POKમાં પ્રદર્શનો યથાવત, પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 6નાં મોત: પ્રદર્શનોમાં આતંકવાદીઓને ઘૂસાડાય તેવી આશંકા

PoKમાં તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ નાગરિકો પર કરેલા અત્યાચારને કારણે ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે. રાવલાકકોટ અને સુધનૌતી (બલોચ) સેક્ટરમાં સુરક્ષા દળોએ કરેલા બેફામ ગોળીબારમાં 6 જેટલા સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે, જેને કારણે આખા વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

આ ગોળીબારમાં પ્રદર્શનકારીઓએ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મૃતદેહો સાથે પ્રદર્શન કર્યું હતું, જેના જવાબમાં વહીવટીતંત્રે તમામ હાઇવે બંધ કરી આખા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલી ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’એ (JAAC) મુઝફ્ફરાબાદ તરફ કૂચનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે પોતાના અધિકારો માટે અવાજ ઊઠવતા આ સંગઠન પર પાક સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. JAACના નેતા જાવેદ ઇકબાલે આક્રોશ ઠાલવતા કહ્યું કે, “જ્યારે અમે લોટ, પાણી અને વીજળી માંગીએ છીએ ત્યારે અમને ગોળીઓ મળે છે.”

અહેવાલ અનુસાર રાવલકોટના ઇદગાહ મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સફેદ ઝંડા સાથે સૈન્ય અત્યાચાર વિરુદ્ધ એકઠા થયા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા, જેમાં ‘યે જો દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ’ના નારા લગાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે PoKના લોકો લાંબા સમયથી ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2025ના એક અહેવાલ મુજબ, આ વિસ્તારની 66% વસ્તી ખેતી પર નિર્ભર હોવા છતાં 57%થી વધુ પરિવારો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે અને અહીં બાળકોમાં કુપોષણનું પ્રમાણ પાકિસ્તાનની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું વધારે છે.

શાંતિપૂર્ણ પ્રદર્શનમાં આતંકવાદીઓ ઘૂસાડવાનું પાકિસ્તાની સેનાનું ષડયંત્ર

અમુક મીડિયા અહેવાલોમાં ઇન્ટેલ ઇનપુટને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેના પ્રદર્શનોને કચડી નાખવા માટે એક મોટું ષડયંત્ર રચી રહી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સેના JAACની શાંતિપૂર્ણ કૂચમાં ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) અને ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) જેવાં સંગઠનોના આતંકીઓને છૂપી રીતે ઘૂસાડી શકે છે. એવું પણ કહેવાયું છે કે આ ષડયંત્ર પાછળ સેનાનો મુખ્ય હેતુ પ્રદર્શનો દરમિયાન હિંસા ભડકાવવાનો છે. જેથી આ શાંતિપૂર્ણ આંદોલનને ‘આતંકવાદી પ્રવૃત્તિ’ તરીકે દર્શાવી શકાય અને નાગરિકો પર ભારે લશ્કરી બળપ્રયોગ કરવાનું બહાનું મળી શકે.

આ ઉપરાંત, પાકિસ્તાની સેના આતંકવાદી નેટવર્કનો ઉપયોગ કરીને JAACના મુખ્ય આયોજકો અને સક્રિય કાર્યકરોને નિશાન બનાવવાની અને તેમની હત્યા કરવાની પણ યોજના બનાવી રહી છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે પ્રોક્સી આતંકી ગ્રુપોનો ઉપયોગ કરીને સેના પોતાના પર આવનારી આંતરરાષ્ટ્રીય બદનામીથી બચી જશે અને સમગ્ર મામલાને આતંકી જૂથોની અંદરોઅંદરની દુશ્મનીમાં ખપાવી દેશે, જેના બહાને સમગ્ર PoK વિસ્તારમાં વધુ સૈન્ય મોકલીને કાયમી લશ્કરી શાસન લાદી શકાશે.