
ઉત્તરાખંડ, ગુજરાત, આસામ અને પશ્ચિમ બંગાળ બાદ વધુ એક ભાજપશાસિત રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ માટે તૈયારી કરી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં UCC માટે એક કમિટીની ઘોષણા કરી છે.
અગાઉનાં રાજ્યોની જેમ જ આ કમિટી યુસીસીના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપરત કરશે અને સરકાર તેના આધારે કાયદો લાવશે.
Maharashtra CM Devendra Fadnavis today announced committee to draft UCC rules in the state of Maharashtra under Former SC Justice Smt Ranjana Desai.
— ANI (@ANI) July 9, 2026
The Committee consists of three former judges from SC/HC, 1 constitutional expert, 1 former bureaucrat & 2 from social sector.…
મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં આ ઘોષણા કરી હતી. સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈ હશે. તેમની સાથે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ત્રણ પૂર્વ જજ, 1 બંધારણીય નિષ્ણાત, 1 પૂર્વ બ્યૂરોક્રેટ અને 2 વ્યક્તિઓ સામાજિક સેક્ટરમાંથી હશે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત બાકીનાં રાજ્યો જ્યાં UCC લાગુ કરવામાં આવ્યું છે તેમાંથી મોટાભાગનાં રાજ્યોની UCC ડ્રાફ્ટ તૈયાર કરનારી સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ દેસાઈ જ રહ્યાં છે.
મહારાષ્ટ્રની સમિતિમાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇ ઉપરાંત પૂર્વ હાઇકોર્ટ જજ આર. સી ચવ્હાણ, પૂર્વ હાઇકોર્ટ જજ એસ. જી મહેરે, પૂર્વ ચીફ સેક્રેટરી ડી. કે જૈન, પૂર્વ એ. જી બીરેન્દ્ર સરાફ, સામાજિક કાર્યકર્તા રમેશ પતંગે અને શિક્ષણવિદ્ ડૉ. સુવર્ણા રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિ પોતાની રીતે રાજ્યભરમાં હિતધારકો સાથે ચર્ચા કરીને UCCનો ડ્રાફ્ટ તૈયાર કરશે અને રાજ્ય સરકારને સોંપશે. ત્યારબાદ રાજ્ય સરકારની કેબિનેટ ડ્રાફ્ટને મંજૂરી આપશે અથવા સુધારા-વધારા હોય તો એ સૂચવશે. અંતિમ ડ્રાફ્ટ તૈયાર થયા બાદ કેબિનેટની મંજૂરીથી બિલ લાવવામાં આવશે. બિલ પાસ થયા બાદ UCC પસાર કરનારાં રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ ઉમેરાશે.
અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, ગુજરાત બિલ પસાર કરી ચૂક્યાં છે. આસામ કેબિનેટે બિલને મંજૂરી આપી દીધી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સમિતિની ઘોષણા થઈ ગઈ છે.

