
પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ એક FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદ એક મહિલાએ નોંધાવી છે, જેણે જણાવ્યું કે અભિષેક બેનર્જીએ શરૂ કરાવેલા ‘સેવાશ્રય’ મેડિકલ કેમ્પમાં સારવારમાં બેદરકારીના કારણે તેમણે પગ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે અભિષેક બેનર્જી અને અન્ય 10 વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
જાન્યુઆરી 2026માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં હતી અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી હતી ત્યારે અભિષેક બેનર્જીએ ‘સેવાશ્રય’ કેમ્પ શરૂ કરાવ્યા હતા. આ યોજનામાં અનિયમિતતાઓ મામલે પહેલેથી બે FIR દાખલ કરવામાં આવી ચૂકી છે.
ત્રીજી FIR એક મહિલાની ફરિયાદ પર દાખલ કરવામાં આવી. દક્ષિણ 24 પરગણા જિલ્લાની વતની માલતી બિશ્વાસે ફરિયાદમાં જણાવ્યું કે થોડા મહિના અગાઉ ઘૂંટણમાં દુઃખાવાના કારણે તેઓ સેવાશ્રય મેડિકલ કેમ્પમાં ગયાં હતાં. ત્યાં તેમને અમુક દવા લખી આપવામાં આવી હતી.
થોડા સમયમાં સ્થિતિ વધુ વણસી જેથી તેઓ અન્ય એક સેવાશ્રય કેમ્પમાં ગયાં હતાં. મહિલાએ આરોપ લગાવ્યો કે કેમ્પમાં ડૉક્ટરોએ તેમની પાસે સારવાર માટે મોટી રકમની માંગ કરી હતી અને પોતે પૈસા આપવામાં અસમર્થતા દર્શાવતાં ડૉક્ટરોએ મહિલાને સરકારી હોસ્પિટલ મોકલી આપ્યાં હતાં.
મહિલા પછીથી સરકારી મેડિકલ હોસ્પિટલ ગયાં, જ્યાં ડૉક્ટરોએ ચકાસતાં જાણવા મળ્યું કે જમણો પગ કામ કરતો બંધ થઈ ગયો છે અને તેને કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પગ ગુમાવ્યા બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રબીન્દ્રનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે FIR દાખલ કરીને અભિષેક બેનર્જી વગેરેને આરોપી બનાવ્યા હતા. હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

