દેશના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ નવા નથી. વિરોધ પક્ષ સરકાર પર પ્રહાર કરે અને સરકાર વિરોધ પક્ષના આક્ષેપોનો જવાબ આપે, એ લોકશાહીનો સ્વાભાવિક ભાગ છે. પરંતુ કેટલીકવાર રાજકીય નિવેદનો માત્ર સરકારની ટીકા પૂરતા રહેતા નથી, તેઓ રાજ્યની સંસ્થાઓ, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટીતંત્ર વિશે પણ એવો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે કે જાણે આ સંસ્થાઓ અંદરથી જ હાલની વ્યવસ્થાથી અસંતોષ ધરાવે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન માત્ર રાજકારણનો રહેતો નથી, પરંતુ લોકશાહી સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ કેટલો અડગ રહે છે તેનો બની જાય છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસ નજીક વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાની અટકાયત બાદ આવો જ એક દાવો કર્યો. તેમનું કહેવું હતું કે જ્યારે દિલ્હી પોલીસના જવાનો તેમને ત્યાંથી હટાવી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસકર્મીઓએ ખાનગીમાં તેમની સાથે વાત કરતા વર્તમાન સરકારને હટાવવાની વાત કહી. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર એક જવાને પોતે રાજસ્થાનનો હોવાનું કહી માત્ર યુનિફોર્મમાં ફરજ બજાવતો હોવાની વાત કરી, જ્યારે બીજા જવાને હરિયાણાનો હોવાનું કહી કથિત રીતે તેમના કાનમાં કહ્યું કે “આ લોકોને હટાવો.”
રાહુલ ગાંધીનો દાવો માત્ર એટલાથી પૂરતો રહ્યો નહીં. તેમણે આગળ કહ્યું કે પોલીસકર્મીઓ ફરજિયાત આદેશનું પાલન કરી રહ્યા છે, પરંતુ તેઓ પોતે પણ હાલની પરિસ્થિતિથી ખુશ નથી. તેમના જણાવ્યા પ્રમાણે, ઘણા સંવેદનશીલ પોલીસકર્મીઓ એવું માને છે કે દેશમાં જે થઈ રહ્યું છે તે દેશના ભવિષ્ય વિરુદ્ધનું કાર્ય છે અને તેઓ પોતાનાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચિંતિત છે. કોકરોચોના આંદોલનને સમર્થન આપતાં રાહુલ ગાંધીએ પોલીસ સાથે થયેલી ધક્કામુક્કીને પણ સામાન્ય ગણાવી અને કહ્યું કે જો વિદ્યાર્થીઓ માટે ઊભા રહેવાની કિંમત તરીકે એકાદ-બે મુક્કા પણ ખાવા પડે તો તેમાં કોઈ મોટી વાત નથી.
आज हर छात्र कह रहा है, पुलिसवाले कह रहे हैं, पूरा देश कह रहा है – मोदी सरकार को जाना पड़ेगा।
— Rahul Gandhi (@RahulGandhi) July 22, 2026
विपक्ष के नेता के रूप में मेरी ज़िम्मेदारी हर भारतीय की आवाज़ बनना है – और उसके लिए हर कीमत छोटी है। pic.twitter.com/uSLu9Py3F5
આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ ગાંધી વડા પ્રધાનના નિવાસ તરફ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ અને પવન ખેડા સહિતના નેતાઓ ત્યાં હાજર હતા. અહેવાલો અનુસાર આ કાર્યક્રમની જાણ કોંગ્રેસના અનેક સાંસદોને પણ છેલ્લી ઘડીએ થઈ હતી. એવું પણ કહેવાયું કે સુરક્ષા એજન્સીઓ અને એસપીજીને અગાઉથી માહિતી ન મળે તે માટે આયોજન મર્યાદિત વર્તુળમાં રાખવામાં આવ્યું હતું.
પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો રાહુલ ગાંધીનો એ દાવો કે પોલીસની અંદર પણ સરકાર વિરુદ્ધ અસંતોષ છે. કારણ કે આ પ્રકારનું નિવેદન માત્ર રાજકીય ટિપ્પણી નથી રહેતું, તે રાજ્યની સંસ્થાઓ વિશે એક વિશિષ્ટ સંદેશ પણ આપે છે. જ્યારે કોઈ રાજકીય નેતા એવો દાવો કરે કે પોલીસ અથવા સુરક્ષા તંત્ર અંદરથી જ સરકારથી અસંતુષ્ટ છે, ત્યારે તે દાવાની અસર માત્ર રાજકીય ચર્ચા સુધી મર્યાદિત રહેતી નથી. તે લોકોના મનમાં એ પ્રશ્ન પણ ઉભો કરી શકે છે કે શું ખરેખર રાજ્યની સંસ્થાઓ અને ચૂંટાયેલી સરકાર વચ્ચે કોઈ અંતર ઉભું થઈ રહ્યું છે.
અવિશ્વાસનો નેરેટિવ તૈયાર કરવાનો પ્રયાસ
લોકશાહી વ્યવસ્થામાં સરકારો આવે છે અને જાય છે, પરંતુ રાજ્યની સંસ્થાઓ સ્થિર રહે છે. પોલીસ, સશસ્ત્ર દળો, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રનું મૂળ કાર્ય બંધારણ અને કાયદા પ્રત્યેની જવાબદારી છે, કોઈ રાજકીય પક્ષ પ્રત્યે નહીં. તેથી જ્યારે જાહેર જીવનમાં એવી ચર્ચાઓ આગળ ધપાવવામાં આવે કે આ સંસ્થાઓ અંદરથી સરકાર વિરુદ્ધ ઊભી થઈ રહી છે અથવા થવા તૈયાર છે, ત્યારે તે માત્ર રાજકીય નિવેદન તરીકે જોવાનું રહેતું નથી.
વિશ્વના અનેક રાજકીય ઉથલપાથલના પ્રસંગોનું વિશ્લેષણ કરીએ તો એક બાબત વારંવાર સામે આવે છે કે રાજકીય અસ્થિરતા ઊભી થાય તે પહેલાં રાજ્યની સંસ્થાઓ અંગે શંકા, અવિશ્વાસ અથવા આંતરિક મતભેદનો નેરેટિવ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે જ્યાં સુરક્ષા તંત્ર અંગે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા અથવા સંસ્થાઓની અંદર ભંગાણ હોવાની ચર્ચાઓએ રાજકીય ઘટનાક્રમને વધુ જટિલ બનાવ્યો.
આ સંદર્ભમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોના તાજેતરના રાજકીય પ્રસંગો ઘણીવાર ચર્ચામાં આવે છે. બંને દેશોની પરિસ્થિતિ અલગ હતી, બંનેના બંધારણીય માળખા અલગ હતા અને બંનેમાં બનેલી ઘટનાઓના કારણો પણ જુદા હતા. તેમ છતાં રાજ્યની સંસ્થાઓની ભૂમિકા અને તેમની અંદર વિશ્વાસ કે અવિશ્વાસનો પ્રશ્ન ત્યાંના રાજકીય પરિવર્તનોની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યો હતો.
બાંગ્લાદેશ: રાજ્યની સંસ્થાઓની અંદરની પરિસ્થિતિ પણ સત્તા પરિવર્તનનું કારણ બની શકે
પડોશી દેશ બાંગ્લાદેશના તાજેતરના રાજકીય ઘટનાક્રમે એક પ્રશ્ન ફરી ચર્ચામાં લાવ્યો કે શું કોઈપણ સરકાર માટે સૌથી મોટો પડકાર માત્ર રસ્તા પર ઉતરેલો વિરોધ હોય છે કે પછી રાજ્યની સંસ્થાઓની અંદર ઊભી થતી પરિસ્થિતિઓ પણ એટલી જ નિર્ણાયક બની શકે? છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં જે બન્યું તેની ચર્ચા માત્ર ત્યાંની આંતરિક રાજનીતિ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ દક્ષિણ એશિયાની રાજકીય સ્થિરતા અને સુરક્ષા તંત્રની ભૂમિકાના સંદર્ભમાં પણ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ ચર્ચાને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે 15 નવેમ્બર, 2025ના રોજ Inshallah Bangladesh: The Story of an Unfinished Revolution નામનું પુસ્તક પ્રકાશિત થયું. દીપ હાલદાર, જયદીપ મજુમદાર અને શહીદુલ હસન ખોખોન દ્વારા લખાયેલા આ પુસ્તકમાં બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના સત્તાચ્યુત થવા પાછળના સંજોગો અંગે વિવિધ દાવાઓ અને વર્ણનો રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્જમાન ખાન કમાલના નિવેદનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.

