છોટાઉદેપુરમાં 25 આદિવાસીએ ખ્રિસ્તી પંથ છોડી હિંદુ ધર્મમાં કરી ઘરવાપસી: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની હાજરીમાં લીધો શ્રીરામનો મંત્ર

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે એક વિશેષ કાર્યક્રમમાં 25 લોકોએ ફરીથી સનાતન ધર્મમાં ‘ઘરવાપસી’ કરી છે. આ કાર્યક્રમનું આયોજન ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’ના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ આશ્રમનું ઉદ્ઘાટન દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમની ઉપસ્થિતિમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી.

આદિવાસી બહુલ છોટાઉદેપુર વિસ્તારમાં અગાઉ ખ્રિસ્તી મિશનરીઓ લોભ-લાલચ કે ભોળવીને ધર્મ પરિવર્તન કરાવતા હોવાની આ ઘટનાઓ સામે આવી હતી. જોકે, આ 25 લોકોએ સ્વેચ્છાએ ગંગાજળ હાથમાં લઈને ભગવાન શ્રીરામનો મંત્ર સ્વીકારીને પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હતો. આ સમગ્ર પ્રક્રિયાને ‘સુધર્મા નયન’ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “અમે કોઈ ખ્રિસ્તીને હિંદુ નથી બનાવી રહ્યા, પરંતુ જેઓ મૂળ હિંદુ હતા અને કોઈ કારણસર અન્ય ધર્મમાં જતા રહ્યા હતા, તેમને અમે પાછા લાવી રહ્યા છીએ. આ આપણી સંસ્કૃતિ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે ‘સ્વધર્મ નયન યાત્રા’ કરી રહ્યા છે.

વાસણા ગામ ખાતે શરૂ કરવામાં આવેલા આ નવા આશ્રમનો ઉદ્દેશ્ય સનાતન ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત આ આશ્રમ આદિવાસી વિસ્તારોના વિવિધ ગામડાઓ સુધી પહોંચશે. આ સંસ્થાનો મુખ્ય હેતુ લોકોને સનાતન ધર્મના રીતિ-રિવાજો અને પરંપરાઓ વિશે માર્ગદર્શન આપીને તેમને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો રહેશે.