
દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક મુદ્દે CJPના વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ગુરુવારે (13 જુલાઈ) માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિનો અયોગ્ય લાભ ઉઠાવીને દેશમાં ભ્રામક અફવાઓ અને ખોટી માહિતી ફેલાવી રહેલા પાકિસ્તાન સ્થિત 480થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે. આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ ભૂતકાળમાં ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન પણ આવી જ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.
પોલીસના ઉચ્ચ અધિકારીએ જારી કરેલા વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ઑપરેટ થતાં આ હેન્ડલ્સ સોશિયલ મીડિયા પર ફેક પોસ્ટ, એડિટ કરેલા વિડીયો અને અફવાઓ વાયરલ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્લોટફોર્મ્સનો મુખ્ય હેતુ આંદોલનકારીઓ અને ખાસ કરીને નિર્દોષ વિદ્યાર્થીઓને ભ્રમિત કરીને તેમનું ધ્યાન ભટકાવવાનો છે. દિલ્હી પોલીસ આ તમામ દેશવિરોધી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરાવવાની કામગીરી કરી રહી છે.
480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns were identified and blocked.
— Delhi Police (@DelhiPolice) July 23, 2026
Delhi Police appeals to students and youth to be wary of such foreign accounts spreading rumours to mislead the situation.@LtGovDelhi #DPUpdates pic.twitter.com/SXzwXosDGr
વિદ્યાર્થીઓ અને દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે એક ખાસ અપીલ પણ જારી કરી છે. પોલીસે વિદ્યાર્થીઓને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ અનામી (Anonymous) હેન્ડલ્સ, એડિટ કરેલા વિડીયો કે અપ્રમાણિત પોસ્ટથી ઉશ્કેરાય નહીં. કોઈ પણ માહિતી આગળ શેર કરતા પહેલાં તેના સત્યાર્થતાની ચકાસણી કરવી જરૂરી છે, જેથી અસામાજિક તત્વો લોકોની લાગણીઓનો ગેરલાભ ઉઠાવીને દેશની શાંતિ અને કાયદો-વ્યવસ્થા ડહોળી ન શકે.
દિલ્હી પોલીસે નાગરિકોના લોકશાહી અધિકારોનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના નાગરિકોના અધિકારનું પૂરેપૂરું સન્માન કરે છે. કાયદાનું પાલન કરાવતી એજન્સીઓએ આંદોલનકારીઓને શાંતિ જાળવવા અને પોલીસ પ્રશાસનને સહકાર આપવા વિનંતી કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર પણ કરડી નજર રાખી રહી છે.