દિલ્હીમાં લેખકો સાથેની ચર્ચા દરમિયાન અસદુઝ્જમાન ખાન કમાલે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં થયેલું સત્તા પરિવર્તન કોઈ અચાનક બનેલી રાજકીય ઘટના નહોતું, પરંતુ લાંબા સમયથી તૈયાર કરવામાં આવેલી એક સુનિયોજિત સાજિશનો ભાગ હતું. તેમના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રક્રિયામાં અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAની ભૂમિકા હોવાનો તેમને વિશ્વાસ હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે તે સમયે બાંગ્લાદેશના સેનાપ્રમુખ જનરલ વાકર-ઉઝ-જમાન આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા હતા અને સરકારને તેની અગાઉથી જાણ થઈ શકી નહોતી.
ખાન કમાલે એવો પણ દાવો કર્યો હતો કે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોર્સેસ ઇન્ટેલિજન્સ (DGFI) અને નેશનલ સિક્યોરિટી ઇન્ટેલિજન્સ (NSI) જેવી એજન્સીઓ પણ વડા પ્રધાનને સમયસર ચેતવી શકી નહોતી. તેમના જણાવ્યા પ્રમાણે, સરકારને એ જ ખબર ન પડી કે પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધી રહી છે. તેમના આ દાવાઓએ એક વખત ફરી એ ચર્ચાને જન્મ આપ્યો કે જ્યારે રાજ્યની મહત્ત્વની સંસ્થાઓ વચ્ચે વિશ્વાસનો અભાવ સર્જાય અથવા સંકલન નબળું પડે ત્યારે રાજકીય અસ્થિરતા કેટલી ઝડપથી ઊભી થઈ શકે છે.
પૂર્વ ગૃહમંત્રીએ વિદેશી હિતોના બે કારણો પણ ગણાવ્યા હતા. પ્રથમ, તેમના જણાવ્યા મુજબ દક્ષિણ એશિયામાં એકસાથે અનેક મજબૂત નેતાઓનું અસ્તિત્વ કેટલીક શક્તિઓને અનુકૂળ નહોતું. તેમણે આ સંદર્ભમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શેખ હસીનાનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. બીજું કારણ તેમણે બંગાળની ખાડીમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સેન્ટ માર્ટિન દ્વીપ સાથે જોડ્યું હતું. શેખ હસીનાએ પણ પોતાના પદ છોડતા પહેલાં જાહેરમાં એવો દાવો કર્યો હતો કે તેમને રાજકીય સમર્થનના બદલામાં સેન્ટ માર્ટિન દ્વીપ સુધી પહોંચની મંજૂરી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેને તેમણે બાંગ્લાદેશની સાર્વભૌમતા વિરુદ્ધ ગણાવીને નકારી કાઢ્યું હતું.
પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશની અંદર કાર્યરત કેટલાક કટ્ટરપંથી સંગઠનો અને વિદેશી ગુપ્તચર તત્વોએ એકબીજા સાથે સંકલન કરીને પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવી. અસદુઝ્જમાન ખાન કમાલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિઝ ઇન્ટેલિજન્સ (ISI) અને જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશ વચ્ચે પણ સહકારની વાત સામે આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વિદેશમાં તાલીમ લીધેલા કેટલાક લોકો પોલીસને નિશાન બનાવવાની તૈયારીમાં હોવાની ચેતવણી છતાં સેના તરફથી સરકારને ખાતરી આપવામાં આવી કે પોલીસની મદદ વિના પણ પરિસ્થિતિ નિયંત્રિત કરી લેવામાં આવશે.
