થાઈલેન્ડના બેંગકોકના પબમાં ભીષણ આગ: 27 લોકોનાં મોત, 63 ઘાયલ; વીજળી ગુલ થયા બાદ વિસ્ફોટ થતાં સર્જાઈ દુર્ઘટના

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રવિવારે (12 જુલાઈ) મોડી રાત્રે એક લાઇવ મ્યુઝિક પબમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે, જ્યારે 63 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 22 લોકોની હાલત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. દેશના તાજેતરના વર્ષોમાં મનોરંજન સ્થળે લાગેલી આ સૌથી જીવલેણ આગની ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે.

આગ ચાતુચાક (Chatuchak) જિલ્લામાં આવેલા Rong Beer Na Lat Phrao નામના પબમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 11:57 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડે અંદાજે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખું સ્થળ ગાઢ ધુમાડાથી ઘેરાઈ જતાં મોટી જાનહાનિ થઈ હતી.

થાઈલેન્ડનાં વડાં પ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને 27 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર તમામ 63 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 22ની હાલત અત્યંત ગંભીર છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્ટેજ પાસે આવેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પબમાં હાજર સંગીતકારોના જણાવ્યા અનુસાર થોડા જ સમયમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ત્યારબાદ વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ આખું સ્થળ ગાઢ ધુમાડાથી ભરાઈ ગયું, જેના કારણે અંદર હાજર લોકોને બહાર નીકળવાનો સમય જ મળ્યો નહોતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ધુમાડો એટલો ઝડપથી ફેલાયો કે થોડી જ ક્ષણોમાં કંઈ દેખાતું નહોતું. બચીને બહાર આવેલા એક સંગીતકારે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટ બાદ લોકો ભાગવાનો પ્રયાસ પણ કરી શક્યા નહોતા અને મોટાભાગના લોકો શ્વાસ લેવામાં તકલીફ થતાં જમીન પર પડી ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગભરાટમાં ઘણા લોકો પબના પાછળના ભાગમાં આવેલા શૌચાલય તરફ દોડી ગયા હતા, પરંતુ ત્યાં બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી તેઓ અંદર જ ફસાઈ ગયા. કેટલાક મૃતદેહો ફાયર એક્ઝિટ નજીક પણ મળી આવ્યા છે. તપાસકર્તાઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે ફાયર એક્ઝિટ કોઈ કારણસર અવરોધિત તો નહોતી ને. બચાવકર્મીઓએ જણાવ્યું કે અંદર પડેલા ટેબલ અને અન્ય ફર્નિચરના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આગ કરતાં વધુ જીવલેણ સાબિત થયેલો ધુમાડો હતો, જે થોડા જ સમયમાં સમગ્ર પબમાં ફેલાઈ ગયો હતો. મોટાભાગના ઘાયલો ધુમાડો શ્વાસમાં જતાં બેભાન થયા હતા.

ઘટનામાં અનેક કલાકારો પણ પ્રભાવિત થયા છે. સ્થાનિક ગાયિકા સુકન્યા વોંગવોંગવાઈએ જણાવ્યું કે તેમના બેન્ડના એક સભ્યનું મોત થયું છે, ત્રણ સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક સભ્ય હજુ પણ ગુમ છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે પબ પાસે જરૂરી પરવાનગીઓ અને ફાયર એક્ઝિટ હતી, પરંતુ આગ એટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ અને ધુમાડાએ સમગ્ર ઇમારતને મિનિટોમાં કેવી રીતે ઘેરી લીધી, તે અંગે ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.