
રામ મંદિર દાન ચોરી કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવારે (20 જુલાઈ) સુનાવણી હાથ ધરી. દરમ્યાન કોર્ટે કહ્યું કે મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં ન આવે અને કોર્ટ માત્ર એ જોઈ રહી છે કે મામલાની યોગ્ય તપાસ થાય.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.
દરમ્યાન CJIએ કહ્યું, “માત્ર એ ધ્યાન રહે કે મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં ન આવે. કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી. આ એક માત્ર ગુનાનો કેસ છે. અમારું કામ માત્ર યોગ્ય રીતે તપાસ થાય એ સુનિશ્ચિત કરવાનું છે.”
અગાઉના આદેશ મુજબ કોર્ટમાં અત્યાર સુધીની સ્થિતિ જણાવતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે કોર્ટને જણાવવામાં આવ્યું કે મામલાનું સત્ય જાણવા માટે એક SITની રચના કરવામાં આવી હતી અને SITને ગુનો બન્યો હોવાનું જણાતાં FIR દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ હાલ ચાલી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે.
Supreme Court hears the case of probe into Ayodhya Ram Mandir funds embezzlement case
— Bar and Bench (@barandbench) July 20, 2026
SG Mehta: We have filed a status report
CJI: Who is investigating now?
SG: SIT was constituted to find out the truthfulness. Now it is being probed by the police. SIT just found that there… pic.twitter.com/MsCLodouZa
કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે શું તપાસ માટે પણ SIT બનાવવાની જરૂર છે કે કેમ. કોર્ટે કહ્યું, “SITનાં પાસાંથી પણ જુઓ. SITમાં વરિષ્ઠ સભ્યો છે. જો તપાસ માટે પણ જરૂર હોય તો SIT બનાવી શકાય.” જેના જવાબમાં સરકાર તરફથી હકારાત્મક જવાબ અપાયો હતો.
સુપ્રીમ કોર્ટે મામલાની આગામી સુનાવણી 27 જુલાઈએ મુકરર કરી છે.
દરમ્યાન એક અરજદાર તરફથી કહેવામાં આવ્યું કે મંદિર નિર્માણ દરમ્યાન જે દાન આપવામાં આવ્યું હતું તેની રિસીપ્ટ સાચવવામાં આવે અને અપલોડ કરવામાં આવે. જેના જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે તમામ રેકર્ડ સાચવવામાં આવી રહ્યા છે. કોર્ટે કહ્યું કે તેઓ આ મુદ્દા પર પણ સુનાવણી કરશે. હવે આગલી સુનાવણી 27મીએ થશે.

