હોમપેજએક્સપ્લેઇનર'અહીં બિનહિંદુઓનો પ્રવેશ નિષેધ છે': શ્રીજગન્નાથ મંદિરમાં માત્ર હિંદુઓને જ કેમ મળે...

‘અહીં બિનહિંદુઓનો પ્રવેશ નિષેધ છે’: શ્રીજગન્નાથ મંદિરમાં માત્ર હિંદુઓને જ કેમ મળે છે પ્રવેશ? જાણો સદીઓ જૂના આ નિયમ પાછળનો ઇતિહાસ અને પરંપરા

પુરીનું શ્રીમંદિર માત્ર એક ઐતિહાસિક ઇમારત નથી કે જ્યાં લોકો સ્થાપત્ય જોવા જાય. સનાતન પરંપરામાં તેને એક જીવંત દેવાલય માનવામાં આવે છે. અહીં ભગવાન શ્રીજગન્નાથ, બળભદ્ર અને માતા સુભદ્રાની માત્ર પૂજા જ થતી નથી, પરંતુ તેમને જીવંત સ્વરૂપ માનીને દિવસ-રાતની સંપૂર્ણ દિનચર્યા અનુસાર સેવા કરવામાં આવે છે.

- Advertisement -

ભારતમાં એવાં હજારો મંદિરો છે જ્યાં કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા જઈ શકે છે. પરંતુ કેટલાંક મંદિરો એવાં પણ છે જ્યાં પ્રવેશ માટે સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓ અને આગમશાસ્ત્રીય નિયમોનું પાલન કરવામાં આવે છે. પુરીનું શ્રીજગન્નાથ મંદિર એમાં સૌથી વધુ ચર્ચાતું નામ છે. દર વર્ષે કરોડો ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે, પરંતુ મંદિરના સિંહદ્વાર પર એક નિયમ આજે પણ અડગ ઊભો છે કે માત્ર હિંદુઓને જ શ્રીમંદિરની અંદર પ્રવેશ મળે છે. વર્ષોથી આ નિયમને લઈને ચર્ચાઓ થતી રહી છે. કેટલાક લોકો તેને માત્ર પ્રવેશનો નિયમ માને છે, જ્યારે શ્રીમંદિરની પરંપરાને જાણનારા લોકો માટે આ મંદિરના અસ્તિત્વ, તેની સેવા-પરંપરા અને ધાર્મિક સ્વરૂપ સાથે સીધો જોડાયેલો વિષય છે.

પ્રશ્ન એ નથી કે શ્રીજગન્નાથ મંદિરમાં કોણ પ્રવેશી શકે છે અને કોણ નહીં. મૂળ પ્રશ્ન એ છે કે આ નિયમનું અસ્તિત્વ કેમ છે? શું મંદિરની સ્થાપનાના સમયથી જ આવી વ્યવસ્થા હતી? કે પછી ઇતિહાસના કોઈ તબક્કે આ નિયમો વધુ કડક બન્યા? શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ઐતિહાસિક કારણ પણ છે? અને સૌથી મહત્વની વાત, જ્યારે ભારતના અનેક મંદિરોમાં અલગ-અલગ પ્રકારના નિયમો જોવા મળે છે ત્યારે શ્રીજગન્નાથ મંદિર આજે પણ આ પરંપરાને એટલી જ કડકાઈથી કેમ જાળવી રાખે છે? આ બધા પ્રશ્નોના જવાબ એક જ ઘટનામાં નથી મળતા. તેના માટે શ્રીમંદિરના લગભગ નવસો વર્ષના ઇતિહાસ, તેની આગમ પરંપરા, ઇસ્લામી આક્રમણોના કપરા સમય અને સદીઓથી અવિરત ચાલતી સેવાપદ્ધતિને સમજવી જરૂરી બને છે.

શું આ નિયમ શરૂઆતથી જ હતો?

