
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને ‘ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન’એ (DGMA) એડવાઇઝરી જારી કરીને શિપિંગ કંપનીઓ, માલિકો અને સ્ટાફિંગ એજન્સીઓને કહ્યું છે કે તેઓ હાલ પૂરતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા વેપારી જહાજો પર ભારતીય નાવિકોની નિમણૂક કરવાનું ટાળે.
નોંધનીય છે કે તાજેતરમાં ખાડી દેશોમાં સુરક્ષાની સ્થિતિ સતત બગડી રહી છે અને અમેરિકા-ઈરાન યુદ્ધની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં ઘણાં કમર્શિયલ જહાજો પર હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં જ ઇરાને UAEનાં બે જહાજો પર હુમલા કર્યા હતા જેમાં એક ભારતીયનું મોત થયું હતું અને 6 ભારતીયો ઘાયલ થયા હતા.
હાલમાં DGMAએ 2026ના પરિપત્ર ક્રમાંક 36 હેઠળ તમામ શિપ મેનેજર્સ અને રેકરૂટમેન્ટ (RPSL) કંપનીઓ માટે આગામી આદેશ ન થાય ત્યાં સુધી ભારતીય નાવિકોની નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય નાવિકોના જીવનું રક્ષણ કરવાનો અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
પ્રતિબંધ ઉપરાંત, જે જહાજો પર્સિયન ગલ્ફ અને તેની આસપાસના વિસ્તારોમાં પહેલેથી હાજર છે તેમના માટે વિશેષ સાવચેતીનાં પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. શિપિંગ કંપનીઓને નેવિગેશનલ ચેતવણીઓ પર સતત નજર રાખવા અને ‘ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી’ (ISPS) કોડનું ચુસ્તપણે પાલન કરવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં સહાય મેળવવા માટે તાત્કાલિક ભારતીય સંચાર કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે.

