
અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રાની પૂર્વતૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક યોજી હતી. આ સિવાય બેઠકમાં રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાતી લગભગ 230 રથયાત્રાઓની તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી.
સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં નીકળતી તમામ રથયાત્રાઓ શાંતિપૂર્ણ રીતે, સલામતી અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે પોલીસતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે.
દરમ્યાન અમદાવાદના નવા નીમાયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પ્રેઝન્ટેશન દ્વારા શહેર પોલીસની તૈયારીઓ વિશે મુખ્યમંત્રી અને અધિકારીઓને માહિતી આપી હતી.
પોલીસ વિભાગ અનુસાર અમદાવાદની રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. 65 જેટલાં ડ્રોન તહેનાત કરવામાં આવશે. 2800થી વધારે બોડી વૉર્ન કેમેરાથી સજ્જ અમદાવાદ પોલીસના કર્મચારીઓ યાત્રા દરમ્યાન સતત નજર રાખશે. અમદાવાદ મહાનગરપાલિકાના 15 મેડિકલ ઑફિસર, 100 આરોગ્ય કર્મચારીઓ, 31 ફાયર વ્હીકલ અને 237 ફાયર કર્મચારીઓ પણ ખડેપગે હાજર રહેશે. 16 કિલોમીટરની આ યાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે.
ઉપરાંત અમદાવાદ રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો ભીડ એકઠી ન કરે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના અપાઈ છે.
બેઠકમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

