એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો માત્ર નજીકના પ્રદેશો સુધી જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. એક સમય એવો પણ હતો, જ્યારે ગુજરાતની ધરતી પર વસેલું એક નગર માત્ર તેની સુવ્યવસ્થિત ગલીઓ કે પાકી ઈંટનાં મકાનો માટે નહીં, પરંતુ વિશ્વના સૌથી પ્રાચીન બંદર શહેરોમાંનાં એક તરીકે ઓળખાતું હતું. સદીઓ સુધી માટીની નીચે દટાયેલું આ શહેર આજે ફરી ચર્ચામાં છે. કારણ કે ભારત સરકાર હવે તેને માત્ર પુરાતત્વીય અવશેષ તરીકે સાચવવા માંગતી નથી, પરંતુ નવી પેઢી તેને આંખે જોઈ શકે, તેની શેરીઓમાં ફરી શકે, તે બજારનો અહેસાસ કરી શકે અને તેની દરિયાઈ સંસ્કૃતિને અનુભવી શકે તે માટે એક અભૂતપૂર્વ પ્રયાસ કરી રહી છે.
ગુજરાતના અમદાવાદ નજીક આવેલા લોથલમાં બની રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં (NMHC) હવે લગભગ સાડા ચાર હજાર વર્ષ જૂના હડપ્પીય શહેરની લાઇફ-સાઇઝ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી રહી છે. સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે અને સાથે જ તેને માત્ર મ્યુઝિયમ નહીં, પરંતુ મેરિટાઇમ શિક્ષણ, સંશોધન અને ભારતની દરિયાઈ સભ્યતાના વૈશ્વિક પ્રદર્શનના કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં પણ આગળ વધી રહી છે. જોકે, આ શહેરને ઊભું કરવા માટેની મંજૂરી 2022-23માં જ આપી દેવામાં આવી હતી અને 2024માં કેન્દ્રીય કેબિનેટે પણ ઔપચારિક મંજૂરી આપી દીધી હતી, એટલે કે 2021થી જ તેના માટેનું કામ ચાલી રહ્યું છે. આ માત્ર એક નવું પ્રવાસન સ્થળ બનવાનું નથી, આ ભારતના પ્રાચીન ઇતિહાસના એક એવા અધ્યાયને ફરી જીવંત કરવાનો પ્રયાસ છે, જેનો ઉલ્લેખ દુનિયાની સૌથી પ્રાચીન નગર સંસ્કૃતિઓમાં થાય છે.
જ્યાંથી લખાઈ ભારતની દરિયાઈ ગાથા
આજે લોથલનું નામ સાંભળતાં સૌપ્રથમ મનમાં સિંધુ સંસ્કૃતિ આવે છે, પરંતુ લોથલનું મહત્વ માત્ર એટલું નથી કે તે હડપ્પીય સંસ્કૃતિનું એક શહેર હતું. વાસ્તવમાં તે આ સમગ્ર સંસ્કૃતિનું સૌથી મહત્વનું મેરિટાઇમ કેન્દ્ર માનવામાં આવે છે. પુરાતત્વીય અભ્યાસો સૂચવે છે કે ઈ.સ.પૂર્વે લગભગ 2400ની આસપાસ વિકસેલું આ નગર તે સમયના આંતરરાષ્ટ્રીય વેપારનું એક સક્રિય કેન્દ્ર હતું. અહીંથી તૈયાર થતા મણકા, શંખમાંથી બનેલી વસ્તુઓ, કિંમતી પથ્થરોના આભૂષણો અને અન્ય હસ્તકલા ઉત્પાદનો દરિયાઈ માર્ગે દૂરના પ્રદેશોમાં મોકલવામાં આવતા હતા.
મેસોપોટેમિયાના પુરાતત્વીય સ્થળોએ મળેલી હડપ્પીય સીલ અને વેપારના અન્ય પુરાવાઓ બતાવે છે કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચેનો સંબંધ કોઈ આધુનિક ઘટના નથી. હજારો વર્ષ પહેલાં પણ ગુજરાતના આ નગરમાંથી વેપારની એવી મજબૂત વ્યવસ્થા ઉભી થઈ હતી, જે તે સમયની વિશ્વ અર્થવ્યવસ્થાનો એક ભાગ હતી. જ્યારે વિશ્વના અનેક પ્રદેશોમાં નગરજીવન હજુ વિકસી રહ્યું હતું ત્યારે લોથલમાં વેપાર, વહીવટ અને નગર આયોજનનું એવું મોડેલ જોવા મળતું હતું, જે આજે પણ સંશોધકોને આશ્ચર્યમાં મૂકે છે.