શ્રીજગન્નાથ મંદિરને સમજવા માટે સૌથી પહેલાં એક મૂળભૂત બાબત સમજવી જરૂરી છે. પુરીનું શ્રીમંદિર માત્ર એક ઐતિહાસિક ઇમારત નથી કે જ્યાં લોકો સ્થાપત્ય જોવા જાય. સનાતન પરંપરામાં તેને એક જીવંત દેવાલય માનવામાં આવે છે. અહીં ભગવાન શ્રીજગન્નાથ, બળભદ્ર અને માતા સુભદ્રાની માત્ર પૂજા જ થતી નથી, પરંતુ તેમને જીવંત સ્વરૂપ માનીને દિવસ-રાતની સંપૂર્ણ દિનચર્યા અનુસાર સેવા કરવામાં આવે છે. સવારના મંગળ આરતીથી લઈને રાત્રિના પહુડા સુધી દરેક સેવા આગમશાસ્ત્ર અને સદીઓથી ચાલતી પરંપરા મુજબ જ થાય છે. કોણ ભગવાનને સ્પર્શ કરી શકે, કોણ ભોગ તૈયાર કરશે, કોણ ગર્ભગૃહમાં પ્રવેશશે, કોણ કઈ સેવા કરશે, આ દરેક બાબત માટે સ્પષ્ટ નિયમો છે.

- Advertisement -

એટલા માટે શ્રીમંદિરમાં પ્રવેશનો પ્રશ્ન માત્ર દર્શનનો નથી. તે સમગ્ર સેવાપદ્ધતિનો એક અભિન્ન ભાગ છે. શ્રીજગન્નાથ મંદિરની સેવા 36 નિયોગ હેઠળ ચાલે છે, જેમાં વિવિધ સેવકોની જવાબદારીઓ સદીઓથી નિશ્ચિત કરવામાં આવી છે. દૈતા સેવકો હોય, પુજાપાંડા હોય, સુઆર મહાસુઆર હોય કે અન્ય સેવક વર્ગો, દરેકની પોતાની ધાર્મિક જવાબદારી છે. આ વ્યવસ્થા માત્ર વહીવટી નથી, પરંતુ ધાર્મિક છે. તેથી જ મંદિરની અંદરની પવિત્રતા અને સેવાક્રમને જાળવી રાખવા માટે પરંપરાગત નિયમોનું પાલન કરવામાં આવે છે.

આજના સમયમાં ઘણીવાર શ્રીમંદિરની તુલના પ્રવાસન સ્થળો સાથે કરવામાં આવે છે, પરંતુ મંદિરની દૃષ્ટિએ આ સરખામણી યોગ્ય માનવામાં આવતી નથી. કોઈ કિલ્લો, મહેલ કે ઐતિહાસિક સ્મારક સૌ માટે ખુલ્લો હોય શકે, પરંતુ જીવંત દેવાલયના નિયમો તેના પોતાના ધાર્મિક સ્વરૂપ અનુસાર નક્કી થાય છે. શ્રીજગન્નાથ મંદિર પણ પોતાને એ જ દૃષ્ટિએ જુએ છે. એટલે જ અહીં પ્રવેશનો અધિકાર પણ મંદિરની પરંપરા અનુસાર નક્કી થાય છે, બહારના માપદંડો અનુસાર નહીં.

ઇસ્લામી આક્રમણો પછી કેમ વધુ મહત્વનો બન્યો શ્રીમંદિરની પરંપરાના રક્ષણનો પ્રશ્ન?

જો શ્રીજગન્નાથ મંદિરનો ઇતિહાસ માત્ર શાંતિના સમયગાળામાં પસાર થયો હોત તો કદાચ આજે તેની ઘણી પરંપરાઓ અલગ હોત. પરંતુ શ્રીમંદિરનું ભાગ્ય એવું નહોતું. બારમી સદી પછી પૂર્વ ભારત પર એક પછી એક ઇસ્લામી આક્રમણો શરૂ થયા અને શ્રીજગન્નાથ ધામ વારંવાર આક્રાંતાઓનું નિશાન બન્યું. ઇતિહાસકારોના મત મુજબ આગામી કેટલીક શતાબ્દીઓમાં મંદિર પર અનેક વખત હુમલા થયા. ક્યારેક લૂંટ માટે, ક્યારેક મૂર્તિભંજન માટે અને ક્યારેક હિંદુ રાજસત્તાના સૌથી મોટા પ્રતીકને ખંડિત કરવા માટે. પરિણામે એક સમય એવો આવ્યો જ્યારે ભગવાન શ્રીજગન્નાથની સેવા કરતા દૈતા સેવકો માટે સૌથી મોટો પ્રશ્ન પૂજા કેવી રીતે કરવી એ નહોતો, પરંતુ ભગવાનને કેવી રીતે બચાવવા એ હતો.

