વોટ્સએપના યુઝરનેમ ફીચર બાદ મેસેજિંગ એપ્સ માટે એકસરખા નિયમો પર વિચાર કરી રહી છે સરકાર: રિપોર્ટ

વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચરને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત હોવાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) હવે દેશની તમામ મેસેજિંગ એપ્સ માટે સમાન ધોરણો અને નિયમો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સરકારનું માનવું છે કે આવા ફીચરથી ઓનલાઈન છેતરપિંડી, ઓળખની નકલ (ઇમ્પરસોનેશન) અને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવા ગુનાઓનું જોખમ વધી શકે છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ MeitY મેસેજિંગ પ્લેટફોર્મ્સ માટે એકસરખા નિયમો ઘડવા પર કામ કરી રહ્યું છે, જેથી તમામ એપ્સ પર સમાન નિયમો લાગુ પડે અને સરકારના નિર્ણયોને સ્પષ્ટ કાનૂની આધાર મળી રહે.

અહેવાલમાં સરકારી અધિકારીના હવાલાથી જણાવાયું છે કે સરકાર વોટ્સએપના યુઝરનેમ ફીચરના પક્ષમાં નથી. અધિકારીના જણાવ્યા અનુસાર ભારતમાં વોટ્સએપનો વિશાળ યુઝરબેઝ હોવાથી માત્ર યુઝરનેમના આધારે એકાઉન્ટ ચલાવવાની સુવિધા ઠગાઈ, ઓળખની નકલ, ફિશિંગ અને ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો વધારી શકે છે. ઉપરાંત, કાયદા અમલવારી એજન્સીઓ માટે તપાસ પણ વધુ મુશ્કેલ બની શકે છે.

સરકારનું કહેવું છે કે જો કોઈ એક પ્લેટફોર્મને કોઈ ફીચર શરૂ કરતા રોકવામાં આવે, જ્યારે અન્ય એપ્સમાં તે જ સુવિધા ચાલુ રહે તો તે યોગ્ય નથી. તેથી તમામ મેસેજિંગ પ્લેટફોર્મ્સ માટે સમાન નિયમો બનાવવામાં આવશે. અંતિમ નિર્ણય પહેલાં સરકાર વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ સહિત તમામ સંબંધિત પ્લેટફોર્મ્સ સાથે ચર્ચા કરશે.

નોંધનીય છે કે MeitY દ્વારા મોકલાયેલી નોટિસના જવાબમાં વોટ્સએપ અને ટેલિગ્રામ પોતાનો જવાબ સોંપી ચૂક્યાં છે અને તેમણે યુઝરનેમ ફીચરમાં રહેલા સુરક્ષા ઉપાયો અંગે સરકારને માહિતી આપી છે. બીજી તરફ સિગ્નલે હજુ સુધી પોતાનો જવાબ સોંપ્યો નથી.

આ દરમિયાન ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ પણ જણાવ્યું છે કે નિયમનકારી ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મેસેજિંગ એપ ‘અરટ્ટાઇ’માં યુઝરનેમ આધારિત એકાઉન્ટ ફીચર બંધ કરવામાં આવશે.

વોટ્સએપ હાલમાં એવા યુઝરનેમ ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યા વગર અન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. જોકે સરકારને આશંકા છે કે આ સુવિધાનો દુરુપયોગ કરીને ઠગો પોતાની ઓળખ છુપાવી વધુ સરળતાથી છેતરપિંડી આચરી શકે છે.