
અમદાવાદ ગ્રામ્ય પોલીસે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી 25 વર્ષીય મુસ્લિમ યુવક બિટ્ટુ ખાન ઉર્ફે બિટ્ટુખાન રહીશખાનની ધરપકડ કરી છે. આરોપી પર 17 વર્ષની હિંદુ સગીરાને સોશિયલ મીડિયા પર પોતાને ‘સોનુ’ નામનો 23 વર્ષીય અવિવાહિત હિંદુ યુવક તરીકે ઓળખાવી ફસાવવાનો, ત્યારબાદ તેને બ્લેકમેલ કરવાનો અને સેક્સટોર્શનનો પ્રયાસ કરવાનો આરોપ છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરિણીત છે અને તેને એક પુત્રી પણ છે. આ મામલે કણભા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો (POCSO) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મિત્રતાથી શરૂ થયેલો સંપર્ક બ્લેકમેલ સુધી પહોંચ્યો
પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્યની રહેવાસી અને વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સગીરા ફેબ્રુઆરી 2026માં એક ચેટિંગ એપ મારફતે આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતાને ‘સોનુ’ નામનો હિંદુ યુવક તરીકે ઓળખાવ્યો હતો. વિશ્વાસ જીત્યા બાદ તેણે વાતચીત વોટ્સએપ પર ખસેડી હતી.
ત્યારબાદ કેટલાક મહિનાઓ સુધી આરોપીએ સગીરા પર વારંવાર ન્યૂડ વિડીયો કૉલ કરવા, એકાંતમાં મળવા અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જ્યારે સગીરાએ તેનો ઇનકાર કર્યો ત્યારે તેણે તેના ખાનગી ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની, સમાજમાં બદનામ કરવાની અને એટલું જ નહીં, આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં તેનું નામ લખી જવાની પણ ધમકી આપી હતી. સતત ધમકીઓના કારણે સગીરા ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી.
Gmail અને Instagramના પાસવર્ડ મેળવી રાખતો હતો નજર
તપાસમાં સામે આવ્યું કે આરોપીએ સગીરાનો વિશ્વાસ જીતી તેના Gmail અને Instagram એકાઉન્ટના પાસવર્ડ પણ મેળવી લીધા હતા. ત્યારબાદ તે તેના ઓનલાઈન એક્ટિવિટી પર સતત નજર રાખતો હતો. પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આરોપીએ સગીરાનો મોબાઇલ નંબર અન્ય લોકોને પણ આપ્યો હતો કે નહીં.
‘સોનુ’ નહીં, પરંતુ બિટ્ટુ ખાન હોવાનું ખુલ્યું
આ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે આરોપીના એક પરિચિત મારફતે સગીરાને ખબર પડી કે ‘સોનુ’ તરીકે ઓળખાતો યુવક વાસ્તવમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો બિટ્ટુ ખાન છે. સગીરાએ આ અંગે આરોપીને પૂછતાં તેણે પોતાની સાચી ઓળખ સ્વીકારી હતી. તેણે પોતે પરિણીત હોવાની કબૂલાત પણ કરી હતી, જોકે સાથે એવો દાવો કર્યો હતો કે તે પત્નીથી તલાક લેવાની પ્રક્રિયામાં છે.
સતત બ્લેકમેલ અને માનસિક ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ માતાએ કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગ્વાલિયરમાંથી ધરપકડ, અન્ય યુવતીઓ સાથેના સંપર્કની પણ તપાસ
ફરિયાદના આધારે DySP નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કણભા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને અસલાલી ડિવિઝનની ટીમે સાયબર અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ આરોપીને ગ્વાલિયરના ગુડા ગડેવાલા મોહલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની માહિતી મળી છે. બિટ્ટુ ખાન Achat નામની એપ પર અન્ય ચાર યુવતીઓના પણ સંપર્કમાં હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું તેમની સાથે પણ આવી જ રીતે ખોટી ઓળખ આપીને મિત્રતા કેળવી બ્લેકમેલ અથવા સેક્સટોર્શનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ BNS, પોક્સો એક્ટ અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