આપણે અગાઉના લેખોમાં જોયું છે કે કલાપાહાડના હુમલાથી લઈને ઔરંગઝેબના સમય સુધી ભગવાનના વિગ્રહોને વારંવાર શ્રીમંદિરમાંથી બહાર લઈ જવા પડ્યા હતા. ચિલિકા સરોવર, કપિલેશ્વર, કોડાલા, ગોપાલપુર અને અનેક ગુપ્ત સ્થળોએ ભગવાનને મહિનાઓ સુધી સુરક્ષિત રાખવામાં આવ્યા. જ્યારે આટલી કઠિન પરિસ્થિતિમાં મંદિરનું અસ્તિત્વ જ જોખમમાં હોય ત્યારે તેની પરંપરાઓને વધુ સાવધાનીથી જાળવવાનો સ્વાભાવિક પ્રયત્ન શરૂ થયો. શ્રીમંદિર માત્ર પૂજાનું સ્થળ નહોતું, તે ઓડિશાની ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ઓળખનું કેન્દ્ર પણ હતું. તેથી મંદિરની પવિત્રતા, તેની સેવાપદ્ધતિ અને તેની આંતરિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો બની ગયો.

આ વાત સમજવી જરૂરી છે કે આજે જે નિયમો આપણે જોઈએ છીએ તે માત્ર એક દિવસમાં બનાવવામાં આવ્યા નહોતા. સદીઓ સુધી ચાલેલાં આક્રમણો, અસુરક્ષાની પરિસ્થિતિ અને મંદિરને બચાવવા માટે થયેલા અસંખ્ય પ્રયાસોએ શ્રીમંદિરની પરંપરાઓને વધુ સુવ્યવસ્થિત અને વધુ સંરક્ષિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. મંદિરની અંદર કોણ જઈ શકે, કોણ કઈ સેવા કરી શકે અને કોણ ગર્ભગૃહ સુધી પહોંચી શકે, તે અંગેની પરંપરાઓ પણ આ જ ઐતિહાસિક અનુભવોની પૃષ્ઠભૂમિમાં વધુ દૃઢ બની. આ કારણસર શ્રીમંદિરના નિયમોને માત્ર આજના સમયના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તેમની પાછળનો ઇતિહાસ અદૃશ્ય થઈ જાય છે.

મરાઠા સામ્રાજ્યના આગમન પછી ભલે શ્રીજગન્નાથ ધામને ફરી હિંદુ રાજાશ્રય મળ્યો હોય અને મંદિરના પુનરુત્થાનનો યુગ શરૂ થયો હોય પરંતુ સદીઓનાં આક્રમણોએ જે સ્મૃતિઓ છોડી હતી તે એટલી સહેલાઈથી ભૂંસાઈ જવાની નહોતી. પરંપરાઓ યથાવત્ રાખવામાં આવી, સેવાપદ્ધતિઓને વધુ મજબૂત બનાવવામાં આવી અને મંદિરની ધાર્મિક ઓળખને અખંડ રાખવા માટે સદીઓથી ચાલતા નિયમોને જાળવી રાખવામાં આવ્યા. એટલા માટે જ શ્રીમંદિરના પ્રવેશના નિયમોને માત્ર ‘કોણ અંદર જઈ શકે’ એટલા પ્રશ્ન સુધી મર્યાદિત કરીને જોવાથી સંપૂર્ણ ચિત્ર સામે આવતું નથી. આ નિયમો મંદિરના લાંબા સંઘર્ષ, તેના અસ્તિત્વની લડાઈ અને પરંપરાના સંરક્ષણ સાથે પણ જોડાયેલા છે અને અહીંથી જ મંદિરમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ માત્ર પ્રવેશનો નહીં, પરંતુ સેવા અને આગમ પરંપરાનો પ્રશ્ન છે

શ્રીજગન્નાથ મંદિર વિશે એક ગેરસમજ ઘણી વખત જોવા મળે છે કે અહીં પ્રવેશનો નિયમ માત્ર દર્શનાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે. વાસ્તવમાં શ્રીમંદિરની સમગ્ર વ્યવસ્થા જ નિયમો પર આધારિત છે. અહીં માત્ર ગર્ભગૃહમાં જ નહીં, પરંતુ મંદિરના દરેક વિભાગમાં કોણ પ્રવેશી શકે અને કોણ કઈ સેવા કરી શકે તેની સદીઓ જૂની વ્યવસ્થા છે.

