હોમપેજગુજરાત'મૃતકોનું હિંદુ હોવું સંયોગમાત્ર ન હતો': બે હજાર પાનાંના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે...

‘મૃતકોનું હિંદુ હોવું સંયોગમાત્ર ન હતો’: બે હજાર પાનાંના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું– હિંદુઓને ટાર્ગેટ કરવા માટે કરાયા હતા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ

2223 પાનાંના આ ચુકાદામાં હાઇકોર્ટે વિગતવાર સમગ્ર ઘટનાની, તેમાં ગુનેગારોની ભૂમિકાની, ષડ્યંત્ર રચવા પાછળની વિગતોની, પોલીસ તપાસની અને ફાંસીની સજા કેમ યથાવત રાખવામાં આવી તેની ચર્ચા કરી છે.

- Advertisement -

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ગુનેગારોને ટ્રાયલ કોર્ટે આપેલી સજા યથાવત રાખતાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે આ ઘટનાઓમાં મૃતકો તમામ હિંદુ હતા એ સંયોગમાત્ર ન ગણી શકાય અને આખું ષડ્યંત્ર જ હિંદુઓને ટાર્ગેટ કરવા માટે રચવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2022માં અમદાવાદની ટ્રાયલ કોર્ટે 49 આરોપીઓને દોષી ઠેરવીને 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ ફાંસીની સજા પર મંજૂરી મેળવવા માટે સરકાર હાઇકોર્ટ ગઈ હતી. બીજી તરફ ગુનેગારોએ પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ચાર વર્ષ કેસ ચાલ્યા બાદ 7 જુલાઈ, 2026ના દિવસે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપીને ટ્રાયલ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. હવે આ ચુકાદાની નકલ સાર્વજનિક કરવામાં આવી છે.

2223 પાનાંના આ ચુકાદામાં હાઇકોર્ટે વિગતવાર સમગ્ર ઘટનાની, તેમાં ગુનેગારોની ભૂમિકાની, ષડ્યંત્ર રચવા પાછળની વિગતોની, પોલીસ તપાસની અને ફાંસીની સજા કેમ યથાવત રાખવામાં આવી તેની ચર્ચા કરી છે.

- Advertisement -

આ ષડ્યંત્ર હતું, હિંદુઓ જ હતા ટાર્ગેટ પર

હાઇકોર્ટ ચુકાદામાં સ્પષ્ટ નોધે છે કે 26 જુલાઈ, 2008ની સાંજે અમદાવાદમાં એક પછી એક જે સિરિયલ બ્લાસ્ટ થયા એ છૂટીછવાઈ કે અચાનક બની ગયેલી ઘટના નહોતી. વાસ્તવમાં આ એક બહુ મોટું ષડ્યંત્ર હતું, જેને બહુ લાંબા પ્લાનિંગ પછી અંજામ અપાયો હતો. 2008 આસપાસના સમયગાળામાં દેશનાં અન્ય શહેરોમાં પણ આ જ રીતે સિરિયલ બ્લાસ્ટ થયા હતા, એટલે અમદાવાદની ઘટના પણ આવા જ એક ષડ્યંત્રનો ભાગ હતી, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશમાં દહેશત ફેલાવીને આખા દેશને બાનમાં લેવાનો હતો.

પોલીસ તપાસમાં એ સાબિત થયું હતું કે આ મુસ્લિમ આતંકવાદીઓએ ગોધરા હિંદુહત્યાકાંડ પછી ગુજરાતભરમાં થયેલાં રમખાણોનો અને બાબરી ધ્વંસની ઘટનાનો બદલો લેવા માટે સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા. તેના માટે ડિસેમ્બર 2007માં પ્રતિબંધિત ઇસ્લામી આતંકવાદી સંગઠન SIMI હેઠળ તમામ એકઠા થયા અને એક કૅમ્પ કેરળમાં અને એક પાવાગઢ નજીક જંગલોમાં એમ બે કૅમ્પ સ્થાપીને તેમાં હથિયારો, બૉમ્બ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ ટ્રેનિંગ કૅમ્પમાં ‘જેહાદ’ની વાતો થતી હતી. આતંકવાદીઓ ઉશ્કેરણીજનક ભાષણો કરતા અને માત્ર બદલો લેવાની નહીં પણ ભારતમાં ‘ઇસ્લામી શાસન’ સ્થાપવાની વાતો થતી અને તેના માટે તેમણે એકસાથે અનેક લોકોને મારવાનો (આતંકવાદ) રસ્તો પકડ્યો હતો.

કોર્ટના ચુકાદામાં નોંધ કરવામાં આવી છે કે પાવાગઢનાં જંગલોમાં સ્થાપવામાં આવેલા ટેરર કૅમ્પમાં ઇસ્લામી શાસન સ્થાપવા માટેની તકરીર આપવામાં આવતી અને તેના માટે ‘જેહાદ’નો મકસદ પાર પાડવા માટે એકસાથે હિંદુ સમુદાયને ટાર્ગેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના માટે જુદાં-જુદાં રાજ્યોમાંથી આતંકવાદીઓ એકઠા થયા હતા, લાંબું પ્લાનિંગ કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદ, સુરત અને બરોડામાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવાયો હતો.

કોર્ટે કહ્યું કે આ બ્લાસ્ટના કારણે 56 નિર્દોષ માણસોના જીવ ગયા હતા અને 240 નાગરિકોને ગંભીર ઈજાઓ થઈ, જેઓ જીવનભર આ પીડા ભૂલી નહીં શકે. કેટલીય સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું અને શહેર અને રાજ્યમાં અઠવાડિયાં સુધી અવ્યવસ્થા સર્જાયેલી રહી. લોકોને ધાર્મિક કારણોસર પીડા ભોગવવા મજબૂર કરવામાં આવ્યા.

કોર્ટ આ નોંધ કરીને લખે છે, “અત્યંત સંયમપૂર્વક પરંતુ આ કોર્ટ માટે એ નોંધ કરવી આવશ્યક છે કે મૃતકોનું હિંદુ હોવું એ સંયોગમાત્ર ન હતો.”

જાણીજોઈને હિંદુ વિસ્તારોમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા બૉમ્બ

હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું છે કે એકસાથે એક શ્રેણીમાં બૉમ્બ ધડાકા થાય એ જ ષડ્યંત્રનો સૌથી મોટો પુરાવો છે. બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવેલી સાયકલો શહેરમાં ગમે-ત્યાં નહતી મૂકી દેવામાં આવી, પણ અમદાવાદ અને સુરત (સુરતમાં મોટાભાગના બૉમ્બ ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ નહતા થયા) બંને શહેરોમાં પહેલેથી નક્કી કરવામાં આવેલાં સ્થળો પર બૉમ્બ મૂકાયા હતા. આના માટે ક્રાઈટેરિયા પણ પહેલેથી નક્કી હતા– હિંદુ વિસ્તારો.

બૉમ્બ એવા વિસ્તારમાં જ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા જે હિંદુ કે બિન-મુસ્લિમ વિસ્તારો હોય અને મુસ્લિમ વિસ્તારો તો ન જ હોય. બંને શહેરોમાં ધર્મના આધારે વિસ્તારોની પસંદગી કરવામાં આવી હતી.

જોકે સુનાવણી દરમ્યાન ગુનેગારોના વકીલો તરફથી એક દલીલ એવી આપવામાં આવી હતી કે અમદાવાદમાં એક AMTS બસમાં બ્લાસ્ટ થયો એ મુસ્લિમ બહુલ વિસ્તાર જુહાપુરામાં થયો હતો. પરંતુ પ્રોસિક્યુશનની દલીલ અને તપાસના આધારે કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે આ બ્લાસ્ટ ટાઈમિંગની ખામીના કારણે જુહાપુરામાં થયો હતો, બાકી તેને પ્લાન્ટ એ સ્થળ માટે કરવામાં આવ્યો હતો, જ્યાંથી બસ ઉપડે છે અને આ વિસ્તાર હિંદુ બહુલ વિસ્તાર હતો.