4 ઑગસ્ટ, 2024ની સાંજે ગોનોભબનમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકનું વર્ણન પણ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા અનુસાર અસદુઝ્જમાન ખાન કમાલે સૂચન કર્યું હતું કે ઢાકામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર પોલીસ નિયંત્રણ મજબૂત કરવામાં આવે. પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે જનરલ વાકરે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને કહ્યું કે જનતાનો પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી, તેથી પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી સેના જ લેશે. પૂર્વ ગૃહમંત્રીના શબ્દોમાં કહીએ તો તે સાંજે સરકારે આ ખાતરી પર વિશ્વાસ મૂક્યો, પરંતુ બીજા જ દિવસે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ.
5 ઑગસ્ટ, 2024ની સવાર સુધીમાં શેખ હસીનાએ પદ છોડ્યું અને દેશની બહાર જવું પડ્યું. આ સમગ્ર ઘટનાક્રમ આજે પણ અનેક દાવા, પ્રતિદાવા અને રાજકીય ચર્ચાનો વિષય છે. પરંતુ આ ઘટનાની ચર્ચા કરતી વખતે એક મુદ્દો વારંવાર સામે આવે છે કે કોઈપણ દેશની રાજકીય સ્થિરતામાં રાજ્યની સંસ્થાઓ વચ્ચેનો વિશ્વાસ કેટલો નિર્ણાયક બની શકે છે.
અહીં નોંધવું જરૂરી છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિ ભારતથી અનેક રીતે જુદી હતી. બંને દેશોની રાજકીય વ્યવસ્થા, બંધારણીય માળખું અને સંસ્થાકીય રચના સરખી નથી. તેમ છતાં, બાંગ્લાદેશના ઘટનાક્રમની ચર્ચામાં વારંવાર એ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે જાહેર ચર્ચામાં સતત એવો નેરેટિવ ઊભો કરવામાં આવે કે સુરક્ષા તંત્ર અંદરથી સરકારથી અસંતુષ્ટ છે, ત્યારે આવી ચર્ચાઓનો લાંબાગાળે જાહેર વિશ્વાસ પર શું પ્રભાવ પડી શકે?
એ જ કારણ છે કે રાજ્યની સંસ્થાઓને લઈને કરવામાં આવતા જાહેર દાવાઓ અને રાજકીય નિવેદનોનું વિશ્લેષણ માત્ર દિવસની રાજનીતિના ચશ્માથી નહીં, પરંતુ વ્યાપક સંસ્થાકીય પરિપ્રેક્ષ્યમાં પણ કરવામાં આવે છે.
મ્યાનમાર સંકટ: બંધારણીય જોગવાઈઓની આડમાં સૈન્ય શાસન
મ્યાનમાર દક્ષિણ એશિયાનું એવું બીજું ઉદાહરણ છે, જ્યાં સેનાએ સીધો હસ્તક્ષેપ કરીને લોકશાહીથી ચૂંટાયેલી નાગરિક સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી. 1 ફેબ્રુઆરી, 2021ના રોજ મ્યાનમારની સેનાએ (તાતમદૉ) સત્તા પર કબજો જમાવી લીધો, ચૂંટાયેલી સરકારને હટાવી દીધી અને તેના ટોચના નેતાઓને અટકાયતમાં લઈ લીધા.
1948માં સ્વતંત્રતા મળ્યા બાદથી જ મ્યાનમારની રાજનીતિ પર સેનાનો ઊંડો પ્રભાવ રહ્યો છે. 1962માં ત્યાં પ્રથમ સૈન્ય તખ્તાપલટ થયો હતો. ત્યારબાદ 2008માં નાગરિક શાસન તરફ આગળ વધવાના હેતુથી નવું બંધારણ અમલમાં આવ્યું, પરંતુ તેમાં પણ સેનાને વ્યાપક સત્તાઓ આપવામાં આવી. સંસદની 25 ટકા બેઠકો સેના માટે અનામત રાખવામાં આવી, ત્રણ મહત્વના સુરક્ષા મંત્રાલયોના નિયંત્રણ સેનાને સોંપવામાં આવ્યા અને એવી ઇમરજન્સી જોગવાઈ કરવામાં આવી કે જેને ઘણા વિશ્લેષકોએ પહેલેથી જ તખ્તાપલટની વ્યવસ્થા તરીકે ગણાવી હતી. તેના હેઠળ રાષ્ટ્રીય સંકટની સ્થિતિમાં સત્તા સેનાને સોંપી શકાય તેવી વ્યવસ્થા હતી.