ઉદાહરણ તરીકે, વિશ્વવિખ્યાત રસોડામાં મહાપ્રસાદ તૈયાર કરવાની સેવા દરેક વ્યક્તિ કરી શકતી નથી. તેના માટે નિશ્ચિત સેવક પરિવારો છે, જેઓ પેઢી દર પેઢી આ જવાબદારી નિભાવે છે. ભગવાનના વસ્ત્રો બદલવા, ભોગ ધરાવવા, રથયાત્રા દરમિયાન વિગ્રહોને સ્પર્શ કરવાની સેવા, અનવસર દરમિયાન ભગવાનની સેવા કે નવકલેબરના સમયમાં દારુ બ્રહ્મ સાથે જોડાયેલી વિધિઓ, આ દરેક કાર્ય માટે અલગ-અલગ અધિકૃત સેવક વર્ગ છે. એટલે શ્રીમંદિરમાં પ્રવેશનો પ્રશ્ન આખી સેવાપદ્ધતિથી અલગ કરીને જોઈ જ શકાતો નથી.

જો મંદિરની અંદર ચાલતી દરેક સેવા આગમશાસ્ત્ર અને પરંપરા અનુસાર જ થાય છે તો દર્શન માટેના નિયમોને પણ એ જ પરંપરાના ભાગ તરીકે સમજવા જોઈએ. એટલે જ શ્રીમંદિર માટે આ નિયમ કોઈ વહીવટી નિર્ણય નથી, પરંતુ સદીઓથી ચાલતી ધાર્મિક વ્યવસ્થાનો અભિન્ન હિસ્સો છે. અહીં પરંપરાને વ્યક્તિ કરતાં મોટી માનવામાં આવે છે અને નિયમોને પ્રસંગોપાત બદલવા કરતાં તેમને અવિરત જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવે છે.

જ્યારે રાષ્ટ્રપતિ માટે પણ ન બદલાયો શ્રીજગન્નાથ મંદિરનો નિયમ

શ્રીજગન્નાથ મંદિરના પ્રવેશના નિયમો અંગે વાત થાય ત્યારે ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણોનો પ્રસંગ વારંવાર ટાંકવામાં આવે છે. સુકર્ણો માત્ર પોતાના દેશના રાષ્ટ્રપતિ જ નહોતા, પરંતુ એશિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં તેમની ગણના થતી હતી. ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા અને બંને દેશો વચ્ચેની મિત્રતામાં તેમનો મહત્વનો ફાળો હતો. તેમ છતાં જ્યારે શ્રીજગન્નાથ મંદિરના દર્શનની વાત આવી ત્યારે તેમની રાજકીય ઓળખ કે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મંદિરની પરંપરાથી મોટી માનવામાં આવી નહોતી.

સુકર્ણો પુરી પહોંચ્યા ત્યારે શ્રીમંદિરના પરંપરાગત નિયમો તેમને પણ લાગુ પડ્યા. મંદિર પ્રશાસને કોઈ વિશેષ છૂટછાટ આપી નહીં. કારણ કે શ્રીમંદિર માટે નિયમ વ્યક્તિને જોઈને બદલાતા નથી. રાજા હોય, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય ભક્ત, મંદિરની દૃષ્ટિએ સૌ માટે પરંપરા એકસરખી છે. આ ઘટનાનો ઉલ્લેખ આજે પણ એ ઉદાહરણ તરીકે કરવામાં આવે છે કે શ્રીજગન્નાથ મંદિર પોતાની પરંપરાને કોઈ પણ વ્યક્તિના પદ કે પ્રભાવના આધારે બદલતું નથી.

