
રામજન્મભૂમિ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફાળવેલી 5 એકર જમીન પર તૈયાર થનારી મસ્જિદ હજુ કાગળ પર જ રહી છે. હવે જાણવા મળ્યું છે કે શરૂઆતમાં જે મોટી મસ્જિદ અને અન્ય સુવિધાઓનો પ્લાન બનાવ્યો હતો તેની ઉપર ચોકડી મૂકી દેવામાં આવી છે અને એક નાની મસ્જિદ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જોકે કામ તો તેનું પણ હજુ શરૂ થયું નથી.
અહીં નોંધનીય છે કે અયોધ્યાના વિવાદનો અંત આણીને સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિનો સંપૂર્ણ અધિકાર મંદિર ટ્રસ્ટને સોંપ્યો હતો અને મસ્જિદ માટે મુસ્લિમ સમુદાયને અયોધ્યાની બહાર ધન્નીપુરમાં પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટના આદેશનું પાલન કરતાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને 5 એકર જમીન ફાળવી આપી હતી.
આ જમીન પર ઇન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન એક મસ્જિદનું નિર્માણ કરવાનું હાટુ. જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તેમાં પાંચ એકર જમીન પર ભવ્ય મસ્જિદનું નિર્માણ કરીને ત્યાં લાઇબ્રેરી અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનાં પણ સપનાં જોયાં હતાં. પરંતુ હવે આ બધા પર પાણી ફરી ગયું છે.
‘રૉયટર્સ’ના એક રિપોર્ટ અનુસાર ફાઉન્ડેશનનું કહેવું છે કે તેમની પાસે મસ્જિદ બનાવવા માટે પૂરતું ભંડોળ જ નથી અને સમુદાય પણ ખાસ રસ દાખવી રહ્યો નથી. જેના કારણે હવે પહેલાં જે આયોજન હતું તેનાથી અત્યંત નાની મસ્જિદ બનાવવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલ અને લાઇબ્રેરી વગેરેનું નિર્માણ પણ કરવાની હવે કોઈ યોજના નથી.
હવે ફાઉન્ડેશન એક નાની મસ્જિદ બનાવવા વિચારી રહ્યું છે. જોકે તેના માટે જેટલું ભંડોળ જોઈએ તે પણ હજુ એકઠું થઈ શક્યું નથી. ફાઉન્ડેશન અનુસાર આ મસ્જિદ માટે 3 કરોડથી પાંચ કરોડના ફંડની જરૂર છે, પણ અત્યાર સુધી માત્ર દોઢ કરોડ જ એકઠા થઈ શક્યા છે. એટલે નાની મસ્જિદ પણ બનશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

