નરેન્દ્ર મોદી 2014માં સત્તામાં આવ્યા પછી એક વિશેષ ટોળકીને આમ તો વાતે-વાતે તકલીફ પડતી રહે છે, એમાંની એક એ છે કે મોદી પ્રેસ કૉન્ફરન્સ કરતા નથી. મોદીને ટાર્ગેટ કરતી વખતે તેમની મજાક ઉડાવવા માટે કાયમ આ મુદ્દો વચ્ચે લઈ અવાય છે. હમણાં નોર્વેમાં એક એજન્ડાબાજ મહિલા પત્રકારે જોઇન્ટ પ્રેસ બ્રીફિંગમાં (બ્રીફિંગ, પ્રેસ કૉન્ફરન્સ નહીં.) મોદીને આ જ મુદ્દે ટાર્ગેટ કર્યા એમાં પણ અમુકને મજા પડી ગઈ અને આવા રાગડા ફરી તાણવાના ચાલુ કર્યા. આ જ સંદર્ભ લઈને ગુજરાતી પત્રકાર ઉર્વીશ કોઠારીએ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના ‘ફ્રન્ટલાઈન’ મેગેઝિનમાં એક લેખ લખ્યો છે, શીર્ષક છે– ‘મોદી એન્ડ હિઝ મેનેજ્ડ્ મીડિયા.’
27 મેએ પ્રકાશિત આ લેખમાં મુખ્ય દલીલ એ છે કે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે પહેલાં તેમણે પત્રકારો સાથે સારો સંબંધ જાળવી રાખ્યો હતો પણ 2002ના ગોધરાકાંડ અને ગુજરાત રમખાણો (લેખમાં ‘કમ્યુનલ વાયોલન્સ’નો છે ઉલ્લેખ છે. ગોધરા હિંદુ હત્યાકાંડનો ઉલ્લેખ નથી. ઉર્વીશના લેખમાં સ્વાભાવિક નહીં હોય!) પછી તેમણે મીડિયાથી અંતર બનાવવાનું ચાલુ કર્યું અને એ કાયમ વધતું રહ્યું.

લેખકની મૂળ દલીલ એ છે કે મોદી વડા પ્રધાન બન્યા પછી જ પ્રેસ કૉન્ફરન્સ ન કરીને મીડિયાથી અંતર જાળવતા હોય એમ નથી પણ ગુજરાતના સીએમ બન્યા ત્યારથી તેમણે આવું ચાલુ કરી દીધું હતું અને તેના માટે અમુક કિસ્સાઓ પણ ટાંક્યા છે. ઉર્વીશે આને ‘રિઅલ ગુજરાત મોડેલ’ કહ્યું છે.
શરૂઆતમાં કોઠારી કહે છે કે ત્રણ કાર્યકાળમાંથી એક પણ વખત ખુલ્લી પ્રેસ કૉન્ફરન્સ કરીને પત્રકારોના સીધા, અનફિલ્ટર્ડ પ્રશ્નો ન લેવાનો મોદીએ એક બહુ ખરાબ રેકોર્ડ સર્જ્યો છે અને આવી ‘બિનલોકતાંત્રિક’ પ્રેક્ટિસને પણ મોદીના સમર્થકો એવું કહીને સમર્થન આપતા રહે છે કે આટલી પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા અને આટલી ટર્મથી ચૂંટણી જીતતા નેતાને પ્રેસ કૉન્ફરન્સની જરૂર નથી. ઉર્વીશ આગળ લખે છે, ‘પણ તેઓ એ ભૂલી જાય છે કે આ જ શરત અગાઉના અનેક વડા પ્રધાનોને પણ લાગુ પાડી શકાય.’