નવેમ્બર 2020ની સંસદીય ચૂંટણી બાદ નાગરિક સરકાર અને સેના વચ્ચે તણાવ વધી ગયો. આંગ સાન સૂ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રસીને (NLD) સ્પષ્ટ બહુમતી મળી, જ્યારે સેના સમર્થિત યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીને (USDP) કારમી હારનો સામનો કરવો પડ્યો. આ પરાજય બાદ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગ માટે સંસદીય પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ બનવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ. ત્યારબાદ સેનાએ મોટાપાયે ચૂંટણીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા. જોકે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ચૂંટણી નિરીક્ષકોએ આ આરોપોને ફગાવી દીધા. તેમ છતાં સેનાએ ફરી ચૂંટણી કરાવવાની અને સંસદની પ્રથમ બેઠક મુલતવી રાખવાની માંગ કરી.
સરકારે 1 ફેબ્રુઆરી, 2021ના રોજ સંસદની બેઠક યોજવાનો નિર્ણય યથાવત રાખતાં જ સેનાએ તખ્તાપલટ કરી દીધો. રાષ્ટ્રપતિ વિન મ્યિંત, સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી અને અનેક સાંસદોને અટકાયતમાં લેવામાં આવ્યા. પૂર્વ સૈન્ય અધિકારી અને ઉપરાષ્ટ્રપતિ મ્યિંત સ્વે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને બંધારણની કલમ 417 તથા 418નો ઉપયોગ કરીને ઇમરજન્સી જાહેર કરી દેવાઈ. ત્યારબાદ કાર્યપાલિકા, વિધાનપાલિકા અને ન્યાયપાલિકાની તમામ સત્તાઓ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગને સોંપવામાં આવી.
આ સત્તા પરિવર્તન બાદ સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન, અશાંતિ અને હડતાલો શરૂ થઈ. તેના જવાબમાં નેશનલ યુનિટી ગવર્નમેન્ટ નામની સમાંતર સરકાર રચાઈ અને અનેક સશસ્ત્ર પ્રતિરોધ જૂથો પણ સામ આવ્યાં. સત્તા જાળવી રાખવા માટે સેનાએ કરેલી કાર્યવાહીથી મ્યાનમાર લાંબાગાળાના ગૃહસંઘર્ષમાં ધકેલાઈ ગયું, જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું અને સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધી.
ઐતિહાસિક ઉદાહરણ: ભારતમાં ઇમરજન્સી પહેલાંનો સમય
ભારતના રાજકીય ઇતિહાસમાં પોલીસ અને સશસ્ત્રદળોની નિષ્ઠાને અસર પહોંચાડવાના પ્રયાસો જેવી ચર્ચાઓ સંપૂર્ણપણે નવી નથી. 1975માં ઇમરજન્સી લાગુ થાય તે પહેલાં પણ આવી ઘટનાઓ જોવા મળી હતી.
25 જૂન, 1975ના રોજ વિરોધ પક્ષના નેતા જયપ્રકાશ નારાયણે (જેપી) દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી સભાને સંબોધિત કરી હતી. લગભગ 80 મિનિટના પોતાના ભાષણમાં તેમણે પોલીસ, સશસ્ત્રદળો અને સરકારી અધિકારીઓને એવા સરકારી આદેશોનું પાલન ન કરવાની અપીલ કરી હતી, જેને તેઓ ગેરકાયદેસર અને અનૈતિક માને. જેપીએ તેને અહિંસક સવિનય અવજ્ઞાનો ભાગ ગણાવતા કહ્યું હતું કે તેનો હેતુ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની તાનાશાહી વૃત્તિઓ સામે લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવાનો છે.
આ સભામાં જેપીએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એ. એન. રેને પણ અપીલ કરી હતી કે તેઓ ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરનાર અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામે દાખલ થયેલી તેમની અપીલની સુનાવણી ન કરે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મુખ્ય ન્યાયાધીશની ઈમાનદારી પર સવાલ ઉઠાવી રહ્યા નથી, પરંતુ તેમનો તર્ક એવો હતો કે ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોને અવગણીને તેમની નિમણૂક કરવામાં આવી હોવાથી લોકોના વિશ્વાસ પર તેની અસર પડી શકે છે. લોકશાહી સામેના ખતરાનો ઉલ્લેખ કરતાં જેપીએ કહ્યું હતું કે ભારત ન તો બાંગ્લાદેશ છે અને ન તો પાકિસ્તાન, જ્યાં મનસ્વી શાસનને કોઈ વિરોધ વિના સ્વીકારી લેવામાં આવશે.