લોથલની સૌથી મોટી ઓળખ તેનું ડોકયાર્ડ છે. અનેક પુરાતત્વવિદો તેને વિશ્વના સૌથી પ્રાચીન જાણીતા માનવસર્જિત ડોકયાર્ડમાંનું એક ગણાવે છે. આ ડોકયાર્ડ માત્ર જહાજ ઊભાં રાખવાની જગ્યા નહોતું, પરંતુ જ્વાર-ભાટાના પાણીનું નિયંત્રણ, માલની અવરજવર અને દરિયાઈ વેપાર માટે સુવ્યવસ્થિત આયોજન સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. તે દર્શાવે છે કે તે સમયના ભારતીયો માત્ર દરિયાથી પરિચિત નહોતા, પરંતુ તેમણે દરિયાને આર્થિક સમૃદ્ધિનું સાધન બનાવી દીધો હતો.
માટીની નીચે દટાયેલું શહેર ફરી દુનિયા સામે આવ્યું
સમય પસાર થતો ગયો અને એક દિવસ એવૉ આવ્યો કે લોથલ ઇતિહાસના પાનાંમાંથી જ નહીં, ધરતીની અંદર પણ દટાઈ ગયું. સદીઓ સુધી કોઈને ખબર નહોતી કે ગુજરાતની આ ધરતીની નીચે એક એવું શહેર સૂતેલું છે, જેણે ક્યારેક સમગ્ર પ્રદેશના વેપારને દિશા આપી હતી.
વીસમી સદીના મધ્યમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા શરૂ થયેલા ખોદકામે આ સ્થિતિ બદલી નાખી. 1955થી શરૂ થયેલા અને જાણીતા પુરાતત્વવિદ ડૉ. એસ. આર. રાવના નેતૃત્વમાં થયેલા અભ્યાસોએ લોથલને ફરી દુનિયા સમક્ષ લાવી દીધું. ખોદકામ દરમિયાન બહાર આવેલાં પાકી ઈંટોના મકાનો, ગટર વ્યવસ્થા, ગોડાઉન, મણકા બનાવવાની વર્કશોપ, અગ્નિકુંડ, સીલ, વજન-માપની પદ્ધતિ અને સૌથી અગત્યનું ડોકયાર્ડ, આ બધાએ સાબિત કર્યું કે આ કોઈ સામાન્ય વસાહત નહોતી.
લોથલના અવશેષોએ વિશ્વને સમજાવ્યું કે ભારતીય ઉપખંડમાં હજારો વર્ષ પહેલાં માત્ર ખેતી કે વસવાટ જ નહોતો, પરંતુ સુવ્યવસ્થિત નગરજીવન, આંતરરાષ્ટ્રીય વેપાર, તકનીકી કુશળતા અને આયોજનબદ્ધ શહેરી સંસ્કૃતિ પણ અસ્તિત્વમાં હતી. આ શોધે ભારતના પ્રાચીન ઇતિહાસને સમજવાની દિશા જ બદલી નાખી.
તાજેતરનાં વર્ષોમાં ફરી શરૂ થયેલા પુરાતત્વીય અભ્યાસોએ પણ લોથલ વિશે નવી માહિતી આપી છે. નવાં સંશોધનો દર્શાવે છે કે અહીંની વસાહત વિશે અત્યાર સુધી જે માન્યતાઓ હતી તેના કરતાં વધુ લાંબા સમય સુધી આ શહેર સક્રિય રહ્યું હોય શકે છે. એટલે લોથલ હજુ પણ ઇતિહાસનાં નવાં રહસ્યો ખુલ્લાં કરી રહ્યું છે.
હવે સરકાર લોથલને ફરી જીવંત કરવા જઈ રહી છે
પુરાતત્વીય સ્થળો સામાન્ય રીતે એકસરખો અનુભવ આપે છે. મુલાકાતી જાય, થોડા અવશેષ જુએ, માહિતી વાંચે અને પાછો આવી જાય. પરંતુ લોથલ માટે સરકારની યોજના સંપૂર્ણપણે અલગ છે.
