પોકેટ વગરનાં કપડાં, પોલીસ વેરિફિકેશન ફરજિયાત: અયોધ્યા રામ મંદિરમાં ટ્રસ્ટના નવા નિયમો બાદ દાન ગણતા 23 કર્મચારીઓએ આપ્યાં રાજીનામાં

રામ જન્મભૂમિ મંદિરની દાનચોરીના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે હવે દાન ગણવાની પ્રક્રિયા માટે કડક સુરક્ષા અને વહીવટી નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો લાગુ થયા બાદ દાન ગણવાનું કામ કરતા 23 કર્મચારીઓએ રાજીનામાં આપી દીધાં છે.

નવા નિયમો અનુસાર હવે દાનપેટીમાં આવેલા રોકડની ગણતરી માટે અલગ વિશેષ ટીમ બનાવવામાં આવશે. અગાઉ હાઉસકીપિંગ સ્ટાફને પણ દાન ગણવાની જવાબદારી સોંપવામાં આવતી હતી, પરંતુ હવે તેમને ફરી તેમના મૂળ કામ પર મોકલવામાં આવશે.

ટ્રસ્ટે દાન ગણતા કર્મચારીઓ માટે પોકેટ વગરના કપડાં પહેરવા ફરજિયાત કર્યાં છે, જેથી ચોરી અથવા ગેરરીતિની કોઈ શક્યતા ન રહે. ઉપરાંત સમગ્ર પ્રક્રિયા દરમિયાન કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. મંદિર ખાતે કામ કરતા કર્મચારીઓ માટે પોલીસ દ્વારા ચકાસાયેલ કેરેક્ટર સર્ટિફિકેટ પણ હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

ટ્રસ્ટે દાન ગણવાની વ્યવસ્થામાં ફેરફાર કર્યા બાદ આ કામગીરી સાથે જોડાયેલા 23 કર્મચારીઓએ તેમને નોકરી પર રાખનારી કોન્ટ્રાક્ટ એજન્સીને રાજીનામાં સોંપ્યાં છે. હવે ટ્રસ્ટ નવા વેરિફિકેશન અને સુરક્ષા નિયમો હેઠળ નવા કર્મચારીઓની ભરતી કરશે.

ઉલ્લેખનીય છે કે રામ મંદિર દાનચોરી કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ સરકારે તપાસનો વ્યાપ વધારવા માટે SITને 1 જુલાઈએ વધુ 15 દિવસનો સમય આપ્યો હતો. તપાસ દરમિયાન અત્યાર સુધી આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

આ પહેલાં SIT તપાસ વચ્ચે ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તપાસ એ દાવાઓને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે કે ભક્તો દ્વારા અપાયેલ રોકડ અને કિંમતી દાનનો ગેરઉપયોગ અથવા ઉચાપત કરવામાં આવી હતી.