સવાર હજુ પૂરેપૂરી જાગી નહોતી. ઝાડોની ટોચ પર બેઠેલા મોરે એકાદ ટહુકો કર્યો હતો, ચિત્તલના ટોળાં ધીમે-ધીમે ખુલ્લા મેદાન તરફ ઊતરવાં લાગ્યાં હતાં અને રાતભર ફર્યા પછી દીપડો પણ કોઈ ઝાડીની ઓટ શોધી રહ્યો હતો. જંગલમાં બધું રોજ જેવું જ હતું. એ જ પવન, એ જ ધૂળ, એ જ કેડીઓ અને એ જ પાણીના કુંડ. છતાં કંઈક બદલાઈ ગયું હતું. એક એવી વસ્તુ ખૂટતી હતી, જે આંખે દેખાતી નહોતી, પણ આખું જંગલ અનુભવી રહ્યું હતું.
ડણક…
ઘણા દિવસોથી આ વિસ્તારના આકાશમાં એક ઓળખીતો ધણેણાટ ગૂંજ્યો નહોતો. માણસો કદાચ તેને માત્ર ગર્જના કહે. પરંતુ જંગલ માટે એ માત્ર અવાજ નહોતો. એ હાજરી હતી. એ હુકમ હતો. એ જાહેરાત હતી કે આ ધરતીનો ધણી હજુ જીવે છે. જંગલમાં કોઈ બોર્ડ લાગતાં નથી. ‘અહીંથી અમુક સિંહની ટેરિટરી શરૂ થાય છે’ એવું ક્યાંય લખેલું હોતું નથી. છતાં જંગલનો દરેક જીવ જાણતો હોય છે કે કયા રસ્તે કેટલું આગળ વધવું, કયા પાણીના કુંડ સુધી જવું અને ક્યાંથી પાછા વળી જવું. કારણ કે આ બધું કોઈ કાયદો નહીં, એક સાવજની હાજરી નક્કી કરતી હોય છે.
…અને એ હાજરીનું નામ હતું ભગત. કાઠિયાવાડમાં ડાલામથ્થા સાવજને ઓળખવા માટે કોઈ પરિચયની જરૂર પડતી નથી. જંગલ જ તેનો પરિચય હોય છે. વર્ષો સુધી જે સાવજ એક વિસ્તાર પર પોતાની આણ જમાવી રાખે, જેના નામે બીજા સિંહો રસ્તો બદલી નાખે, જેની ગંધથી જ બીજા દાવેદારો અંતર રાખે અને જેની ડણક સાંભળીને રાતનું જંગલ થોડી ક્ષણ માટે થંભી જાય એવો સાવજ કોઈ એક દિવસમાં બનતો નથી.
આવી આણ કમાવવી પડે. લોહી વહાવીને કમાવવી પડે. ભૂખ સહન કરીને કમાવવી પડે. દરેક પગલે જીવના જોખમે કમાવવી પડે. માણસોની દુનિયામાં કોઈને નેતા બનાવવામાં આવે છે. જંગલમાં કોઈ નેતા બનાવતું નથી. ત્યાં દરરોજ પોતાને સાબિત કરવા પડે છે. એક દિવસ નબળા પડો તો બીજો સાવજ તમારી જગ્યા લેવા તૈયાર જ બેઠો હોય છે.
ભગત પણ કદાચ વર્ષો પહેલાં એક યુવાન સિંહ હતો. કોઈના પ્રાઈડમાંથી હાંકી કાઢવામાં આવ્યો હશે. ભાઈઓ સાથે ભટક્યો હશે. ભૂખ્યો રહ્યો હશે. ક્યારેક શિકાર મળ્યો હશે, ક્યારેક દિવસો સુધી ખાલી પેટ ફરવું પડ્યું હશે. પછી કોઈ દિવસ તક મળી હશે. કોઈ વૃદ્ધ થઈ રહેલા લીડરને પડકાર્યો હશે. ધૂળ ઊડી હશે. ગર્જનાઓ ગૂંજી હશે. નખ અને દાંત વચ્ચે જીવન-મરણનો ખેલ જામ્યો હશે અને એ દિવસ પછી કદાચ આ વિસ્તારનો રાજ બદલાયો હશે.
એ દિવસથી ભગત માત્ર એક સિંહ રહ્યો નહોતો. એ એક વ્યવસ્થા બની ગયો હતો. માણસને લાગે કે સિંહ આખો દિવસ સૂતો રહે છે. પરંતુ પ્રભુત્વ ધરાવતા નર સિંહનું સૌથી મોટું કામ શિકાર કરવાનું પણ નથી. તેનું સૌથી મોટું કામ છે પોતાની હાજરી જીવંત રાખવી. રોજના આંટાફેરા. દરેક કેડી પર નજર. ઝાડના થડ પર નખનાં નિશાન. અહીં-ત્યાં ગંધના સંકેતો અને સમયાંતરે એવી ડણક કે જે પવન સાથે દૂર સુધી પહોંચી જાય.
આ બધું દેખાડા માટે નથી હોતું. આ જંગલની ભાષા છે. માણસ પત્ર લખે છે. સિંહ ગંધ લખે છે. માણસ સરહદ પર થાંભલા ઊભા કરે છે. સિંહ ગર્જનાથી સરહદ ઊભી કરે છે. માણસ પોલીસ રાખે છે. સિંહ પોતાની હાજરી રાખે છે અને જ્યાં સુધી આ હાજરી જીવંત રહે, ત્યાં સુધી આખું જંગલ એક અદૃશ્ય સંતુલનમાં જીવતું રહે છે.
કદાચ એટલા માટે જ પ્રભુત્વ ધરાવતા સિંહની કિંમત માત્ર તેની તાકાતથી માપી શકાતી નથી. એ પોતાની સિંહણો માટે માત્ર સાથી નથી. બચ્ચાં માટે માત્ર પિતા નથી. એ આખા પ્રાઈડની જીવતી ઢાલ છે. એ ટેરિટરીનું કિલ્લેબંધ બારણું છે. એ કારણ છે કે પડોશનો કોઈ સાવજ રોજ-રોજ આવીને પડકાર ફેંકતો નથી.
અમરેલીની ઘટના અને કેદ થયો ભગત
પરંતુ માણસોની દુનિયામાં એક ઘટના બની. અમરેલીના લીલીયા પંથકના અંટાળિયા વિસ્તારમાં સિંહની મેટિંગની પ્રક્રિયા દરમિયાન કેટલાક શખ્સોએ નિયમોનું ઉલ્લંઘન કરીને સિંહની એકદમ નજીક જઈને તેને પજવવાનું શરૂ કર્યું હતું. આ ઉશ્કેરણીના કારણે સિંહે હુમલો કર્યો હતો. જેમાં સોહિલ મુજાવર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું. હુમલો કરનાર સિંહ હતો ભગત. એ ભગત જે અમરેલી અને ભાવનગર વિસ્તારનો ઘોષિત રાજા હતો, શક્તિશાળી એટલો કે અન્ય કોઈ સિંહ આ વિસ્તારમાં તેની પરવાનગી વગર ફરકતો નહોતો. બૃહદ ગીર વિસ્તારનાં તમામ પ્રાઈડ તેની હેઠળ આવતાં હતાં અને તે હતો શાસક.

અમરેલીની આ ઘટના કેવી રીતે બની, તેની તપાસ, પરિસ્થિતિઓ અને નિર્ણયોની ચર્ચા અલગ હોય શકે. પરંતુ ત્યારબાદ એક નિર્ણય લેવાયો. ઘટનામાં સામેલ હોવાનું માનવામાં આવેલા સિંહોમાંથી ભગતને બેભાન કરીને કબજામાં લેવામાં આવ્યો અને તેને આજીવન કેદ થઈ. અહીં સુધીની વાત લગભગ બધા જાણે છે.
પરંતુ અસલી વાર્તા અહીંથી શરૂ થાય છે. કારણ કે માણસોની દુનિયામાં ઘટના પૂરી થઈ ગઈ હશે. જંગલની દુનિયામાં તો હવે શરૂઆત થઈ છે. આજે જો ભગત પોતાના વિસ્તારમાં નથી તો શું આજે પણ તેની સરહદો એટલી જ મજબૂત છે? શું આજે પણ તેની ડણક પવનમાં ગૂંજે છે? શું આજે પણ પડોશના સાવજોને એટલો જ ભય લાગે છે? કે પછી…
ક્યાંક કોઈ બીજા જંગલના છેડે બેઠેલો એક યુવાન ડાલામથ્થો પહેલી વાર કાન સરવા કરીને ઊભો થયો હશે? કદાચ તેણે પહેલી વાર ધ્યાન આપ્યું હશે કે ઘણા દિવસોથી આ દિશામાંથી કોઈ પડકાર આવ્યો નથી. કદાચ તેણે પહેલી વાર પવનની દિશા સૂંઘી હશે અને કદાચ પહેલી વાર તેના મનમાં એક વિચાર આવ્યો હશે કે ‘શું હવે આ ધરતી ખાલી પડી છે?’
આ સવાલ માત્ર એક સાવજના મનમાં જન્મેલો વિચાર નથી. આ સવાલ આખી ચર્ચાનું હૃદય છે. કારણ કે જો આ સવાલનો જવાબ ‘હા’ હશે તો પછી જે બનવાનું છે, એ માણસોના કાયદાથી નહીં, પ્રકૃતિના કાયદાથી નક્કી થશે.
જંગલમાં ગાદી ક્યારેય ખાલી રહેતી નથી…
જંગલમાં સૌથી મોટો ભ્રમ એ છે કે ત્યાં બધું અચાનક બને છે. માણસને લાગે કે આજે એક સિંહ ગયો અને કાલે બીજો આવી ગયો. પરંતુ પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી. જંગલમાં દરેક બદલાવ ધીમે-ધીમે જન્મે છે. પહેલાં સંકેતો બદલાય છે, પછી વર્તન બદલાય છે અને અંતે આખી વ્યવસ્થા બદલાઈ જાય છે. ભગત જેવા પ્રભુત્વ ધરાવતા સાવજની ગેરહાજરી પણ કદાચ આવી જ રીતે જંગલના રક્તમાં ઉતરવાની શરૂઆત કરશે. શરૂઆતના થોડા દિવસોમાં કદાચ કશું જ ન થાય. ચિત્તલ એ જ રસ્તે પાણી પીવા જાય, નીલગાય એ જ મેદાનમાં ચરે, સિંહણો એ જ ઝાડી નીચે આરામ કરે. બહારથી બધું પહેલાં જેવું જ લાગે. પરંતુ જંગલમાં રહેતા દરેક જીવની જેમ પડોશના સાવજ પણ સતત સાંભળતા રહે છે, સૂંઘતા રહે છે અને જોતા રહે છે. તેમની દુનિયામાં સમાચાર કોઈ માણસ નથી લાવતો. પવન લાવે છે. ગંધ લાવે છે. રાતનો સન્નાટો લાવે છે.
કલ્પના કરો કે ભગતની ટેરિટરીની સરહદથી કિલોમીટરો દૂર કોઈ બીજો પ્રભુત્વ મેળવવાની રાહ જોતો નર સિંહ બેઠો છે. વર્ષોથી તેને ખબર છે કે આ દિશામાં જવાનું એટલે સીધું ધીંગાણું. કારણ કે અહીં કોઈ સામાન્ય સાવજ નથી રહેતો. અહીં એવો નર છે, જેની હાજરી જ પડકાર છે. એ કારણે તે ક્યારેય બિનજરૂરી જોખમ લેતો નથી. પણ અચાનક ઘણા દિવસોથી આ દિશામાંથી કોઈ ડણક આવતી નથી. પવનમાં એ ઓળખીતી ગંધ પણ હવે પહેલાં જેટલી તાજી નથી. જંગલમાં કોઈ ઘોષણા થતી નથી કે ‘રાજા હવે નથી.’ છતાં અનુભવી સાવજને આવી વાતો સમજવામાં વાર લાગતી નથી. તે ઉતાવળે ઘૂસી આવતો નથી. પહેલાં સરહદ સુધી આવે છે. થોડો સમય ઊભો રહે છે. હવામાં મોં ઊંચું કરીને ગંધ લે છે. જમીન સૂંઘે છે. ઝાડના થડ પરના નિશાનો વાંચે છે. પછી પાછો વળી જાય છે. બીજી રાતે ફરી આવે છે. થોડો વધુ અંદર વધે છે. ત્રીજી રાતે કદાચ પહેલી વાર પોતાની ગંધનું નિશાન મૂકે છે. આ ઘૂસણખોરી નથી, આ તપાસ છે. જંગલમાં દરેક મોટું યુદ્ધ પહેલાં આવી જ ભેંકાર શાંતિથી શરૂ થાય છે.
આખરે એક દિવસ એવો આવે છે જ્યારે નવા દાવેદારને ખાતરી થઈ જાય છે કે હવે સામે ઊભો રહી શકે એવો જૂનો શાસક નથી. એ દિવસથી જંગલમાં એક નવી રમત શરૂ થાય છે. માણસોની દુનિયામાં તેને સત્તા પરિવર્તન કહેવાય. જંગલમાં તેને ટેરિટરી માટેનો સંઘર્ષ કહેવામાં આવે છે અને આ સંઘર્ષ માત્ર બે નર સિંહો વચ્ચેનો અહંકારનો ખેલ નથી. આ સંઘર્ષનો અર્થ છે આખા વિસ્તારની નવી વહેંચણી. પાણીના કુંડથી લઈને શિકારના મેદાન સુધી, કેડીઓથી લઈને આરામના પડાવ સુધી દરેક વસ્તુ ફરી નક્કી થવાની શક્યતા ઊભી થાય છે. એ કારણે જ પ્રભુત્વ ધરાવતા નરનું અસ્તિત્વ વ્યક્તિગત નથી રહેતું, તે આખા પર્યાવરણીય સંતુલન સાથે જોડાઈ જાય છે.
અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. માણસોની નજરે પ્રાઈડ એટલે સિંહોનો પરિવાર. પરંતુ વન્યજીવના દૃષ્ટિકોણથી પ્રાઈડ એ એક જટિલ સામાજિક વ્યવસ્થા છે. સિંહણો માત્ર સાથે રહેતી નથી, તેઓ મળીને શિકાર કરે છે, બચ્ચાં ઉછેરે છે, એકબીજાનાં બચ્ચાંની પણ સંભાળ રાખે છે. કિશોર સિંહો ધીમે-ધીમે મોટા થાય છે. અને આ આખી વ્યવસ્થાની બહાર એક જીવંત દિવાલની જેમ પ્રભુત્વ ધરાવતો નર ઊભો રહે છે. ઘણા સંઘર્ષો તેની હાજરી માત્રથી અટકી જાય છે. તેથી જ્યારે આ દીવાલ અચાનક હટી જાય, ત્યારે સૌથી પહેલાં જોખમ પ્રાઈડ પર જ ઊભું થાય છે.
નવા નર દ્વારા ટેરિટરી પર કબજો જમાવવાનો પ્રયાસ અત્યંત હિંસક બની શકે છે. કારણ કે નવા દાવેદારનો હેતુ માત્ર જમીન મેળવવાનો નથી. તે પોતાની વંશવૃદ્ધિ માટે આખી વ્યવસ્થા પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. આવી સ્થિતિમાં જૂના લીડરનાં બચ્ચાં સૌથી વધુ જોખમમાં આવી શકે છે. આ પ્રકૃતિનો સૌથી કઠોર નિયમ છે. માણસને તે નિર્દયી લાગે, પરંતુ જંગલમાં દયા કે ક્રૂરતાથી વધારે પ્રજનન અને અસ્તિત્વના નિયમો ચાલે છે. એટલે જ એક પ્રભુત્વ ધરાવતા નરની ગેરહાજરીનો અર્થ માત્ર એક સિંહ ઓછો થવો નથી, તેની અસર આગામી પેઢી સુધી પહોંચી શકે છે.
આ જ જગ્યાએ ભગતનો પ્રશ્ન સામાન્ય ઘટનાથી ઘણો મોટો બની જાય છે. પ્રશ્ન એ નથી કે એક સાવજ આજે ક્યાં છે. પ્રશ્ન એ છે કે જો તે લાંબા સમય સુધી પોતાના વિસ્તારમાં પરત નહીં ફરે તો તેની ગેરહાજરીનું મૂલ્ય કોણ ચૂકવશે? શું માત્ર તે એકલો? કે પછી તેની સિંહણો? તેનાં બચ્ચાં? તેની સાથે ઉછરી રહેલા યુવાન સિંહો? કે પછી આખી ટેરિટરી? કારણ કે એકવાર સંઘર્ષ શરૂ થાય, પછી જંગલ કોઈને ખાસ રાહત આપતું નથી. જીતનાર પણ ઘાયલ થાય છે, હારનાર પણ. ઘણી વખત જે સાવજ ગાદી જીતે છે, તે પણ એવી ઇજાઓ લઈને ફરે છે કે થોડા વર્ષોમાં પોતે જ બીજા કોઈ યુવાન દાવેદાર સામે નબળો પડી જાય. એટલે ટેરિટરીનો ખેલ ક્યારેય પૂરો થતો નથી. પરંતુ જ્યારે આ પ્રક્રિયા કુદરતી રીતે થાય છે અને જ્યારે તેમાં માણસના હસ્તક્ષેપ પછી ખાલીપો ઊભો થાય છે, ત્યારે બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બની જાય છે.
આ બધું લખવાનો અર્થ એ નથી કે દરેક વખતે આવું જ થશે અથવા દરેક ઘટના એકસરખી જ દિશામાં જશે. જંગલ કોઈ ગણિતનું સૂત્ર નથી. દરેક ટેરિટરી, દરેક પ્રાઈડ અને દરેક સંજોગ અલગ હોય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે પ્રભુત્વ ધરાવતા નરની ગેરહાજરી પછી ટેરિટોરિયલ અસ્થિરતા સર્જાવાનું જોખમ વાસ્તવિક છે અને આ જ કારણ છે કે ભગત વિશેની ચર્ચા માત્ર એક ઘટનાની ચર્ચા નથી. આ ચર્ચા એ પ્રશ્ન છે કે શું આપણે કોઈ નિર્ણય લેતી વખતે જંગલની અંદર ચાલતી આ અદૃશ્ય વ્યવસ્થાને પણ પૂરતી ગંભીરતાથી સમજીએ છીએ?
ભગતના ગયા પછી શું થઈ શકે?
માણસોની દુનિયામાં એક વ્યક્તિનું સ્થાન બીજો માણસ લઈ લે છે. ચૂંટણી થાય છે, નિમણૂક થાય છે, સત્તા હસ્તાંતર થાય છે અને જીવન આગળ વધે છે. પરંતુ જંગલની દુનિયામાં આવું કંઈ હોતું નથી. ત્યાં કોઈ ગાદી સોંપવામાં આવતી નથી. ત્યાં ગાદી છીનવવામાં આવે છે. દાંતથી, નખથી અને લોહીથી. એટલા માટે જ ભગત જેવા પ્રભુત્વ ધરાવતા સાવજની ગેરહાજરીનો અર્થ માત્ર એટલો નથી કે એક સિંહ હવે જંગલમાં નથી. તેનો અર્થ એ પણ હોય શકે કે આખી ટેરિટરીનું સંતુલન હવે પરીક્ષામાં મૂકાઈ ગયું છે.
ભગત વર્ષો સુધી જે વિસ્તારમાં પોતાની આણ જમાવીને બેઠો હતો, એ વિસ્તાર માત્ર તેની ફરવાની જગ્યા નહોતો. એ તેની ઓળખ હતો. દરેક પાણીના કુંડ પર તેની હાજરીનાં સંકેતો હતાં, દરેક કેડી પર તેના પગલાં હતાં, દરેક ઝાડ પર તેની ગંધ હતી અને દરેક ડણક પડોશના સાવજોને યાદ અપાવતી હતી કે આ ધરતી પર પહેલેથી જ એક રાજા બેઠો છે. જ્યાં સુધી આ સંકેતો જીવંત રહે, ત્યાં સુધી બીજા સાવજ બિનજરૂરી સંઘર્ષ ટાળે છે. કારણ કે જંગલમાં કોઈ પણ સમજદાર લડવૈયો એવી લડાઈ પસંદ કરતો નથી, જેમાં જીત્યા પછી પણ અડધો જીવ ગુમાવવાનો વારો આવે.
પરંતુ પ્રકૃતિ ખાલીપાને બહુ લાંબો સમય સહન કરતી નથી. જો પ્રભુત્વ ધરાવતા નરની ગેરહાજરી લાંબી ખેંચાય તો પડોશની ટેરિટરીમાં બેઠેલા બીજા દાવેદારો માટે એ એક તક બની શકે છે. તેઓ એક જ દિવસમાં ધસી આવતા નથી. પહેલાં તેઓ સરહદો ચકાસે છે. પવનમાં ગંધ શોધે છે. રાત્રિના સન્નાટામાં ડણક સાંભળે છે. જ્યારે તેમને ખાતરી થવા લાગે કે હવે સામે પડકાર ફેંકનાર જૂનો શાસક રહ્યો નથી ત્યારે જ ટેરિટરીની સાચી કસોટી શરૂ થાય છે.
આ કસોટી ઘણી વખત માત્ર બે નર સિંહો વચ્ચે મર્યાદિત રહેતી નથી. એક નવો દાવેદાર જ્યારે કોઈ પ્રાઈડ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો સામનો માત્ર ખાલી જમીન સાથે થતો નથી. તેની સામે વર્ષોથી એક સાથે જીવતી સિંહણો હોય છે. યુવાન થતા નર સિંહો હોય છે. બચ્ચાં હોય છે. જૂની વ્યવસ્થા હોય છે. નવા દાવેદાર માટે આ બધું સ્વીકારી લેવું પૂરતું નથી, તેને પોતાના પ્રભુત્વની સ્થાપના કરવી હોય છે. એ પ્રક્રિયા ઘણી વખત હિંસક બની શકે છે. ટેરિટરી માટેની અથડામણો, પ્રાઈડ પર નિયંત્રણ માટેના સંઘર્ષો અને નવા શાસકની સ્થાપના, આ બધું વન્યજીવ વિજ્ઞાનમાં સારી રીતે નોંધાયેલું વર્તન છે.
ભગતના પ્રાઈડ માટે પણ સૌથી મોટો પ્રશ્ન કદાચ આ જ હોય શકે. જો તેની ગેરહાજરી લાંબી ચાલે તો તેની સાથે વર્ષો સુધી જીવતી સિંહણો અને તેની આસપાસ ઉછરેલા યુવાન સિંહો માટે એક નવા યુગની શરૂઆત થઈ શકે. બહારથી આવતો દાવેદાર પોતાની ટેરિટરી વિસ્તારવા માંગશે, જ્યારે અંદરની વ્યવસ્થા પોતાનું અસ્તિત્વ બચાવવા લડશે. આવી સ્થિતિમાં સંઘર્ષ એક દિવસમાં પૂરો થતો નથી. ઘણી વખત તે અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલે છે અને તેની અસર લાંબા સમય સુધી રહે છે. દરેક લડાઈમાં જીતનાર પણ ઘાયલ થાય છે અને હારનાર પણ. આખરે લોહી માત્ર એક પક્ષનું નથી વહેતું, કિંમત આખી ટેરિટરી ચૂકવે છે.
આ જ કારણ છે કે પ્રશ્ન માત્ર ભગતનો નથી. પ્રશ્ન એ પણ છે કે ગુજરાતે દાયકાઓની મહેનત, સંરક્ષણ અને લોકસહયોગથી ઊભી કરેલી એશિયાટિક સિંહોની વસતી માટે આવી દરેક અસ્થિરતા કેટલી ગંભીર બની શકે. એક પ્રભુત્વ ધરાવતા નરની ગેરહાજરીથી ઊભી થતી ટેરિટોરિયલ હરીફાઈ જો વધે તો તેની અસર માત્ર એક પ્રાઈડ સુધી મર્યાદિત ન રહે, પરંતુ સમગ્ર વિસ્તારના સામાજિક સંતુલન પર પણ પડી શકે. સંરક્ષણનો અર્થ માત્ર સિંહોની સંખ્યા વધારવો નથી, તેમની કુદરતી સામાજિક વ્યવસ્થા પણ જાળવવી એટલી જ મહત્વની છે.
કદાચ એટલા માટે જ ભગતનો પ્રશ્ન એક સાવજનો પ્રશ્ન નથી રહ્યો. એ જંગલના ભવિષ્યનો પ્રશ્ન બની ગયો છે. કારણ કે જો એક લીડર જતો રહે અને તેની પાછળ અરાજકતા જન્મે તો સૌથી મોટું નુકસાન કોઈ એક સિંહનું નહીં, આખી વ્યવસ્થાનું થાય છે અને જ્યારે જંગલની વ્યવસ્થા ડગમગે, ત્યારે તેની અસરનો પડઘો વર્ષો સુધી સંભળાતો રહે છે. બની શકે કે ભગતના વિસ્તારના સિંહો અને બહારથી આવતા સિંહો વચ્ચે દાયકાઓ સુધી સંઘર્ષ રહે. કોણ જીતે અને કોણ હારે એ બાજુ પર મૂકીને જોઈએ તો એક તથ્ય એ છે કે આખરે લોહી બંને બાજુ સિંહોની વહેશે અને વસ્તી પણ સિંહોની ઓછી થશે. અંતિમ નુકસાન ભગતના વિસ્તારને નહીં પણ ગુજરાતને છે, જંગલને છે.
ભૂલ સાવજની ઓછી, માણસની વધારે
અહીંથી એક બીજો સવાલ જન્મે છે. જંગલની અંદર શું થશે એની ચિંતા તો આપણે કરી. પરંતુ જંગલની બહાર શું થઈ રહ્યું છે એની ચર્ચા પણ એટલી જ જરૂરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાવનગર અને અમરેલીનો બૃહદ ગીરનો વિસ્તાર ઝડપથી બદલાયો છે. જ્યાં પહેલાં સાવજના દર્શન દુર્લભ ગણાતા હતા, ત્યાં આજે લોકો સિંહ જોવા માટે ગાડીઓ લઈને પહોંચી જાય છે. કોઈને વિડીયો બનાવવો હોય છે, કોઈને રીલ શૂટ કરવી હોય છે, કોઈને મોબાઇલમાં સાવજને દસ ફૂટ દૂરથી કેદ કરવાનો શોખ હોય છે. ગાડીનો કાચ ખોલીને ચીસો પાડતા લોકો, સિંહને નજીકથી જોવાની હોડ, ગેરકાયદે સિંહદર્શન કરાવતા તત્ત્વો અને સોશિયલ મીડિયામાં ‘સૌથી નજીકનો વિડીયો’ મૂકવાની માનસિકતા, આ બધાએ જંગલની શાંતિને ધીમે-ધીમે ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું છે. જે સાવજને દિવસના મોટાભાગનો સમય આરામ જોઈએ, જેને પોતાના પ્રાઈડ સાથે એકાંત જોઈએ, જેને મેટિંગ પિરિયડ દરમિયાન સંપૂર્ણ નિરાંત જોઈએ, તેની પાછળ માણસો કેમેરા લઈને દોડવા લાગ્યા. પ્રકૃતિ ઘણી વખત સહન કરે છે અને હમણાં સુધી કર્યું પણ છે, પરંતુ દરેક સહનશક્તિની એક મર્યાદા હોય છે.
ખાસ કરીને મેટિંગ પિરિયડમાં નર અને માદા સિંહનું વર્તન સામાન્ય દિવસો કરતાં અલગ હોય છે. તેઓ પોતાના આસપાસના વિસ્તાર પ્રત્યે વધુ સતર્ક હોય છે. બહારની કોઈપણ હિલચાલને તેઓ જોખમ તરીકે લઈ શકે છે. આવા સમયે જો કોઈ માણસ બેદરકારીથી ખૂબ નજીક પહોંચી જાય તો તેનાં પરિણામો ગંભીર બની શકે છે. દરેક ઘટના એકસરખી નથી હોતી, દરેક ઘટનાની પોતાની પરિસ્થિતિ હોય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જંગલમાં માણસ જેટલો વધુ ઘૂસશે, તેટલું જોખમ બંને તરફ વધશે. માણસ માટે પણ અને સાવજ માટે પણ. કારણ કે ઘણી વખત ઘટનાનો અંત માત્ર માણસના મૃત્યુથી થતો નથી, તેના પછી કોઈ સાવજને જંગલમાંથી દૂર કરવાની ફરજ પણ ઊભી થાય છે.
કદાચ અહીંથી જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે દર વખતે પરિણામ પર જ પ્રતિક્રિયા આપતા રહીશું અને કારણોને અડતા નહીં હોઈએ તો શું આવી ઘટનાઓ ખરેખર ઘટશે? ગીરના મૂળ વિસ્તારમાં રહેતા માલધારીઓને જુઓ. સદીઓથી તેઓ સાવજની બાજુમાં જીવે છે. તેઓ સિંહને ભગવાન નથી માનતા, પાલતુ પણ નથી માનતા. તેઓ તેને શક્તિ અને દેવપ્રાણી માને છે, એટલે તેનું સન્માન પણ કરે છે અને તેનું અંતર પણ જાળવે છે. કયો સમય તેનો છે, કઈ દિશામાં જવું નહીં, ક્યારે પાછા વળી જવું, ક્યારે પશુઓને એકલાં ન છોડવાં, આ બધું તેમણે પુસ્તકોમાંથી શીખ્યું નથી. પેઢીઓના અનુભવમાંથી શીખ્યું છે. એ અનુભવ આજે બૃહદ ગીરના દરેક ગામ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે.
