
ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના ‘મિશન ફાઇવ મિલિયન ટ્રી’ અંતર્ગત રવિવારે (12 જુલાઈ) 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે AMC, ઔડા અને માર્ગ-મકાન વિભાગનાં લગભગ ₹405 કરોડના પ્રોજેક્ટનાં લોકાર્પણ-શિલાન્યાસ પણ થયા.
સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક અને 155 એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
प्रकृति संरक्षण और हरित विकास की दिशा में एक और कदम बढ़ाते हुए, गांधीनगर लोकसभा क्षेत्रवासियों ने इस मानसून की शुरुआत में ही 1 करोड़ से अधिक पेड़ लगाने का कार्य किया है।
— Amit Shah (@AmitShah) July 12, 2026
आज अहमदाबाद में गांधीनगर लोकसभा क्षेत्र के लिए वृक्षारोपण अभियान का शुभारंभ किया तथा ₹405 करोड़ की विभिन्न… pic.twitter.com/g3OoXOwKoq
કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, “ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ ‘જન અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પાર પાડવામાં આવશે.”
સાથે તેમણે કહ્યું કે અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ના આહ્વાનથી પ્રેરાઈને આ અભિયાન હવે એક જનઆંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના 1,37,812 નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ 28,544 નાગરિકોએ આ સંકલ્પ લીધો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહ પ્રધાને કહ્યું કે જે વૃક્ષો રોપવામાં આવ્યાં છે એમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે આજે રોપેલાં આ વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે.
અમિત શાહે કહ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં હરિયાળીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવશે. આ જ ક્રમમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન રોકવા માટે 80 BRTS અને 75 AMTSની ઇલેક્ટ્રિક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભામાં કુલ ₹28,492 કરોડનાં કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે.
ગૃહમંત્રી શાહે આગળ કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા તેમાંથી 61 નવા પાર્ક ગાંધીનગર મતવિસ્તારમાં આવેલા છે, જેની સાથે કુલ સંખ્યા 73 પર પહોંચી છે.
કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના ઉદ્દેશથી ITC India Ltd., વિશ્વનાથ રીઅલ્ટર્સ, એસોસિએશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ અને શિતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, GUDA સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત ત્રણ વર્ષ સુધી તેના જતન માટે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.

