રામ મંદિર ટ્રસ્ટમાં CEOની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ, નિવૃત્ત અધિકારીને જવાબદારી સોંપાશે: ક્રાઈટેરિયામાં હિંદુ હોવું ફરજિયાત

અયોધ્યાના રામ મંદિરે દાન અને ચડાવા ચોરીનો મામલો સામે આવ્યા બાદ એક તરફ તેની તપાસ ચાલી રહી છે અને બીજી તરફ મંદિર ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીમવા માટે પ્રક્રિયા શરૂ કરી છે.

6 જુલાઈના રોજ અયોધ્યા રામ મંદિર પરિસરમાં યોજાયેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં CEOની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ માટે ત્રણ સભ્યોની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી, જેને CEOનાં નામ સૂચવવા માટે જણાવાયું હતું.

આ સમિતિની બેઠક દિલ્હીમાં મળી અને CEO નિમણૂક માટેની પ્રક્રિયા આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે અરજીઓ મગાવવામાં આવી છે, જેની સમયમર્યાદા 18 જુલાઈ સુધી રહેશે.

સમિતિએ અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. જે અનુસાર CEO ફરજિયાત હિંદુ હોવો જોઈએ. ઉપરાંત તેમની પાસે ઓછામાં ઓછો 20 વર્ષનો એડમિનિસ્ટ્રેશન અથવા ફાયનાન્સ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જો અગાઉ મંદિરના સંચાલનનો અનુભવ હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે.

18 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે, જેના માટે એક ઈ-મેઇલ આઇડી પણ બનાવવામાં આવી રહ્યું છે. અરજીઓ આવે ત્યારબાદ સમિતિ નામો શોર્ટલિસ્ટ કરશે અને ત્યારબાદ એક નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

CEOની નિમણૂક ત્રણ વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે. દરમ્યાન તેમણે ફરજિયાત અયોધ્યામાં રહેવું પડશે. આગામી એક મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની ગણતરી છે. 22 જુલાઈએ ફરી એક વખત મંદિર ટ્રસ્ટની બેઠક મળશે, જેમાં નામો સૂચવવામાં આવી શકે છે.

નિવૃત્ત અધિકારી જવાબદારી સંભાળશે

મીડિયા રિપોર્ટ અનુસાર, મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે કોઈ નિવૃત્ત બ્યુરોક્રેટને આ જવાબદારી સોંપવામાં આવે. સરકારી IAS અધિકારીને નીમાય તેની શક્યતાઓ બહુ ઓછી છે કારણ કે મંદિર ટ્રસ્ટ સ્વતંત્ર છે અને IAS અધિકારી સરકારી કર્મચારી હોય છે. જોકે કાશી વિશ્વનાથ જેવાં મંદિરોમાં અધિકારીઓ CEO તરીકે કામ કરતા રહ્યા છે.  

મંદિર ટ્રસ્ટ અનુસાર હવે મંદિરનું સમગ્ર સંચાલન માળખાગત રીતે અને પારદર્શી પદ્ધતિથી થશે. ચેરમેનની નીચે CEO કામ કરશે, તેમની સાથે ઇજનેરો અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ હશે. સાથે કર્મચારીઓનો સ્ટાફ હશે. CEOથી માંડીને કર્મચારીઓ માટે નિશ્ચિત વેતન હશે.

બીજી તરફ, દાન-ચડાવા ચોરી કેસની તપાસ બે સ્તરે ચાલી રહી છે. FIR દાખલ કર્યા બાદ UP પોલીસ પોતાની રીતે કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં નામજોગ જેમની સામે FIR દાખલ કરવામાં આવી એ તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. બીજી તરફ મામલાની તપાસ માટે યોગી સરકારે બનાવેલી SITને પણ 15 જુલાઈ સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ સમિતિ પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે, જે ટ્રસ્ટને પણ અપાશે. 22 જુલાઈની ટ્રસ્ટની બેઠકમાં રિપોર્ટ અને તેની ભલામણો પર વિગતવાર ચર્ચા થશે.