ખામેનેઈનાં પોસ્ટર હટાવવા મામલે યુપી પોલીસ સામેની મુસ્લિમ સંગઠનની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, કહ્યું- આના પર સુનાવણી ન હોય

અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ સામેની એક જાહેર હિતની અરજી (PIL) સાંભળવાનો ઈનકાર કરીને તેને ફગાવી દીધી છે. એક મુસ્લિમ સંગઠને કરેલી આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે લોકોને તેમની ખાનગી મિલકતો પર ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા સૈયદ અલી ખામેનેઈ અને અન્ય મજહબી નેતાઓના ફોટા શાંતિપૂર્વક લગાવવા દેવામાં આવે અને પોલીસ તેમાં દખલ ન કરે.

જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ મંજીવ શુક્લાની બેન્ચે જણાવ્યું કે અરજીમાં પોલીસની દખલગીરી અંગે ખૂબ જ સામાન્ય અને અસ્પષ્ટ વાતો લખવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા અસ્પષ્ટ અને વગર પુરાવાના દાવાઓ પર જાહેર હિતની અરજી (PIL) દ્વારા કોઈ મોટો આદેશ આપી શકાય નહીં.

અદાલતે નોંધ્યું કે અરજીમાં એવું કોઈ ચોક્કસ સ્થળ, ઘર કે દુકાનનું ઉદાહરણ આપવામાં આવ્યું નથી કે જ્યાં પોલીસે ગેરકાયદેસર રીતે પોસ્ટર હટાવ્યાં હોય. પોલીસે ક્યારે અને કેવી રીતે આવી કાર્યવાહી કરી, તેનો કોઈ ચોક્કસ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.

કોર્ટે વધુમાં જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ પોલીસ અધિકારી સામે ફરિયાદ હોય તો તેના માટે કાયદામાં યોગ્ય ઉપાયો પહેલેથી જ હાજર છે. પીડિત વ્યક્તિ સીધી કાયદાકીય ફરિયાદ કરી શકે છે, પરંતુ તેના બદલે આખા રાજ્યની પોલીસ માટે આવો સામાન્ય આદેશ જાહેર ન કરી શકાય.

આ અરજી ‘મજલિસ ઉલેમા-એ-હિંદ’ નામની સંસ્થાએ કરી હતી. તેમનો આરોપ હતો કે શિયા સમુદાયના મજહબી શોક દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ આયતોલ્લા સૈયદ અલી ખામેનેઈ અને આયતોલ્લા સૈયદ અલી અલ-સિસ્તારી જેવા વૈશ્વિક નેતાઓના પોસ્ટરો ગેરકાયદેસર રીતે હટાવી રહી છે અને લોકોને પરેશાન કરે છે.

નોંધનીય છે કે આ વિવાદ તાજેતરમાં અમેરિકા-ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના નેતા અલી ખામેનેઈના અવસાન અને ત્યારબાદ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ વચ્ચે સામે આવ્યો છે.