ગીરના સિંહોના બદલાયેલા મિજાજને લઈને ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક, માનવ-સિંહ સંઘર્ષથી લઈને લાયન લેન્ડસ્કેપ સુધીના મુદ્દાઓ પર થશે ચર્ચા

ગીરના સિંહોના બદલાયેલા વર્તન અને છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓને લઈને ગુજરાત સરકાર હવે ગંભીર બની છે. આ મુદ્દે આજે (13 જુલાઈ) ગાંધીનગરમાં રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે, જેમાં લાયન લેન્ડસ્કેપ વિસ્તારના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (DCF), કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CF) સહિતના વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.

માહિતી અનુસાર બેઠકમાં છેલ્લા કેટલાક સમયથી ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોના બદલાયેલા વર્તન પાછળનાં કારણોનું વિશ્લેષણ કરવામાં આવશે. ખાસ કરીને સિંહોનું માનવ વસાહતો તરફ વધતું આવાગમન, મનુષ્યો પ્રત્યેનું બદલાતું વર્તન અને તેના કારણે સર્જાતી પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા થશે.

સરકાર એ પણ જાણવા માંગે છે કે ગીર લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં માનવીય દખલ, ઇકો-સેન્સિટિવ ઝોન, ફેન્સિંગ તથા અન્ય પરિબળોની સિંહોના વર્તન પર કેટલી અસર પડી રહી છે. આ ઉપરાંત સિંહોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં જ રાખવા અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટે કયા નવાં પગલાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

વન વિભાગના અધિકારીઓ પાસેથી વિવિધ વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન લેવામાં આવશે. વિવિધ ડિવિઝનના DCF અને CF પોતાના વિસ્તારમાં સિંહોની હિલચાલ, હુમલાની ઘટનાઓ, માનવ વસાહતોમાં પ્રવેશ અને અત્યાર સુધી લેવામાં આવેલાં પગલાં અંગે માહિતી રજૂ કરશે.

તાજેતરના સમયમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહો દ્વારા માનવ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો પહેલાં જ અમરેલી જિલ્લાના અંટાળિયા ગામ પાસે ગેરકાયદે સિંહદર્શન દરમિયાન મેટિંગ કરતા સિંહ યુગલને પજવવાના બનાવમાં સોહેલ મુજાવરનું મોત થયું હતું. આ કેસમાં વન વિભાગે રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજાની ધરપકડ કરીને વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ધારી વિસ્તારમાં માનવ પર હુમલા કરનાર ‘ભગત’ નામના સિંહને કાયમી કેદમાં રાખવાનો નિર્ણય પણ તાજેતરમાં ચર્ચામાં રહ્યો છે. આ બંને સહિતની ઘટનાઓ બાદ ગીરના સિંહોના વર્તન અને સંરક્ષણ વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

બેઠકમાં એ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે કે થોડાં વર્ષો પહેલાં પ્રવાસીઓને સિંહોની અત્યંત નજીક લઈ જઈ ફોટોગ્રાફી અને વિડીયો બનાવવા જેવી પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક કાર્યવાહી કરી હતી. તેમ છતાં હજુ પણ કેટલીક જગ્યાએ આવા બનાવો સામે આવી રહ્યા છે, જે સિંહોના કુદરતી વર્તન પર અસર કરી શકે છે.

ગુજરાત સરકાર માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં માત્ર સિંહોના સંરક્ષણ પૂરતું નહીં, પરંતુ ગીર લાયન લેન્ડસ્કેપમાં વન્યજીવ અને માનવ વચ્ચે સંતુલન જાળવવા માટેના આગામી પગલાં અંગે પણ નિર્ણાયક ચર્ચા થવાની શક્યતા છે.