હવે આસામ લાગુ કરશે UCC, હિમંતા સરકારની પ્રથમ કેબિનેટમાં મંજૂરી: ગુજરાત-ઉત્તરાખંડના કાયદા પર આધારિત હશે બિલ

આસામમાં સતત ત્રીજી વખત ભાજપ સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી. આ બાબતની જાણકારી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે (13 મે) એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન આપી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર આગામી 26 મેના રોજ વિધાનસભા સત્રના અંતિમ દિવસે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે આ બિલ મોટેભાગે ઉત્તરાખંડ અને ગુજરાતના કાયદાઓ પર જ આધારિત છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો અને તાજેતરમાં ગુજરાત સરકારે વિધાનસભાના બજેટ સત્રમાં કાયદાને પસાર કરાવ્યો હતો. ગુજરાતનો કાયદો પણ ઉત્તરાખંડ પર જ આધારિત છે. આસામમાં પણ આ બે રાજ્યના કાયદાને અનુરૂપ જ UCC બિલ તૈયાર કરવામાં આવ્યું છે.

આસામની ભૌગોલિક અને સામાજિક વિવિધતાને ધ્યાનમાં રાખીને હિમંતા સરમાએ એક સ્પષ્ટતા કરી રાજ્યની તમામ પહાડી અને મેદાની વિસ્તારોની જનજાતિઓને આ કાયદાના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. આદિવાસી સમુદાયોની વર્ષો જૂની ધાર્મિક વિધિઓ, રિવાજો અને પરંપરાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે આ કાયદાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત અને ઉત્તરાખંડમાં પણ બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત અનુસૂચિત જનજાતિ સમુદાયને UCCમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

સીએમ સરમાએ ઉમેર્યું કે આ પ્રસ્તાવિત કાયદાનો મુખ્ય હેતુ રાજ્યમાં સામાજિક સમાનતા લાવવાનો છે. UCC લાગુ થવાથી આસામમાં બહુપત્નીત્વ જેવી પ્રથાઓ પર પ્રતિબંધ આવશે. જોકે આના માટે રાજ્યમાં પહેલેથી એક કાયદો અમલમાં છે. આ ઉપરાંત, લગ્ન માટેની લઘુત્તમ વય નિર્ધારિત કરવી, મિલકતમાં દીકરીઓના સમાન અધિકારો અને લગ્ન તેમજ છૂટાછેડાનું ફરજિયાત રજીસ્ટ્રેશન જેવી કડક જોગવાઈઓ અમલમાં આવશે. એટલું જ નહીં ઉત્તરાખંડની જેમ આસામમાં પણ ‘લિવ-ઈન રિલેશનશિપ’માં રહેતાં યુગલો માટે નોંધણી કરાવવી અનિવાર્ય બનશે.

આ સિવાય આસામ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં વૈશ્વિક પરિસ્થિતિને જોતાં વડા પ્રધાન મોદીની સલાહ મુજબ કરકસર માટે અમુક પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. જે મુજબ આગામી 6 મહિના સુધી કોઈ નવી સરકારી ગાડીઓ ખરીદવામાં નહીં આવે અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારી વાહનોના ઈંધણ ખર્ચમાં 20%નો ઘટાડો કરવાનો અને માત્ર ઈલેક્ટ્રિક વાહનો ભાડે રાખવાનો નિર્ણય લેવાયો છે.