આ પ્રસંગને માત્ર એક વ્યક્તિ સાથે જોડાયેલી ઘટના તરીકે જોવો યોગ્ય નથી. તે શ્રીમંદિરના મૂળભૂત અભિગમને સમજાવે છે. મંદિર પ્રશાસનનું માનવું રહ્યું છે કે જો સદીઓથી ચાલતી પરંપરામાં વ્યક્તિગત અપવાદો કરવામાં આવે તો સમય જતાં નિયમોનું મૂળ સ્વરૂપ જ બદલાઈ જશે. એટલા માટે જ શ્રીમંદિરની દૃષ્ટિએ નિયમનું પાલન વ્યક્તિના દરજ્જા કરતાં વધુ મહત્ત્વનું છે.

આ નિયમને લઈને કોર્ટમાં પણ પહોંચી ચૂકી છે ચર્ચા

શ્રીજગન્નાથ મંદિરના પ્રવેશના નિયમો માત્ર જાહેર ચર્ચાનો વિષય જ રહ્યા નથી, પરંતુ સમયાંતરે અદાલતોમાં પણ તેની ચર્ચા થઈ છે. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટમાં શ્રીજગન્નાથ મંદિરના વહીવટ અને વ્યવસ્થાને લગતી સુનાવણી દરમિયાન તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું યોગ્ય શરતો સાથે બિનહિંદુઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવાની શક્યતા પર વિચાર થઈ શકે? જોકે આ કોઈ આદેશ નહોતો, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલું એક સૂચન હતું. ત્યારબાદ શ્રીજગન્નાથ મંદિર પ્રશાસન, ગજપતિ મહારાજા અને સેવાયત સંગઠનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સદીઓથી ચાલતી મંદિર પરંપરામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં અને આજ સુધી આ નિયમ યથાવત્ છે.

આ ઉપરાંત ઓડિશા હાઇકોર્ટ પણ શ્રીજગન્નાથ મંદિરની ધાર્મિક પરંપરાઓ અને તેના વિશિષ્ટ સ્વરૂપ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી ચૂકી છે. 1958ના ‘રામચંદ્ર દેવ વિરુદ્ધ સ્ટેટ ઑફ ઓડિશા’ કેસમાં હાઇકોર્ટે શ્રીજગન્નાથ મંદિરને સમગ્ર હિંદુ સમાજનું જાહેર ધાર્મિક સંસ્થાન ગણાવતાં તેની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાઓના મહત્ત્વને સ્વીકાર્યું હતું. કોર્ટે મંદિરની વિશિષ્ટ પરંપરા અને ધાર્મિક સ્વાયત્તતાને માન્યતા આપતી મહત્વપૂર્ણ નોંધ કરી હતી. આ જ કારણ છે કે આજે પણ શ્રીમંદિરના પ્રવેશના નિયમોને માત્ર વહીવટી નિર્ણય તરીકે નહીં, પરંતુ સદીઓથી જળવાઈ રહેલી મંદિર પરંપરાના અભિન્ન ભાગ તરીકે જોવામાં આવે છે.

શું અન્ય મંદિરોમાં પણ છે આવા નિયમો?

ઘણી વખત એવો ભ્રમ ઉભો કરવામાં આવે છે કે માત્ર શ્રીજગન્નાથ મંદિરમાં જ આવા પ્રવેશના નિયમો છે. હકીકતમાં ભારતના અનેક પ્રાચીન અને આગમ પરંપરાથી સંચાલિત મંદિરોમાં પોતાના અલગ નિયમો જોવા મળે છે. કેરળનું ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિર લાંબા સમયથી માત્ર હિંદુઓના પ્રવેશની પરંપરા જાળવી રાખે છે. તિરુવનંતપુરમનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર પણ પરંપરાગત નિયમો અનુસાર જ દર્શનની મંજૂરી આપે છે. દેશની અનેક શક્તિપીઠો અને પ્રાચીન મંદિરોમાં પણ ગર્ભગૃહ અથવા મંદિરના ચોક્કસ ભાગોમાં પ્રવેશ માટે અલગ-અલગ ધાર્મિક નિયમો છે.