અહીં બની રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં માત્ર પ્રાચીન વસ્તુઓ પ્રદર્શિત નહીં થાય, પરંતુ આખા લોથલ શહેરને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે મુલાકાતીને એવું લાગશે કે તે ચાર-સાડા ચાર હજાર વર્ષ પહેલાંના હડપ્પીય નગરમાં પ્રવેશી ગયો છે.
માત્ર અવશેષો નહીં, આખું શહેર ફરી ઊભું થશે
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ઇતિહાસને માત્ર વાંચવાનો કે કાચની અંદર જોવાનો નહીં, પરંતુ અનુભવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે મ્યુઝિયમમાં કોઈ પ્રાચીન સંસ્કૃતિને તેના અવશેષો, મૂર્તિઓ કે શિલાલેખો દ્વારા સમજાવવામાં આવે છે, પરંતુ લોથલમાં સરકાર તેનાથી એક ડગલું આગળ જઈ રહી છે. અહીં હડપ્પીય યુગના લોથલ શહેરની લાઇફ-સાઇઝ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં પહોંચનાર વ્યક્તિને એવો અનુભવ થાય કે જાણે સમયનું ચક્ર ચાર-સાડા ચાર હજાર વર્ષ પાછળ ફરી ગયું હોય.

આ પ્રતિકૃતિમાં માત્ર થોડાં ઘરો કે એક પ્રતીકાત્મક માળખું નહીં હોય. આયોજન મુજબ શહેરની ગલીઓ, રહેણાંક વિસ્તાર, બજાર, જાહેર સ્થળો અને લોથલની સૌથી મોટી ઓળખ ગણાતું ડોકયાર્ડ પણ ફરી સર્જવામાં આવશે. મુલાકાતીઓ એ રસ્તાઓ પર ચાલી શકશે, જ્યાં ક્યારેક વેપારીઓની અવરજવર થતી હશે, એ બજારનો અહેસાસ કરી શકશે, જ્યાં મણકાના કારીગરો અને વેપારીઓ પોતાની વસ્તુઓની લેવડદેવડ કરતા હશે અને તે બંદરનું સ્વરૂપ જોઈ શકશે, જ્યાંથી પ્રાચીન ભારતનો વેપાર સમુદ્ર પાર જતો હતો.
આ કારણસર સરકાર તેને માત્ર ‘મ્યુઝિયમ’ તરીકે રજૂ કરતી નથી. તેનો હેતુ એક ઇમર્સિવ અનુભવ આપવાનો છે, જેમાં ઇતિહાસ પુસ્તકના પાનાંમાંથી બહાર આવીને મુલાકાતીની આસપાસ જીવંત થઈ જાય.
ભારતના હજારો વર્ષના દરિયાઈ ઇતિહાસને એક જ જગ્યાએ લાવવાનો પ્રયાસ
લોથલની પ્રતિકૃતિ આ પ્રોજેક્ટની સૌથી આકર્ષક સિદ્ધિ છે, પરંતુ સમગ્ર કોમ્પ્લેક્સનો દૃષ્ટિકોણ તેનાથી ઘણો વિશાળ છે. સરકાર તેને ભારતના હજારો વર્ષના મેરિટાઇમ ઇતિહાસના સૌથી મોટા પ્રદર્શન તરીકે વિકસાવી રહી છે.
અહીં કુલ 14 થીમ આધારિત ગેલેરીઓ બનાવવામાં આવી રહી છે, જેમાં પ્રાચીન ભારતની દરિયાઈ પરંપરા, હડપ્પીય વેપાર, જહાજ નિર્માણની કળા, નેવિગેશન, મેરિટાઇમ આર્કિયોલોજી, સમુદ્રી વેપાર માર્ગો અને આધુનિક ભારતીય નૌકાદળ સુધીની યાત્રા રજૂ કરવામાં આવશે. એટલે કે લોથલ માત્ર હડપ્પીય સંસ્કૃતિની વાત નહીં કરે, પરંતુ ભારતના સમગ્ર મેરિટાઇમ વિકાસની ગાથા રજૂ કરશે.
પ્રથમ તબક્કામાં અનેક મ્યુઝિયમ ગેલેરીઓ, જેટ્ટી વોકવે, ઓપન એક્વાટિક થીમ વિસ્તાર અને ભારતીય નૌસેનાના ઐતિહાસિક સાધનો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આગળના તબક્કામાં વિશ્વનું સૌથી ઊંચું આયોજનબદ્ધ લાઇટહાઉસ મ્યુઝિયમ, 50-ડોમ થિયેટર, વધુ ગેલેરીઓ, કોસ્ટલ સ્ટેટ્સ પેવિલિયન, થીમ પાર્ક અને મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. એટલે આ પ્રોજેક્ટ એક કલાકમાં જોઈ શકાય એવું સામાન્ય મ્યુઝિયમ નહીં રહે, પરંતુ આખો દિવસ પસાર થઈ જાય તેટલો વિશાળ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અનુભવ બનશે.
જોકે આ સમગ્ર પ્રોજેક્ટનું આકર્ષણ માત્ર લોથલના પુનઃનિર્માણ પૂરતું સીમિત નથી. કોમ્પ્લેક્સમાં વિશાળ નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ, વિશ્વસ્તરીય લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ, દરિયાકાંઠાના રાજ્યોના પેવિલિયન્સ, મેરિટાઇમ અને નેવલ થીમ પાર્ક, મોન્યુમેન્ટ્સ થીમ પાર્ક, ક્લાઇમેટ ચેન્જ થીમ પાર્ક, નેચર કન્ઝર્વેશન પાર્ક, એડવેન્ચર ઝોન, મ્યુઝિયોટેલ્સ અને ઇકો રિસોર્ટ જેવી અનેક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. એટલે અહીં આવનારા પ્રવાસીને માત્ર હડપ્પીય સંસ્કૃતિ જ નહીં, પરંતુ ભારતના પ્રાચીનથી આધુનિક દરિયાઈ વારસાની સમગ્ર યાત્રાનો અનુભવ એક જ સ્થળે થશે.
માત્ર પ્રવાસન નહીં, શિક્ષણ અને સંશોધનનું પણ કેન્દ્ર
તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે થયેલો સમજૂતી કરાર (MoU) આ પ્રોજેક્ટની બીજી મહત્વપૂર્ણ દિશા દર્શાવે છે. આ સહયોગનો અર્થ એટલો જ નથી કે બે સંસ્થાઓ સાથે કામ કરશે, તેનો અર્થ એ છે કે લોથલને હવે માત્ર મુલાકાતીઓ માટેનું આકર્ષણ નહીં, પરંતુ મેરિટાઇમ શિક્ષણ, સંશોધન અને નીતિ અભ્યાસના કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે.
મેરિટાઇમ સિક્યોરિટી, મેરિટાઇમ લો, કોસ્ટલ ગવર્નન્સ, મેરિટાઇમ આર્કિયોલોજી અને ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓ પર સંશોધનને અહીં પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે ભવિષ્યમાં લોથલ માત્ર ઇતિહાસપ્રેમીઓ કે પ્રવાસીઓ માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓ, સંશોધકો, પુરાતત્વવિદો અને નીતિ-નિર્માતાઓ માટે પણ મહત્વપૂર્ણ સ્થળ બનશે.
આ અભિગમ નોંધપાત્ર છે, કારણ કે વિશ્વના મોટા સિવિલાઇઝેશનલ મ્યુઝિયમો માત્ર પ્રદર્શન સુધી સીમિત નથી રહેતા. તેઓ જ્ઞાનનું સર્જન પણ કરે છે. ભારત પણ હવે લોથલ દ્વારા એ જ દિશામાં આગળ વધતું દેખાય છે.
લોથલ માત્ર એક શહેર નહોતું, એક વિચાર હતો
લોથલને સમજવાનો સૌથી મોટો પડકાર એ છે કે આપણે તેને આજના શહેરોની દૃષ્ટિએ જોવાનું શરૂ કરી દઈએ છીએ. હકીકતમાં લોથલની સૌથી મોટી સિદ્ધિ તેની ઇમારતો નહોતી, પરંતુ તેનું આયોજન હતું.
