રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે રદ કર્યા સોનમ રઘુવંશીના જામીન, સરેન્ડર કરવાનો આદેશ

રાજા રઘુવંશીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી પત્ની સોનમ રઘુવંશીના જામીન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પી. બી. વરાલેની પીઠે હાઇકોર્ટ અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરીને સોનમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે આ તબક્કે આરોપીને બહાર રાખવાથી ચાલી રહેલી ટ્રાયલમાં અવરોધ આવી શકે છે.

કેસ એવો છે કે લગ્ન પછી મેઘાલયમાં હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા કરીને તેમની લાશને એક ખાઈમાં ફેંકી દેવામાં આવી હતી, જેમાં સોનમ પર સુપારી આપીને ભાડૂતી હત્યારાઓ દ્વારા આ હત્યા કરાવવાનો આરોપ છે. સોનમની 9 જૂન, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં નીચલી અદાલતે એ ગ્રાઉન્ડ પર તેને જામીન આપ્યા હતા કે ધરપકડના મેમોમાં BNSની હત્યાની કલમ 103(1)ને બદલે ભૂલથી કલમ 403 લખાઈ ગઈ હતી, જેથી ધરપકડનાં કારણો યોગ્ય રીતે આપવામાં ન આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે આદેશને પછીથી મેઘાલય હાઇકોર્ટે પણ યથાવત રાખ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિણર્ય ફગાવ્યો

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્ણયને ભૂલભરેલો ગણાવતા ફગાવી દીધો છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ માત્ર ટાઇપોગ્રાફિકલ ભૂલ હતી અને ધરપકડના તમામ ગ્રાઉન્ડ આરોપીને આપવામાં આવ્યા જ હતા, જે મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નોંધાયેલું છે. અદાલતે પણ નોંધ્યું કે ‘ધરપકડના કારણો ન આપવાં’ અને ‘આપેલાં કારણોમાં અપૂરતી વિગતો હોવી’ એ બંને વચ્ચે તફાવત છે. માત્ર લખાણની ભૂલના આધારે આટલા ગંભીર ગુનામાં જામીન આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કદાચ ધરપકડની પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ ખામી રહી ગઈ હોય તોપણ તપાસ એજન્સી આરોપીની ફરીથી ધરપકડ કરીને તે ખામી સુધારી શકે છે. આ ઉપરાંત, સોનમની અગાઉની જામીન અરજીઓ ગુણદોષના આધારે રદ થઈ ચૂકી હતી, તેથી ટેકનિકલ મુદ્દા પર જામીન આપવા યોગ્ય ન હતા.

અદાલતે સોનમ રઘુવંશીને સરેન્ડર કરવા માટેનો સમય આપ્યો છે. જોકે, તેની સાથે જ કોર્ટે એમ પણ કહ્યું છે કે જો આગામી છ મહિનાની અંદર આ કેસની ટ્રાયલ પૂરી ન થાય અથવા આગળ ન વધે તો આરોપી સોનમ પાસે ટ્રાયલ કોર્ટમાં નવેસરથી જામીન અરજી કરવાનો અધિકાર રહેશે.