આ નિયમોનો આધાર આધુનિક વહીવટ નહીં, પરંતુ દરેક મંદિરની પોતાની આગમ પરંપરા અને ધાર્મિક સંહિતા હોય છે. જેમ દરેક મઠના પોતાના નિયમો હોય છે, દરેક અખાડાની પોતાની પરંપરા હોય છે, તેમ દરેક પ્રાચીન દેવાલયની પણ પોતાની એક ધાર્મિક વ્યવસ્થા હોય છે. શ્રીજગન્નાથ મંદિર પણ એ જ પરંપરાનો એક ભાગ છે. તેથી અહીંના નિયમોને એકલા જોઈને નહીં, પરંતુ ભારતની પ્રાચીન મંદિર પરંપરાના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે.

શ્રીમંદિર માટે આ નિયમનું મહત્ત્વ શું છે?

શ્રીજગન્નાથ મંદિર માટે આ નિયમનો અર્થ માત્ર એટલો નથી કે કોણ અંદર જઈ શકે અને કોણ નહીં. આ નિયમ મંદિરના સ્વરૂપ સાથે જોડાયેલો છે. શ્રીમંદિર પોતાને પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ ભગવાન શ્રીજગન્નાથના જીવંત નિવાસસ્થાન તરીકે જુએ છે. અહીં ભગવાનને દરરોજ જગાડવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, વસ્ત્રો બદલવામાં આવે છે, અનેક વખત ભોગ ધરાવવામાં આવે છે અને રાત્રે શયન કરાવવામાં આવે છે. સમગ્ર મંદિર ભગવાનના દૈનિક જીવનની એક અવિરત પરંપરા મુજબ કાર્ય કરે છે.

એટલા માટે જ જ્યારે અંદરની દરેક સેવા માટે નિશ્ચિત આગમશાસ્ત્રીય નિયમો છે ત્યારે દર્શન માટેના નિયમોને પણ એ જ પરંપરાના ભાગ તરીકે જોવામાં આવવા જોઈએ. આ નિયમ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ મંદિરના ધાર્મિક સ્વરૂપની અખંડતા જાળવી રાખવા માટે છે. સદીઓ સુધી ઇસ્લામી-મજહબી આક્રમણો, રાજકીય પરિવર્તનો અને સામાજિક બદલાવ છતાં શ્રીમંદિરે પોતાની મૂળ પરંપરા જાળવી રાખી છે. આ જ તેના અસ્તિત્વની સૌથી મોટી ઓળખ માનવામાં આવે છે.

આજે પણ જ્યારે લાખો ભક્તો શ્રીમંદિરના સિંહદ્વાર સુધી પહોંચે છે ત્યારે તેઓ માત્ર એક ભવ્ય મંદિર સામે ઊભા નથી હોતા. તેઓ એવી પરંપરાના દ્વાર પર ઊભા હોય છે, જેણે લગભગ નવસો વર્ષથી પોતાનું ધાર્મિક સ્વરૂપ અખંડ રાખ્યું છે. આ નિયમ સાથે સહમત કે અસહમત થવાના અભિપ્રાયો અલગ હોય શકે પરંતુ શ્રીજગન્નાથ મંદિર માટે આ કોઈ વહીવટી નીતિ નથી. તે તેની પરંપરા, આગમશાસ્ત્ર, સેવાપદ્ધતિ અને સદીઓથી ચાલતા ધાર્મિક જીવનનો અભિન્ન હિસ્સો છે.

કદાચ એટલા માટે જ શ્રીમંદિર આજે પણ માત્ર એક મંદિર તરીકે નહીં, પરંતુ સનાતન પરંપરાની એવી જીવંત સંસ્થા તરીકે ઓળખાય છે, જેણે સમયના અસંખ્ય પડકારો વચ્ચે પણ પોતાના મૂળ સ્વરૂપને અકબંધ રાખ્યું છે. અહીં ભગવાન શ્રીજગન્નાથના દર્શન જેટલું જ મહત્વનું તેમની પરંપરાનું સંરક્ષણ પણ માનવામાં આવે છે અને એ જ વિચાર આ મંદિરને ભારતનાં અન્ય અનેક દેવસ્થાનોથી અલગ ઓળખ આપે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં