‘NSA હેઠળ ડિટેન્શનની સત્તા આપતો આદેશ નિયમિત પ્રક્રિયાનો ભાગ, CJP પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી’: દિલ્હી પોલીસ

સોશિયલ મીડિયા પર એવા દાવાઓ થઈ રહ્યા હતા કે કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસ કમિશનરને 19 જુલાઈથી 18 ઑક્ટોબર 2026 સુધી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કોઈપણ વ્યક્તિને અટકાયતમાં લેવાના વિશેષ અધિકારો આપ્યા છે. એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે આ નિર્ણય દેશમાં ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે લેવામાં આવ્યો છે. પણ હવે દિલ્હી પોલીસે આને રૂટિન આદેશ ગણાવીને સ્પષ્ટતા કરી છે કે CJP પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી.

દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર એક અધિકૃત નિવેદન જાહેર કરીને આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું કે આ કોઈ નવો કે વિશેષ આદેશ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દર ત્રણ મહિને થતી એક સામાન્ય અને નિયમિત વહીવટી પ્રક્રિયાનો (Routine Renewal) ભાગ છે. આથી આ નિર્ણયને ચાલુ પ્રદર્શનો સાથે ન જોડવો જોઈએ.

વધુ વિગતો આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે આ સંબંધિત રિન્યુઅલ ઓર્ડર 7 જુલાઈ 2026ના રોજ જ જારી કરી દેવામાં આવ્યો હતો, જે 19 જુલાઈથી 18 ઑક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે. આ આદેશ CJPનાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં તે પહેલાં જ મંજૂર કરવામાં આવ્યો હતો. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે તાજેતરની ઘટનાઓ કે પ્રદર્શનોને કારણે આ ઓર્ડર મેળવવા માટે કોઈ ખાસ વિનંતી કે પ્રક્રિયા કરવામાં આવી નહોતી.

અંતે દિલ્હી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલતી આવી ગેરમાર્ગે દોરનારી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેને શેર કરવાનું ટાળે. દિલ્હી પોલીસે લોકોને માત્ર અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપી છે. સ્પષ્ટતા અનુસાર દિલ્હી પોલીસ કમિશનરની અટકાયત શક્તિઓ લંબાવવાનો આદેશ સત્તાવાર અને સાચો છે, પરંતુ તેને CJP પ્રદર્શનો સાથે જોડતો તદ્દન ગેરમાર્ગે દોરનારો છે.