કોર્ટે કહ્યું કે આતંકવાદીઓની મીટિંગોમાં એક શબ્દ વારંવાર આવતો હતો– જિહાદ. આ શબ્દનો અર્થ આતંકવાદીઓ જે સંદર્ભમાં તેનો ઉપયોગ કરતા હતા એ જ સંદર્ભમાં સમજવો પડે. એટલે અહીં તેનો અર્થ થાય કે સમાજના એક વર્ગમાં (અહીં હિંદુઓ) આતંક ફેલાવવા માટેની અને જાનમાલને મોટાપાયે નુકસાન પહોંચાડવા માટેની પ્રવૃત્તિ. આ દર્શાવે છે કે આતંકવાદીઓ એક સમાન ઇરાદો પાર પાડવા માટે એકઠા થયા હતા.

આતંકવાદીઓની વાતચીતમાં, સાક્ષીઓ સાથેની વાતચીતમાં પણ વારંવાર એ બાબતનો ઉલ્લેખ આવતો હતો કે તેઓ હિંદુ વિસ્તારોમાં જ બ્લાસ્ટ કરવા માગતા હતા અને એકમાત્ર ઉદ્દેશ્ય હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો.

ચર્ચાઓને અંતે કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, “તમામ તથ્યો અને રેકર્ડ પર ઉપલબ્ધ સાક્ષ્યો પરથી એ સ્પષ્ટ થાય છે કે આતંકવાદી હુમલાઓમાં ટાર્ગેટ હિંદુ સમુદાય હતો. પ્રત્યક્ષદર્શીઓ અને ષડ્યંત્ર સાથે સંકળાયેલા સાક્ષીઓની જુબાનીના આધારે પ્રોસિક્યુશન એ સાબિત કરવામાં સફળ રહ્યું છે કે આતંકવાદી હુમલાઓમાં મુખ્યત્વે હિંદુઓને/બિનમુસ્લિમોના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રકારના હુમલાઓ ન માત્ર આતંકવાદની શ્રેણીમાં આવે છે પરંતુ બંધારણમાં જે વ્યવસ્થાપૂર્ણ અને શાંતિપૂર્ણ સમાજની પરિકલ્પના કરવામાં આવી છે તેનાં મૂળ પર પણ પ્રહાર કરે છે.”

ફાંસીની સજા યથાવત, કોર્ટે કહ્યું– આ રેરેસ્ટ ઑફ ધ રેર કેસ

ભારતમાં ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસમાં જ મૃત્યુદંડ આપવામાં આવે છે. બીજું, ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા આપ્યા બાદ તેની ઉપર હાઇકોર્ટની મહોર લાગવી ફરજિયાત છે.

આ કેસમાં હાઇકોર્ટે કહ્યું કે વર્તમાન કેસ ચોક્કસપણે ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસ ગણી શકાય તેમ છે અને ટ્રાયલ કોર્ટે ગુનેગારોને ફાંસીની સજા ફટકારતી વખતે તેનાં પૂરતાં કારણો અને તર્કો પણ રજૂ કર્યાં હતાં.

ટ્રાયલ કોર્ટે ગુનેગારોને સજા આપતી વખતે એ પાસાં પર પણ વિચાર કર્યો હતો કે તેમનામાં સુધારાની સંભાવના છે કે કેમ. પણ પર્યાપ્ત કારણોને આધારે એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે ગુનેગારોમાં સુધારાની કોઈ સંભાવના નથી અને ટ્રાયલ કોર્ટના આ નિષ્કર્ષને રેકર્ડ પર ઉપલબ્ધ કોઈ પણ સાક્ષ્ય કે દલીલના આધારે પડકારી શકાય તેમ નથી.

કોર્ટે ગુનેગારોની અરજીઓ ફગાવીને 38ની ફાંસીની સજા અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. જોકે વકીલોની વિનંતીના આધારે કોર્ટે ત્રણ મહિના સુધી સજા પર રોક લગાવી દીધી છે, જેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે. હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.

બીજી તરફ કોર્ટે મૃતકોના પરિજનોને ₹10 લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને ₹5 લાખ અને સામાન્ય ઇજાઓ માટે ₹1 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે, જેના માટે 31 માર્ચ, 2027ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં