ઓમાનના દરિયાકાંઠા નજીક કમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીય નાગરિકો હતા સવાર: 10ને બચાવાયા, 1 હજુ લાપતા

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે ત્યારે તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠા નજીક સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં 11 ભારતીય નાવિકો સવાર હતા, જેમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. એક નાગરિક હાલ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે.

સાયપ્રસનો ધ્વજ ધરાવતું આ જહાજ ઓમાનના બંદરેથી 9 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેમાં આગ લાગી ગઈ હોવાનું જણાવાય રહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, ઈરાને જહાજ પર વૉર્નિંગ શૉટ ફાયર કર્યા હતા, જેના કારણે આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ઈરાને અમેરિકાના હુમલાઓનું કારણ આપીને ફરીથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરી દીધું છે. ઈરાને પછીથી કારણ આપ્યું કે જહાજ વિવાદિત જળસીમામાંથી પરવાનગી વગર જઈ રહ્યું હોવાથી ઈરાનની સેનાએ ચેતવણી આપવા માટે ફાયરિંગ કર્યું હતું.

બીજી તરફ અમેરિકાએ ઈરાનને આ અવળચંડાઈ બદલ દોષી ઠેરવીને ફરીથી હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પણ વળતો જવાબ આપવાની વાત કહી છે, જેના કારણે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.

ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું કે ઓમાનના દરિયાકાંઠા નજીક એક કમર્શિયલ કન્ટેનર શિપ પર થયેલા હુમલા બાદ કુલ 11માંથી 10 ભારતીય નાવિકોને બચાવી લેવામાં આવ્યા છે અને એક હજુ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે.

ભારતે સાથે કહ્યું છે કે કમર્શિયલ જહાજો પર સતત થતા હુમલા ચિંતાજનક છે. ભારત સરકાર ફરી એક વખત સંઘર્ષ સમાપ્ત કરીને વાતચીત તરફ વળવા પર ભાર મૂકે છે, જેથી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાય રહે. સરકારે સ્પષ્ટ કર્યું કે કમર્શિયલ શિપિંગ અને સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ સમુદ્રમાર્ગમાં સુરક્ષા પરત સ્થાપિત કરવી જોઈએ.

આ પહેલાં પણ અમેરિકા અને ઈરાનની ધમાલમાં અનેક કમર્શિયલ જહાજોને ટાર્ગેટ કરવામાં આવતાં રહ્યાં છે. આ ઉદ્યોગમાં ભારતીય સમુદાયનો હિસ્સો મોટો હોવાના કારણે પ્રબળ શક્યતાઓ રહે છે કે કોઈને કોઈ જહાજમાં ભારતીય નાવિકો હોય જ છે. થોડા સમય પહેલાં થયેલા એક હુમલામાં અમુક ભારતીય નાગરિકોનાં મોત પણ થયાં હતાં.