આ રેલી બાદ વિરોધ પક્ષોએ વડા પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક અઠવાડિયાનો સત્યાગ્રહ શરૂ કર્યો અને દેશવ્યાપી આંદોલન ચલાવવા માટે લોક સંઘર્ષ સમિતિની (LSS) રચના કરી. વધતા રાજકીય દબાણ અને સરકારી તંત્રને કરવામાં આવેલી અપીલો વચ્ચે ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે 25 જૂન, 1975ની રાત્રે સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર કરી. ત્યારબાદ મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા અને અનેક વિરોધ પક્ષના નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા.
મીડિયા અને ‘તખ્તાપલટ’ની વાત
મીડિયા અને રાજકીય વર્ગ દ્વારા સેનાના બળવા અથવા સત્તાપલટા જેવી આશંકાઓને લઈને વાર્તાઓ રચવાની પ્રવૃત્તિ નવી નથી. કોંગ્રેસના શાસનકાળમાં પણ સામાન્ય સંસ્થાકીય ગતિવિધિઓને તખ્તાપલટના પ્રયાસ તરીકે રજૂ કરતા અહેવાલોનો રાજકીય અને વૈચારિક સ્તરે કડક વિરોધ થયો હતો.
તેનું એક જાણીતું ઉદાહરણ પત્રકાર શેખર ગુપ્તાનો વર્ષ 2012માં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલો લેખ હતો, જેનું શીર્ષક હતું – ‘The January night Raisina Hill was spooked: Two key army units move towards Delhi without notifying govt’. આ અહેવાલમાં સરકારને જાણ કર્યા વગર સેનાની બે મહત્વની ટુકડીઓ દિલ્હી તરફ આગળ વધી હોવાની ઘટનાને સંભવિત તખ્તાપલટ જેવી સ્થિતિના સંકેત તરીકે રજૂ કરવામાં આવી હતી.

તે સમયે આ અહેવાલની ભારે ટીકા થઈ હતી. માત્ર તત્કાલીન સરકારે જ નહીં, પરંતુ કોંગ્રેસના ઘણા ટીકાકારોએ પણ આ કથિત ષડ્યંત્રની વાતને સનસનાટી ફેલાવતો અહેવાલ ગણાવ્યો હતો. તેમનું માનવું હતું કે વાચકોનું ધ્યાન ખેંચવા માટે આ પ્રકારની વાર્તા ઘડવામાં આવી હતી. આ જ કારણસર કેટલાક લોકોએ વ્યંગમાં શેખર ગુપ્તાને ‘કૂપ્ટા’ (Coupta) તરીકે પણ ઓળખાવવાનું શરૂ કર્યું હતું.
આવા બિનજવાબદાર ‘તખ્તાપલટ’ સંબંધિત દાવાઓ માત્ર સશસ્ત્રદળોની છબીને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકશાહી સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ નબળો પાડે છે. આ ઐતિહાસિક ઉદાહરણ દર્શાવે છે કે સેના અથવા પોલીસની કથિત નારાજગીને આધારે સત્તા પરિવર્તનનો નેરેટિવ ઊભો કરવો લાંબા સમયથી જવાબદાર રાજકારણ કે પત્રકારિતાનો ભાગ નહીં, પરંતુ સનસનાટી ફેલાવવાનો પ્રયાસ માનવામાં આવતો રહ્યો છે.
આ જ રીતે રાહુલ ગાંધીનો તાજેતરનો દાવો કે પોલીસકર્મીઓએ તેમના કાનમાં સરકારને હટાવવાની વાત કરી હતી, તે પણ એવી જ એક રણનીતિનો ભાગ હોવાનું જણાય છે, જેમાં સરકારી સંસ્થાઓની અંદર અસંતોષ હોવાનો સંકેત આપીને અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય.


