
મ્યાનમારના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડીમાં રોહિંગ્યાઓને લઈ જતી બે બોટ પલટી જતાં લગભગ 500થી વધુ લોકોનાં મોત થયાં હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ તમામ મ્યાનમારથી બાંગ્લાદેશ જઈ રહ્યા હતા. બંને બોટ રોહિંગ્યાઓને લઈને જૂન મહિનાના અંતમાં મ્યાનમારથી નીકળી હતી. એક બોટમાં 250 લોકો સવાર હતા, જેનો સંપર્ક નીકળ્યાના થોડા જ દિવસોમાં કપાઈ ગયો હતો. બીજી એક બોટ, જેમાં લગભગ 280 પેસેન્જર હતા, તે પણ 8 જુલાઈના રોજ ડૂબી ગઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની આશંકા મુજબ બંને બોટના તમામ મુસાફરો મૃત્યુ પામ્યા હોય શકે, જેમાંથી મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો હતા.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) અને યુએન હાઇ કમિશનર ફોર રેફ્યુજીસએ (UNHCR) આ ઘટના વિશે જાણકારી આપી છે. જોકે સત્તાવાર મૃતકોનો આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
છેલ્લાં થોડાં વર્ષોમાં મ્યાનમારથી હજારોની સંખ્યામાં રોહિંગ્યા દેશ છોડી ગયા છે, જે બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પમાં અને અમુક ત્યાંથી સરહદ પાર કરીને ભારતમાં પણ ઘૂસી જાય છે. બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પમાં મ્યાનમારના લગભગ 12 લાખથી વધુ રોહિંગ્યાઓ હોવાનું કહેવાય છે. આ જ કૅમ્પમાંથી પછીથી ભારતમાં પણ ઘૂસણખોરી થાય છે.
UNHCRના સત્તાવાર ડેટા અનુસાર, વર્ષ 2025 દરમિયાન 6,500થી વધુ રોહિંગ્યાઓએ આવા ખતરનાક દરિયાઈ માર્ગો સ્થળાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે વર્ષે આશરે 900 જેટલા લોકો કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા દરિયામાં ગાયબ થઈ ગયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, હાલમાં આ રૂટ વિશ્વના અન્ય શરણાર્થી અને સ્થળાંતર કરનારા દરિયાઈ માર્ગોની સરખામણીએ સૌથી વધુ મૃત્યુદર ધરાવે છે.
જોકે અહેવાલો એમ પણ જણાવે છે કે સામાન્ય રીતે ચોમાસામાં રોહિંગ્યાઓ દરિયાઈ માર્ગે સ્થળાંતર કરતા નથી, કારણ કે હવામાન માફક હોતું નથી. ભારે વરસાદ અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણે સ્થિતિ વધુ પડકારજનક બને છે.

