‘આજે જીવતા નથી જવા દેવાના’: મોરસના પડીકાને લઈને થયેલા વિવાદ બાદ હિંદુ દુકાનદારના પરિવાર પર રેશમાબાનુ, રજ્જાકશા સહિત 5નો હુમલો, માતર પોલીસ સ્ટેશનમાં FIR

ખેડા જિલ્લાના માતર GIDC વિસ્તારમાં એક હિંદુ પરિવાર પર મુસ્લિમ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે માતર પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દુકાનમાં મોરસનું પડીકું બાંધવા માટે હિસાબની નોટનું કાગળ ફાડવા બાબતે થયેલી નજીવી બોલાચાલી બાદ આરોપી મુસ્લિમ શખ્સોએ ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર માતરના રહેવાસી અર્જુનભાઈ સોલંકીએ 8 જૂન 2026ના રોજ માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIR મુજબ ફરિયાદી GIDCમાં નોકરી કરે છે. 7 જૂનના રોજ તેઓ નોકરી પૂરી કર્યા બાદ રાત્રિના સમયે પોતાના સસરા પોપટભાઈ પરમારની દુકાને ગયા હતા. તે દરમિયાન રેશમાબાનુ ફિરોજશા દિવાન અને તેનો દીકરો રજ્જાકશા ફિરોજશા દિવાન દુકાન પર હાજર હતાં અને બોલાચાલી કરી રહ્યાં હતાં.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર રજ્જાકશાએ દુકાનના હિસાબની નોટનો કાગળ ફાડીને મોરસનું પડીકું બાંધ્યું હતું. તેના પર પોપટભાઈએ વાંધો ઉઠાવ્યો હતો અને હિસાબની નોટનો કાગળ કેમ ફાડ્યો તે અંગે પૂછપરછ કરી હતી. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

FIR મુજબ બોલાચાલી બાદ રજ્જાકશા અને રેશમાબાનુએ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આરિફઅલી સાબિરઅલી સૈયદ, મુસ્તાકશા ફિરોજશા દિવાન અને નાસિરશા ઝાકિરશા દિવાન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદીનો આરોપ છે કે પાંચેય લોકોએ એકત્ર થઈને ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કર્યો હતો.

ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આરિફઅલી અને મુસ્તાકશાએ અર્જુનભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે રજ્જાકશાએ પ્લાસ્ટિકની ખુરશી વડે તેમના માથાના ભાગે હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી કે ‘આજે તો તને જીવતો નથી જવા દેવાનો.’ દરમિયાન ફરિયાદીનાં સાસુ, સસરા અને પત્નીએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો.

FIRમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હુમલાખોરોએ અર્જુનભાઈ અને પોપટભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો એકત્ર થતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને ધમકી આપી હતી કે, ‘આજે તો તમે બચી ગયા છો, પણ હવે પછી જીવતા નહીં છોડીએ’. તમામ આરોપીઓ ગરનાળા ગામના હોવાનું કહેવામાં આવે છે.

ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ માતર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને નડિયાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું FIRમાં નોંધાયું છે.

માતર પોલીસે રેશમાબાનુ ફિરોજશા દીવાન, રજ્જાકશા ફિરોજશા દીવાન, આરીફઅલી સાબિરઅલી સૈયદ, મુસ્તાકશા ફિરોજશા દીવાન અને નાસિરશા ઝાકિરશા દીવાન સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(2), 191, 190, 109(1), 115(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે.