
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ એક્ટ) કેસમાં જામીન પર છૂટેલા એક આરોપીએ પત્ની, બે બાળકો, પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારી સગીરા તેમજ તેની માતા અને નાનીની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસનું માનવું છે કે આરોપીએ બદલો લેવા માટે આ હત્યાકાંડ આચર્યો હતો.
આરોપીની ઓળખ બી. રાજકુમાર તરીકે થઈ છે. તેની વિરુદ્ધ 16 મેના રોજ 17 વર્ષની સગીરા પર જાતીય શોષણના આરોપસર POCSO હેઠળ કેસ નોંધાયો હતો. ત્યારબાદ 26 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા દિવસ પહેલાં જ તે ₹20,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિ દરમિયાન રાજકુમારે સૌથી પહેલાં શાબાદ ખાતે પોતાના ઘરમાં પત્ની પાર્વતી સરિતા અને તેમના બે પુત્રો, જેમની ઉંમર અનુક્રમે ચાર વર્ષ અને 18 મહિના હતી, તેમની છરાના ઘા ઝીંકીને હત્યા કરી હતી.
ત્યારબાદ તે લગભગ છ કિલોમીટર દૂર આવેલા ગામમાં પહોંચ્યો, જ્યાં POCSO કેસની સગીરા ફરિયાદી રહેતી હતી. પોલીસે જણાવ્યું કે તેણે સગીરાને જબરદસ્તી સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સગીરાની માતા અને નાનીએ તેનો વિરોધ કરતા આરોપીએ બંનેની પણ છરા મારીને હત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બાદમાં આરોપી સગીરાને નજીકના અખિલ સાગર તળાવ વિસ્તાર તરફ લઈ ગયો હતો, જ્યાં તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એવા સંકેતો પણ મળ્યા છે કે સગીરા પર ફરી જાતીય શોષણ કરવામાં આવ્યું હોય શકે છે. જોકે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ તેની સત્તાવાર પુષ્ટિ થશે.
ઘટના બાદ આરોપીએ પોતાના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોને ફોન કરીને બંને પરિવારોના સભ્યોની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તેણે આત્મહત્યા કરવાની પણ વાત કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ફ્યુચર સિટી પોલીસ કમિશનર તરુણ જોશીએ જણાવ્યું કે સમગ્ર મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યાકાંડ પાછળના ચોક્કસ કારણો તેમજ ઘટનાક્રમની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ હત્યાઓ POCSO કેસના કારણે લેવાયેલા વેરઝેરનું પરિણામ હોવાનું જણાય છે.
પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

