‘સુપ્રીમ કોર્ટે સુનાવણીની ના પાડી’ના દાવા ખોટા: મીડિયા અહેવાલો પર રોષે ભરાયા CJI સૂર્યકાંત, કહ્યું- અરજી જ દાખલ થઈ નહોતી

ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે શુક્રવારે (24 જુલાઈ) મીડિયામાં આવેલા અહેવાલો પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને કથિત પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે કેસ સાંભળવાની મનાઈ કરી હોવાના મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને બિનજવાબદાર છે.

મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 22 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર પોલીસ બર્બરતા અંગેની એક અરજીને લિસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, ચીફ જસ્ટિસે આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

શુક્રવારે અદાલતમાં CJI કાંતે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કોર્ટ સમક્ષ કોઈ સત્તાવાર અરજી ફાઈલ કરવામાં આવી જ નહોતી. તેમણે જણાવ્યું કે, “અમે રજિસ્ટ્રીમાં તપાસ કરી તો માલૂમ પડ્યું કે એક પણ દસ્તાવેજ દાખલ થયો નહોતો. તે માત્ર એક રજૂઆત (રિપ્રેઝન્ટેશન) હતી અને મીડિયાએ બિનજવાબદાર રીતે ખોટો અહેવાલ આપ્યો કે મેં બાબત લિસ્ટ કરવાની મનાઈ કરી.”

આ વિવાદ 22 જુલાઈની ઘટનાથી શરૂ થયો હતો, જ્યારે એક વકીલે કોર્ટ સમક્ષ મૌખિક રીતે દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પોલીસ અત્યાચારના વિડીયો પુરાવા હોવાનો દાવો કરીને કેસની તાત્કાલિક સુનાવણી માટે માંગ કરી હતી.

તે સમયે વાતચીત દરમિયાન CJI કાંતે વકીલને કહ્યું હતું કે, “મહેરબાની કરીને તમારો અને અમારો સમય ન બગાડો. તમારો સમય અમારા કરતાં વધુ કિંમતી છે.” ત્યારબાદ વકીલે NEET પરીક્ષા નિષ્પક્ષ રીતે યોજવા અને NTAને રદ કરવા જેવી માંગણીઓ પણ કોર્ટ સામે મૂકી હતી.

જ્યારે વકીલે પોલીસ બર્બરતાના વિડીયો બતાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટને વિડીયો જોવામાં કોઈ રસ નથી. આ જ મૌખિક ટિપ્પણીઓને મીડિયા દ્વારા એ રીતે રજૂ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાની ના પાડી દીધી છે, જેનો હવે CJI એ જાહેરમાં ખુલાસો કર્યો છે.