વિશ્વના અનેક પ્રાચીન નગરોમાં વસાહતો હતી, પરંતુ દરેક પાસે સુવ્યવસ્થિત નગરરચના, માપદંડ મુજબણાં મકાનો, ગટર વ્યવસ્થા, વેપાર માટે અલગ ગોડાઉન, ઉત્પાદન માટે વિશેષ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય બંદર નહોતાં. લોથલ પાસે આ બધું હતું. એટલે તે માત્ર રહેવા માટેનું સ્થળ નહોતું, તે વેપાર, ટેક્નોલોજી, હસ્તકલા અને વહીવટનું કેન્દ્ર હતું.
મણકા બનાવવાની અહીંની કળા એટલી વિકસિત હતી કે આજે પણ પુરાતત્વવિદો તેની પ્રક્રિયાનો અભ્યાસ કરે છે. શંખમાંથી બનતી વસ્તુઓ, કિંમતી પથ્થરોની પ્રક્રિયા, ધાતુઓનો ઉપયોગ અને પ્રમાણભૂત વજન-માપ પદ્ધતિ બતાવે છે કે અહીંનું અર્થતંત્ર અત્યંત વ્યવસ્થિત હતું. કદાચ એ જ કારણ છે કે લોથલ માત્ર ગુજરાતનું કે ભારતનું નહીં, પરંતુ સમગ્ર હડપ્પીય વિશ્વનું મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર બની શક્યું.
ઇતિહાસને સાચવવાથી આગળ વધીને તેને જીવંત કરવાનો પ્રયાસ
ભારતમાં ઐતિહાસિક વારસાને સાચવવા માટે અનેક મ્યુઝિયમો અને સ્મારકો છે. લોકો ત્યાં જાય છે, પ્રાચીન અવશેષો જુએ છે, માહિતી વાંચે છે અને પાછા ફરે છે. પરંતુ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પાછળનો વિચાર થોડો જુદો છે. અહીં સરકાર માત્ર એક પ્રાચીન સ્થળને સંરક્ષિત કરવાની ભૂમિકામાં નથી, પરંતુ એક એવી સંસ્કૃતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનો પ્રભાવ હજારો વર્ષ પહેલાં ભારતની સરહદોથી ઘણો દૂર સુધી પહોંચ્યો હતો.
આ પ્રોજેક્ટનું મહત્વ એટલા માટે પણ વધે છે કે દુનિયાના ઘણા દેશો પોતાની પ્રાચીન સંસ્કૃતિને આધુનિક ટેક્નોલોજીની મદદથી ફરી રજૂ કરી રહ્યા છે. ક્યાંક રોમન શહેરોની ડિજિટલ પુનઃરચના થાય છે તો ક્યાંક ઇજિપ્તના પિરામિડનો ઇમર્સિવ અનુભવ અપાય છે. ભારત પાસે પણ સિંધુ સંસ્કૃતિ જેવી વિશ્વની સૌથી પ્રાચીન નગર સંસ્કૃતિઓમાંની એક છે, પરંતુ સામાન્ય ભારતીય માટે તેનો અનુભવ અત્યાર સુધી પુસ્તકો, પાઠ્યપુસ્તકો અથવા પુરાતત્વીય અવશેષો સુધી જ સીમિત રહ્યો છે. લોથલમાં નિર્માણાધીન આ કોમ્પ્લેક્સ એ અંતર ઘટાડવાનો પ્રયાસ છે.
કોઈ બાળક જ્યારે અહીં આવશે ત્યારે તે ન માત્ર વાંચશે કે હડપ્પીય લોકો કેવી રીતે રહેતા હતા, તે એ ગલીઓમાં ચાલશે, એ ડોકયાર્ડને જોશે, વેપારની વ્યવસ્થા સમજશે અને કદાચ પહેલી વાર અનુભવશે કે ચાર-સાડા ચાર હજાર વર્ષ પહેલાંનું ભારત કેટલું વિકસિત હતું. એ જ આ સમગ્ર પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા હશે.