આજે કદાચ સૌથી મોટી જરૂર વધુ પિંજરાં બનાવવાની નથી, વધુ સમજ ઊભી કરવાની છે. ગામેગામ જાગૃતિ કાર્યક્રમો થવા જોઈએ. શાળાઓમાં બાળકોને સિંહ વિશે એવી રીતે સમજાવવું જોઈએ કે ડર નહીં, સમજણ જન્મે. ગેરકાયદે સિંહદર્શન કરાવતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મેટિંગ પિરિયડ દરમિયાન ખાસ સાવચેતીના નિયમો લોકો સુધી પહોંચવા જોઈએ. ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો અને યુવાનો માટે સમયાંતરે તાલીમ શિબિરો યોજાય, જેમાં તેમને માત્ર એટલું શીખવવામાં આવે કે સાવજની દુનિયામાં જીવવાનો અર્થ શું છે. કારણ કે ગીરના લોકો જે અનુભવથી શીખ્યા છે, તે અનુભવ હવે બૃહદ ગીરના નવા વિસ્તારો સુધી પહોંચાડ્યા વગર ચાલશે નહીં.
આખરે વાત ફરી ભગત પર આવીને અટકે છે.
કારણ કે ભગત માત્ર એક નામ નથી. તે એક પ્રશ્ન છે. જો એક પ્રભુત્વ ધરાવતા સાવજને તેની ટેરિટરીમાંથી દૂર કરવામાં આવે તો શું તેની પાછળ રહી ગયેલી દુનિયા વિશે પણ આપણે વિચારીએ છીએ? શું તેના પ્રાઈડનું ભવિષ્ય આપણા નિર્ણયનો ભાગ બને છે? શું ટેરિટરીમાં ઊભો થયેલો ખાલીપો અને તેમાંથી જન્મતી અસ્થિરતા પણ આપણા સંરક્ષણના વિચારમાં સામેલ છે? કે પછી આપણે માત્ર એક ઘટના પૂરી થઈ ગઈ એમ માનીને આગળ વધી જઈએ છીએ?
આ પ્રશ્નોના જવાબ સહેલા નથી. કદાચ વન્યજીવ વૈજ્ઞાનિકો, વન અધિકારીઓ અને સંરક્ષણ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતો વચ્ચે પણ અલગ-અલગ મંતવ્યો હોય શકે. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે સિંહ માત્ર ગણતરીનો આંકડો નથી. દરેક પ્રભુત્વ ધરાવતા નર સાથે એક જીવંત સામાજિક વ્યવસ્થા જોડાયેલી હોય છે. તેની હાજરીનો અર્થ હોય છે તો તેની ગેરહાજરીની પણ કિંમત હોય છે.
લેખની શરૂઆતમાં આપણે એક શાંત સવારની વાત કરી હતી. ફરી એ જ જંગલમાં પાછા ફરીએ. સૂર્ય ફરી ઢળે છે. ચિત્તલનું ટોળું ફરી પાણી તરફ વધે છે. પવન ફરી એ જ કેડીઓ પરથી પસાર થાય છે. કોઈ સિંહણ પોતાનાં બચ્ચાંને નજીક રાખીને સૂઈ ગઈ છે. દૂર કોઈ યુવાન સાવજ કદાચ પહેલી વાર આ દિશામાં આગળ વધવાનો વિચાર કરી રહ્યો છે. જંગલ બહારથી પહેલાં જેવું જ લાગે છે, પરંતુ તેની અંદર કંઈક ધીમે-ધીમે બદલાઈ રહ્યું છે.
ભગત આજે જ્યાં પણ હશે, જંગલ ત્યાં નથી. જંગલ તો હજુ પણ તેની રાહ જોઈ રહ્યું હશે અને કદાચ એ જ રાહમાં આ આખા પ્રશ્નનો સાર છુપાયેલો છે. સાવજને બચાવવો એટલે માત્ર તેને જીવતો રાખવો નહીં. સાવજને બચાવવો એટલે તેની દુનિયાને સમજવી. કારણ કે જંગલનો સાચો રાજા માત્ર સૌથી શક્તિશાળી સિંહ નથી હોતો. જંગલનો સાચો રાજા તો તેનું સંતુલન હોય છે.
અને એ સંતુલન એક વાર ડગમગી જાય તો તેની અસર ઘણી વખત દાયકાઓ, વર્ષો સુધી જંગલના દરેક ખૂણે સંભળાતી રહે છે, બિલકુલ એવી જ રીતે જેમ કોઈ એક દિવસ અચાનક બંધ થઈ ગયેલી ડણકનો પડઘો લાંબા સમય સુધી પવનમાં જીવતો રહે છે.