આગળ રોદણાં રડતાં કહેવામાં આવ્યું કે મોદી જ્યારે સત્તામાં ન હતા ત્યારે પત્રકારો સાથે તેમના સંબંધો સારા હતા. અહીં ઉર્વીશ પ્રશાંત દયાળને ટાંકે છે. પ્રશાંત દયાળના નામથી અજાણ હોય તો હમણાં એટલું રાખો કે ઉર્વીશને તમે ગુજરાતના રવીશકુમાર કહો તો પ્રશાંત રાજદીપ છે. પ્રશાંતે એક ઇન્ટરવ્યુમાં રવીશને એવું કહ્યાનું અહીં લખાયું છે કે 1995 આસપાસ મોદી તેમની સાથે સતત સંપર્કમાં રહેતા અને મુલાકાતો દરમ્યાન પણ સાથે રાખતા. સાચું કેટલું અને ખોટું કેટલું એ હવે મોદી અને દયાળ જાણે. પણ દયાળને ટાંકીને આગળ લખવામાં આવ્યું, ‘મોદી કારમાં સામાન્ય માણસ જેવા લાગતા પણ જેવા ભાષણ આપતા જતા કે જુઠ્ઠાણાં ચાલુ કરી દેતા અને ગંભીર આરોપો લગાવતા.’
લેખમાં ઉર્વીશ કોઠારી લખે છે કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પ્રેસ પ્રત્યે મોદીનું વલણ બદલાઈ ગયું હતું. અહીં 2002ના કમ્યુનલ વાયોલન્સનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ લેખ એ તરફ આગળ વધે કે કઈ રીતે મોદીએ સતત પ્રેસથી અંતર બનાવવા માંડ્યું અને કથિત રીતે પ્રેસ સ્વતંત્રતા પર તરાપ મારવાના પ્રયાસો કર્યા. લેખમાં અમુક કિસ્સાઓ પણ ટાંક્યા છે.
અંતે કોઠારી લખે છે કે પ્રેસ સાથે ડીલિંગ કરવામાં આ જ મોદીનું સાચું ગુજરાત મોડેલ હતું જેને 2014માં અમુકે અવગણીને મોદીને મહાન ચીતર્યા અને ત્યારબાદ એક દાયકાથી એવું ચાલતું આવે છે કે ચૂંટાયેલા વડા પ્રધાને એક પણ પ્રેસ કૉન્ફરન્સ નથી કરી.
2002 પછી શું બદલાયું?
મોદી પ્રેસ કૉન્ફરન્સ કેમ નથી કરતા તેનો જવાબ શોધવા બીજે ક્યાંય જવું પડે એમ નથી. તેનું કારણ અને ઉદાહરણ ઉર્વીશના આ લેખમાં જ છે. કોઠારીએ પોતે લખ્યું છે કે મોદી સત્તામાં આવ્યા એ પહેલાં અને પછી પણ 2002ની ઘટનાઓ સુધી મીડિયાને નજીક આવવા જ દેતા હતા. 2002 પછી તેમનું વલણ બદલાયું. હવે આ ટોળકીએ આવા લેખો ઘસવાને બદલે બેસીને વિચારવું જોઈએ કે આવી પરિસ્થિતિ કેમ આવી અને મોદીએ કેમ તેમને તગેડવાના ચાલુ કરવા પડ્યા? તેમણે એવા શું કાંડ કર્યા હતા?
પાછલાં વર્ષોનો ઇતિહાસ જાણનારા જાણે છે કે 2002ના ગોધરા હિંદુહત્યાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણો વખતે ઈકોસિસ્ટમે મોદીને હરાવી દેવા માટે, પાડી દેવા માટે, કારકિર્દી ખતમ કરી નાખવા માટે કશું જ બાકી રાખ્યું ન હતું અને મીડિયાની આ બધાં કાવતરાં-કારસ્તાનોમાં વિશેષ ભૂમિકા હતી.
અખબારોનાં પાનાં ભરીને લેખો લખાયા, ટીવી ચેનલો ત્યારે નવીનવી હતી પણ આ માધ્યમનો પણ મોદીવિરોધી કેમ્પેઈન માટે ભરપૂર ઉપયોગ થયો, આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ નેગેટિવ કવરેજનું પૂર આવ્યું અને દરેકના કેન્દ્રમાં આશય એક જ હતો– મોદીને બદનામ કરવાનો. આ આંતરરાષ્ટ્રીય પ્રેસને અહીં બેઠેલા ઇકોસિસ્ટમના પત્રકારો સામગ્રી પૂરી પાડતા હતા.
મીડિયા એક તરફ આવી હરકતો કરતું રહ્યું, ઝેરીલાં કેમ્પેઈન ચલાવતું રહ્યું, મોદી વિશે એલફેલ લખતું રહ્યું અને પછી સાથે પ્રશ્નો પણ કરતું રહ્યું કે મોદી તેમનાથી અંતર કેમ જાળવી રહ્યા છે? આ લેખમાં પણ ઉર્વીશ કોઠારીએ પ્રશાંત દયાળને ટાંકીને મોદી જાહેરમાં જુઠ્ઠાણાં ફેલાવતા હતા એમ લખ્યું. બાકીના દિવસોમાં પણ પ્રશાંત, ઉર્વીશ અને તેમના જેવા પત્રકારો મોદીને પર્સનલી ટાર્ગેટ કરતા લેખો લખતા રહે છે, વિડીયો બનાવતા રહે છે અને પછી આવા લેખો લખીને ફરિયાદ કરે છે કે મોદી તેમને ભાવ પૂછતા નથી!
સોશિયલ મીડિયા, મોદી અને પ્રેસ કૉન્ફરન્સ
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી થોડો સમય મોદીએ આવાઓ સાથે માથાકૂટ કરી જોઈ પણ પછી જાણી ગયા કે આ જમાતનો ઇરાદો પ્રશ્નો કરવાનો નહીં પણ આપણી વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાનો અને જાણીજોઈને બદનામ કરવાનો છે. એટલે તેમણે તોડ શોધી કાઢ્યો અને સોશિયલ મીડિયા પર ભાર આપવાનું શરૂ કરી દીધું. એટલે વચ્ચે કોઈની જરૂર ન પડે. સીધા લોકો સાથે કનેક્ટ થઈ શકાય. ભારતના રાજકારણમાં સોશિયલ મીડિયાનો સિરિયસ ઉપયોગ મોદીએ જ શરૂ કર્યો હતો.
આજે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી મોદી લોકો સાથે સીધા જોડાય છે. જે કહેવાનું છે એ કોઈ પણ વચેટિયાઓ વગર કહી દે છે. લોકોને નિસબત માત્ર એનાથી છે કે તેમનાં કામો થવાં જોઈએ અને મોદીને નિસબત એનાથી છે કે લોકો સુધી તેમની વાત પહોંચવી જોઈએ. એના માટે આવા એજન્ડાબાજોને તેડીને, તેમના એજન્ડાપ્રેરિત પ્રશ્નો સાથે માથાકૂટ કરીને સમય બગાડવાની જરૂર નથી એ મોદી જાણે છે. બીજા ઘણા રસ્તાઓ છે.
ઇકોસિસ્ટમને તકલીફ એ વાતની પણ છે કે હવે સરકારો પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે. પહેલાંના પત્રકારો કૉલર ઊંચા રાખીને ફરતા હતા, ન્યુઝરૂમમાંથી કેબિનેટ મંત્રીઓ નક્કી કરતા હતા કારણ કે અન્ય માધ્યમો ન હતાં. સરકારો ઘણીખરી મીડિયા સામે લાચાર હતી. આજે સમય એવો નથી. મીડિયા પણ એ જાણી ગયું છે. મીડિયાને હવે મોદીની શક્તિની ખબર છે. હવે જનમત મોદીતરફી છે. એટલે જેઓ બે દાયકા પહેલાં મોદીવિરોધી હતા એ પણ હવે સેન્ટર લાઈન પકડવા માંડ્યા છે. જેમના મગજમાં હજુ 2002 જ રમે છે તેઓ લેખો લખીને રોદણાં રડતા રહે છે, પણ હૂ કેર્સ?