પ્રાચીન ભારત વિશેની ઘણી માન્યતાઓને પણ પડકારશે લોથલ
ઘણાં વર્ષો સુધી એક ખોટી ધારણા પ્રચલિત રહી કે પ્રાચીન ભારત મુખ્યત્વે કૃષિ આધારિત સમાજ હતો અને દરિયાઈ વેપારમાં તેનું સ્થાન મર્યાદિત હતું. પરંતુ લોથલ તેના વિરુદ્ધની ગાથા કહે છે. તે બતાવે છે કે જ્યારે વિશ્વના અનેક ભાગોમાં દરિયાઈ વેપાર હજુ શરૂઆતના તબક્કામાં હતો ત્યારે ભારતના પશ્ચિમ કિનારે એક એવું બંદર શહેર અસ્તિત્વમાં હતું, જ્યાં જહાજો માટે આયોજનબદ્ધ સુવિધા, વેપાર માટે ગોડાઉન, ઉત્પાદન કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ હતી.
આજના સમયમાં જ્યારે ભારત ‘બ્લૂ ઇકોનોમી’, ‘સાગર’ (Security and Growth for All in the Region), બંદરોના આધુનિકીકરણ અને વૈશ્વિક મેરિટાઇમ શક્તિ બનવાની વાત કરે છે ત્યારે લોથલ આ સમગ્ર ચર્ચાને ઐતિહાસિક આધાર પણ આપે છે. તે યાદ અપાવે છે કે ભારતનો દરિયા સાથેનો સંબંધ કોઈ નવી નીતિથી શરૂ થયો નથી, તેની પરંપરા હજારો વર્ષ જૂની છે.
એટલે જ આ કોમ્પ્લેક્સ માત્ર ભૂતકાળની યાદ નથી. તે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક સેતુ છે. એક તરફ તે હડપ્પીય સંસ્કૃતિના વૈભવની ઝાંખી કરાવે છે તો બીજી તરફ આધુનિક ભારતની મેરિટાઇમ મહત્ત્વાકાંક્ષાને પણ એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપે છે.
લોથલ ફરી જીવંત થશે, પરંતુ આ વખતે યાદોમાં નહીં, અનુભવોમાં
સદીઓ પહેલાં પૂર, નદીઓના માર્ગમાં આવેલા ફેરફારો અને સમયના પ્રહાર વચ્ચે લોથલ ધીમે-ધીમે ઇતિહાસમાં સમાઈ ગયું. પછી એક સમય એવો આવ્યો કે તે માત્ર પુરાતત્વવિદોના અભ્યાસનો વિષય બની રહ્યું. તેની ગલીઓમાં હવે કોઈ ચાલતું નહોતું, તેના ડોકયાર્ડમાં કોઈ જહાજ ઊભાં રહેતાં નહોતાં અને બજારોમાં વેપાર થતો નહોતો. માત્ર અવશેષો હતા અને એ અવશેષોમાં છુપાયેલી હતી એક અદ્ભૂત સભ્યતાની નિઃશબ્દ સાક્ષી.
હવે લગભગ 4500 વર્ષ પછી લોથલ ફરી લોકોની વચ્ચે આવશે. અલબત્ત, તે એ જ પ્રાચીન શહેર નહીં હોય, પરંતુ તેની આત્માને શક્ય એટલી પ્રામાણિક રીતે ફરી સર્જવાનો પ્રયાસ હશે. મુલાકાતીઓ અહીં માત્ર ઇતિહાસ જોવા નહીં આવે, પરંતુ તેને અનુભવવા આવશે. તેઓ સમજી શકશે કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ માત્ર મંદિર, મહેલ કે રાજવંશોની કથાઓ નહોતી, તે જ્ઞાન, વિજ્ઞાન, નગર આયોજન, વેપાર અને દરિયાઈ દૃષ્ટિના અસાધારણ સમન્વયની પણ ગાથા હતી.
એટલા માટે જ લોથલનો આ પ્રોજેક્ટ સામાન્ય મ્યુઝિયમ કરતાં ઘણો મોટો અર્થ ધરાવે છે. તે ભારતને પોતાના ભૂતકાળ સાથે ફરી પરિચિત કરાવવાનો પ્રયાસ છે. એક એવો પ્રયાસ, જેમાં માટીની નીચે દટાયેલું શહેર ફરી ઊભું થશે, નિર્જીવ અવશેષો ફરી અતીત કહેવા લાગશે અને હજારો વર્ષ પહેલાંની ભારતીય દરિયાઈ સંસ્કૃતિ ફરી એકવાર દુનિયાની સામે ગૌરવપૂર્વક ઊભી રહેશે.


