઆંપૂઆં થયેલી કોંગ્રેસે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.