12%થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત: શું છે શેડ્યૂલ H1 અને કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

દવાઓના નશા તરીકે થતા ગેરકાયદેસર ઉપયોગ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ડ્રગ્સ રૂલ્સ, 1945’માં મહત્વનો સુધારો કરીને 12%થી વધુ ઇથાઈલ આલ્કોહોલ ધરાવતી અને 30 મિલીલીટરથી (ml) મોટી બોટલમાં વેચાતી તમામ પીવાની દવાઓને (ઓરલ ફોર્મ્યુલેશન) ‘શેડ્યૂલ H1’ (Schedule H1) કેટેગરીમાં મૂકી દીધી છે. સરકારના આ નિર્ણયથી હવે આવી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે નહીં.

નોંધનીય છે કે બજારમાં મળતી કેટલીક કફ સિરપ અને ટોનિકમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે. ઘણા લોકો મેડિકલ સ્ટોર પરથી આવી દવાઓ સીધી ખરીદીને તેનો ઉપયોગ નશા માટે કરતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી. અગાઉ કફ સિરપના કારણે કેટલાક રાજ્યોમાં બાળકોનાં મોતના કિસ્સા પણ સામે આવ્યા હતા. આ નશાખોરી અને દવાઓની હેરાફેરી અટકાવવા માટે ડ્રગ કન્સલ્ટેટિવ ​​કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની ભલામણ બાદ સરકારે આ કડક કાયદો અમલમાં મૂક્યો છે.

શેડ્યૂલ H1 શું છે?

શેડ્યૂલ H1 એ ભારતના ડ્રગ્સ એક્ટ હેઠળની એક ખાસ શ્રેણી છે, જેમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેના પર સરકાર કડક દેખરેખ રાખવા માંગે છે. સામાન્ય રીતે આ યાદીમાં એન્ટીબાયોટીક્સ અને નશીલી હાઈ-રિસ્ક દવાઓ સામેલ હોય છે. હવે આલ્કોહોલ યુક્ત દવાઓ આ શ્રેણીમાં આવતા મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ દવાઓ વેચતી વખતે ખરીદનારનું નામ, ડૉક્ટરનું નામ અને દવાનો વિગતવાર રેકોર્ડ એક અલગ રજિસ્ટરમાં રાખવો પડશે અને આ રેકોર્ડ ત્રણ વર્ષ સુધી સાચવવો પડશે.

સરકારના આ નિર્ણયથી સામાન્ય દર્દીઓએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ દવાઓ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જે દર્દીઓને ખરેખર આ દવાની જરૂર છે, તેઓ ડૉક્ટરના સાચા પ્રિસ્ક્રિપ્શન સાથે મેડિકલ સ્ટોર પરથી સરળતાથી આ દવા મેળવી શકશે. આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સામાન્ય જનતાને જરૂરી દવાઓ સરળતાથી મળતી રહે, પરંતુ સાથે જ કોઈ તેનો નશાના વિકલ્પ તરીકે દુરુપયોગ ન કરી શકે.