‘હું કોર્ટને આદેશ આપું છું’: સુપ્રીમ કોર્ટમાં હોબાળો, અરજદારે જજો તરફ ફેંક્યા કાગળો, CJIને ગાળો ભાંડી– વિડીયો વાયરલ

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે (10 જુલાઈ) એક અસામાન્ય ઘટના જોવા મળી, જ્યારે પોતાની જ રજૂઆત કરવા આવેલા એક અરજદારે સુપ્રીમ કોર્ટની બેન્ચ સાથે ઉદ્ધત વર્તન કર્યું. અરજદારે જજોને ‘Judicial Servant’ કહી સંબોધ્યા, પોતાને ‘Sovereign’ (સર્વભૌમ) ગણાવ્યો, બેન્ચને આદેશ આપવાની ભાષા વાપરી અને કોર્ટરૂમમાં અપશબ્દો પણ ઉચ્ચાર્યા. બાદમાં કોર્ટના અધિકારીઓ તેને બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેણે દસ્તાવેજો ફેંકીને ‘યે દે દેના CJI કો’ કહી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાનું નામ પણ લીધું.

અરજદારની ઓળખ પ્રબલ પ્રતાપ તરીકે થઈ છે. તે અલ્હાબાદ હાઇકોર્ટના એક આદેશને પડકારતી અરજીમાં પોતાની જ તરફથી દલીલો રજૂ કરી રહ્યો હતો. સુનાવણી દરમિયાન તેણે જસ્ટિસ કે. વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચને સંબોધીને કહ્યું, “Mister Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikas Nagar Lucknow.” એટલે કે તેણે લખનૌના વિકાસ નગરના ACP સામે FIR નોંધાવવાનો આદેશ બેન્ચને આપ્યો હતો.

અરજદારની આ ભાષા સાંભળીને જસ્ટિસ વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, “You are ordering us?” તેના જવાબમાં અરજદારે કહ્યું, “I am Sovereign.” ત્યારબાદ કોર્ટરૂમમાં સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

અરજદારે બાદમાં કેસ સંબંધિત દસ્તાવેજો હવામાં ઉછાળી દીધા હતા અને કોર્ટ સામે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કોર્ટના અધિકારીઓ તેને બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેણે, ‘Ye de dena CJI ko’ કહી દસ્તાવેજો ફેંક્યા હતા.

જોકે, આ સમગ્ર ઘટનાક્રમ છતાં સુપ્રીમ કોર્ટે અરજદારના વર્તનને લઈને કોઈ દંડાત્મક કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે પોતાના આદેશમાં નોંધ્યું કે, “અરજદારની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેની સામે કોઈ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રાખતા નથી.”

કોર્ટે અરજીના ગુણદોષના આધારે પણ વિચાર કર્યો હતો અને હસ્તક્ષેપ કરવા માટે કોઈ આધાર ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દેવામાં આવી હતી. સાથે જ વ્યક્તિગત રીતે હાજર રહી દલીલો કરવાની મંજૂરી અને અન્ય તમામ બાકી અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા મહિના પહેલાં જ એક અન્ય ઘટનામાં 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તે ઘટનાના અનુસંધાનમાં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ તેમની વકીલાત પર પ્રતિબંધ મૂકીને તેમને સસ્પેન્ડ કર્યા હતા.