ફરી ઈરાન પર તૂટી પડ્યું અમેરિકા, હોર્મુઝ બંધ કરીને તેહરાને પણ ચડાવી બાંયો: મધ્યપૂર્વમાં ફરી સંભળાયા ધડાકા

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાએ રવિવારે (12 જુલાઈ) ઈરાનનાં અનેક લશ્કરી ઠેકાણાં પર નવા હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ M/V GFS Galaxy પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. બીજી તરફ ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરતાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા આ વિસ્તારમાંથી પોતાનો હસ્તક્ષેપ બંધ નહીં કરે ત્યાં સુધી આ માર્ગ ખુલશે નહીં.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર M/V GFS Galaxy જહાજના એન્જિન રૂમને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને એક નાગરિક ક્રૂ સભ્ય ગુમ હોવાનું સામે આવ્યું છે. યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સે (UKMTO) પણ જણાવ્યું કે ઓમાનના પૂર્વમાં હુમલાગ્રસ્ત કન્ટેનર જહાજના ક્રૂએ જહાજ છોડીને લાઇફબોટમાં આશરો લીધો હતો.

અમેરિકાના હુમલાઓ બાદ ઈરાની સરકારી મીડિયાએ અનેક બંદર શહેરોમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) દાવો કર્યો કે તેણે અમેરિકાના સહયોગી દેશ જોર્ડનમાં આવેલા એક સૈન્ય બેઝના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ડ્રોન હેંગરોને નિશાન બનાવ્યા છે.

આ દરમિયાન સંઘર્ષનો વ્યાપ અન્ય ખાડી દેશો સુધી પણ પહોંચ્યો છે. સંયુક્ત આરબ અમીરાતે (UAE) જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમોએ ઈરાન તરફથી આવેલા મિસાઇલ અને ડ્રોનને અટકાવવાની કાર્યવાહી કરી હતી. કતરે મિસાઇલ હુમલો નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો હતો, જ્યારે બહેરિનમાં સાઇરન વાગ્યા અને દોહામાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ઈરાને આરોપ લગાવ્યો છે કે અનેક જહાજોએ ‘અનધિકૃત માર્ગ’ પરથી હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો અને ચેતવણી છતાં પોતાનો માર્ગ બદલ્યો નહોતો. ઈરાને દાવો કર્યો કે તેની ચેતવણીરૂપે ચલાવવામાં આવેલી ગોળી એક જહાજને વાગી હતી, જેના પછી સ્ટ્રેટ ફરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. IRGCએ કહ્યું છે કે ‘અમેરિકી હસ્તક્ષેપનો અંત ન આવે ત્યાં સુધી’ હોર્મુઝ ખુલશે નહીં.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ શનિવારે અમેરિકી સમય મુજબ સાંજે લગભગ 7:15 વાગ્યે હુમલાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં ઈરાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે તો મધ્યપૂર્વમાં આવેલા ‘નવા દુશ્મન ઠેકાણાં’ને પણ નિશાન બનાવવામાં આવશે.

આ તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ઓમાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલો મુજબ ઓમાનમાં ઈરાન અને ઓમાની પ્રતિનિધિઓ વચ્ચે હોર્મુઝમાં જહાજોની સુરક્ષિત અવરજવર અંગે ટેકનિકલ અને રાજકીય સ્તરે ચર્ચા ચાલુ છે.

આ દરમિયાન ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ મોજતબા ખામેનેઈએ પણ નિવેદન જાહેર કરીને પોતાના પિતા અને પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ‘શહીદ નેતા અને તમામ શહીદોના લોહીનો બદલો લેવામાં આવશે.’

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સતત હુમલાઓને કારણે સમગ્ર મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જોકે અમેરિકાએ જહાજો પરના હુમલા બંધ કરવા અને હોર્મુઝમાં અવરજવર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે, ત્યારે બીજી તરફ ઈરાન હજુ પણ પોતાના વલણ પર અડગ જોવા મળી રહ્યું છે. ઓમાનની મધ્યસ્થતાથી ચાલી રહેલી વાતચીતમાંથી કોઈ ઉકેલ નીકળે છે કે નહીં, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે.