હવે સોનમ વાંગચુકે ત્રણ શરતો મૂકી, એક પણ પૂરી થાય તો ભૂખ હડતાળ સમાપ્ત કરશે! CJPની માર્ચને લઈને દિલ્હી પોલીસ એલર્ટ

દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુકને પોલીસે ઉઠાવી લઈ જઈને હોસ્પિટલ દાખલ કર્યા બાદ હવે તેમણે કહ્યું છે કે જો કોઈ નેતા તેમને મળીને સંસદમાં NEET અને વિદ્યાર્થીઓના શિક્ષણનો મુદ્દો ઉઠાવે તો પોતે ભૂખ હડતાળનો અંત આણશે.

વાંગચુકે હોસ્પિટલમાંથી એક ચિઠ્ઠી લખીને ત્રણ શરતો લખી છે. જેમાં આ બાબતો જણાવવામાં આવી.

સોનમ વાંગચુકે કહ્યું કે તેઓ 20મી જુલાઈએ પોતાનો ઉપવાસ તોડી દેશે જો સરકાર એજ્યુકેશન સિસ્ટમમાં તાજેતરમાં જોવા મળેલી નિષ્ફળતાઓ અને પેપર લીક વગેરેની જવાબદારી લે. અથવા તેઓ પોતે અને CJPના અન્ય માણસો સંસદ સુધી પહોંચે અને ત્યાં વિવિધ પાર્ટીના નેતાઓ અને સાંસદો તેમને બાંહેધરી આપે કે તેઓ શિક્ષણના મુદ્દાને સંસદમાં ઉઠાવશે.

ત્રીજી શરતમાં કહ્યું કે જો વાંગચુકના સ્વાસ્થ્યને કારણે તેઓ સંસદ માર્ચ ન કરી શકે તો વિવિધ પાર્ટીના સાંસદો અને નેતાઓ તેમને હોસ્પિટલમાં આવીને મળે અને ઉપર કહ્યા મુજબની બાંહેધરી આપે તો પોતે ઉપવાસ તોડી દેશે.

સંસદ હાઇસિક્યુરિટી ઝોન, અહીં કોઈ માર્ચને પરવાનગી નથી, નિયમોનું ઉલ્લંઘન કર્યું તો કાર્યવાહી થશે: પોલીસ

બીજી તરફ દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોકરોચ જનતા પાર્ટી તરફથી 20 જુલાઈની સંસદ માર્ચ માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને પરવાનગી આપી પણ શકાય એમ નથી, કારણ કે સત્ર ચાલુ હોય ત્યારે સંસદની આસપાસનો વિસ્તાર સંવેદનશીલ જાહેર કરાય છે અને ત્યાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર નિયંત્રણ મૂકી દેવામાં આવે છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (અગાઉની સીઆરપીસી 144) લાગુ રહે છે. જેના કારણે માર્ચ, વિરોધપ્રદર્શનો કે વધારે લોકોનો મેળાવડો થઈ શકે નહીં. જંતર-મંતર પર પરવાનગી સાથે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી અપાય છે.

પોલીસે જણાવ્યું કે 20 જુલાઈથી સંસદનું સત્ર શરૂ થતું હોવાના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ આદેશોનું ઉલ્લંઘન કરશે તેઓ BNS 223 અને અન્ય કાયદાની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહીને પાત્ર હશે. દિલ્હી પોલીસ તમામ નાગરિકોને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અને કોઈ પણ ગેરકાયદેસર માર્ચમાં ભાગ ન લેવા માટે અપીલ કરે છે.

પોલીસે જંતર-મંતર પર, જ્યાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યાં કડક સુરક્ષા ગોઠવી દીધી છે. લગભગ પાંચ હજાર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જેથી સ્પષ્ટ છે કે સ્થળ પરથી જ કોઈને માર્ચ માટે આગળ વધવા દેવામાં નહીં આવે. જો કોઈએ બળપ્રયોગ કરવાના પ્રયાસ કર્યા તો પોલીસ અટકાયત કરશે.