હોમપેજક્રાઈમએસિડ હુમલો, 400થી વધુ ઘા, નાળામાંથી મળ્યો હતો મૃતદેહ: જે અંકિત શર્મા...

એસિડ હુમલો, 400થી વધુ ઘા, નાળામાંથી મળ્યો હતો મૃતદેહ: જે અંકિત શર્મા હત્યાકાંડમાં દોષી ઠર્યો તાહિર હુસૈન, એ સમગ્ર કેસ શું છે?

સાડા છ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી તપાસ અને ટ્રાયલ બાદ આખરે આ કેસમાં ચુકાદો આવી ગયો છે. દિલ્હીની કોર્ટે AAPના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે અંકિત શર્માની હત્યા ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંદુવિરોધી રમખાણો દરમિયાન રચાયેલા મોટા ગુનાહિત ષડયંત્રનો ભાગ હતી.

- Advertisement -

ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા હિંસક હિંદુવિરોધી રમખાણો ભારતના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એક છે. આ રમખાણો માત્ર અચાનક ફાટી નીકળેલી હિંસા નહોતી, પરંતુ હિંદુ સમુદાયને નિશાન બનાવવા માટે ઘડાયેલું સુનિયોજિત ષડયંત્ર હતું. આ હિંસાનો સૌથી ભયાનક અને કંપાવી દેનારો ચહેરો IBના યુવા સુરક્ષા સહાયક અંકિત શર્માની નિર્મમ હત્યામાં જોવા મળ્યો હતો.

આ ઘાતકી કેસનો કિનપિંગ આમ આદમી પાર્ટીનો (AAP) તત્કાલીન કોર્પોરેટર તાહિર હુસૈન હતો. દિલ્હીની કડકડડૂમા કોર્ટે પણ સ્વીકાર્યું છે કે આ હત્યા હિંદુ સમુદાયને નિશાન બનાવવાના એક મોટા ગુનાહિત ષડયંત્રનો ભાગ હતી. અંકિત શર્માની હત્યા માત્ર વ્યક્તિગત અદાવત નહોતી, પરંતુ રમખાણો દરમિયાન બહુમતી સમાજના લોકોને ભયભીત કરવાનો એક પૂર્વનિયોજિત હિસ્સો હતી. હવે કોર્ટે આ કેસમાં ચુકાદો આપીને તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યો છે. જોકે, સજા નક્કી કરવા માટે આ મામલે અલગથી સુનાવણી કરવામાં આવશે, એ પહેલાં એક નજર એ ક્રૂર હત્યાકાંડ પર ઠેરવવી જરૂરી છે.

શું હતો સમગ્ર મામલો?

ફેબ્રુઆરી 2020ના છેલ્લા અઠવાડિયામાં દિલ્હીના ખજૂરી ખાસ, ચાંદ બાગ અને દયાલપુર જેવા વિસ્તારો CAAવિરોધી પ્રદર્શનોના નામે હિંસાની આગમાં સળગી રહ્યા હતા. આ દરમિયાન 25 ફેબ્રુઆરી 2020ના રોજ 26 વર્ષીય આઈબી અધિકારી અંકિત શર્મા રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. અંકિત શર્મા 2017માં આઈબીમાં જોડાયા હતા અને તેમના પિતા રવિન્દર શર્મા પણ આઈબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

- Advertisement -

25 ફેબ્રુઆરીની સાંજે આશરે 4:30 વાગ્યે અંકિત શર્મા ફરજ પરથી ઘરે પરત ફર્યા હતા. બહાર હિંસા અને પથ્થરમારો થતો જોઈને તેઓ વાતાવરણ શાંત પાડવા અને શું ચાલી રહ્યું છે તે જોવા માટે તેમના બે મિત્રો સાથે બહાર નીકળ્યા હતા. અંકિત વિસ્તારમાં જાણીતો ચહેરો હતા અને બંને પક્ષના લોકોને ઓળખતા હોવાથી તેઓ મામલો શાંત કરાવવા માંગતા હતા.

પરંતુ, ચાંદ બાગ પુલિયા નજીક તાહિર હુસૈનની આગેવાની હેઠળના હિંસક ટોળાએ અંકિત શર્માને ઘેરી લીધા હતા. ટોળું તેમને અને તેમના મિત્રોને બળજબરીપૂર્વક ઢસડીને તાહિર હુસૈનના ચાર માળના મકાનની અંદર લઈ ગયું હતું. જ્યારે સ્થાનિક હિંદુઓએ અંકિતને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તાહિર હુસૈનની બિલ્ડિંગ પરથી સંગઠિત રીતે પથ્થરો, પેટ્રોલ બૉમ્બ અને એસિડની બોટલોનો ભારે વરસાદ કરવામાં આવ્યો, જેથી કોઈ અંકિત સુધી પહોંચી ન શકે. 27 ફેબ્રુઆરીના રોજ તાહિર હુસૈનનાં ઘરની પાછળ આવેલાં એક નાળામાંથી (ગટરમાં) અંકિત શર્માનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો.

ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી હત્યા

અંકિત શર્માની હત્યા સામાન્ય નહોતી, પરંતુ અત્યંત ક્રૂર અને રાક્ષસી વૃત્તિથી કરવામાં આવી હતી. જ્યારે તેમનો મૃતદેહ નાળામાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેઓ માત્ર અંડરવેરમાં હતા અને આખા શરીર પર અસંખ્ય ઘા હતા. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર અંકિત શર્માના શરીર પર 400થી વધુ વખત તીક્ષ્ણ હથિયારોથી પ્રહાર કરવામાં આવ્યા હતા. સત્તાવાર ચાર્જશીટમાં 51 જેટલા ગંભીર અને ઊંડા ઘા નોંધાયા હતા, જે તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવ્યા હતા.

તબીબોની પેનલના મતે અંકિત શર્માને મારી નાખતા પહેલાં 4થી 6 કલાક સુધી સતત અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ કૃત્યમાં ઓછામાં ઓછા 6 લોકો એકસાથે સામેલ હોવાની આશંકા હતી. ટોળાએ અત્યંત નિર્દયતાપૂર્વક તેમની આંતરડીઓ બહાર ખેંચી કાઢી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમણે તેમના જીવનમાં ક્યારેય આટલી ભયાનક વિકૃતિ (mutilation) જોઈ નહોતી. એટલું જ નહીં, અંકિતની ઓળખ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે તેમના ચહેરા પર એસિડ ફેંક્યું હોવાના પણ પુરાવા મળી આવ્યા હતા.

અંકિત શર્માની હત્યા અંગે તેમના પિતા રવિન્દર શર્માએ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ FIRમાં તેમણે તાહિર હુસૈન અને તેના માણસો પર સીધો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 25 ફેબ્રુઆરીએ અંકિત ઘરની બહાર નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારે ખજૂરી ખાસ, દયાલપુર પોલીસ સ્ટેશનો અને નજીકની હોસ્પિટલોમાં શોધખોળ કરી હતી. ક્યાંય પતો ન મળતાં 26 ફેબ્રુઆરીએ સત્તાવાર ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી.

રવિન્દર શર્માએ જ્યારે પાડોશીઓ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે અંકિત તેના મિત્ર કલ્લુ અને અન્ય લોકો સાથે બહાર ગયા હતા અને ચાંદ બાગ નાળા પાસે કોઈના પર હુમલો કરીને લાશ નાળામાં ફેંકી દેવાઈ છે. પોલીસ અને ડાઇવર્સની મદદથી નાળામાંથી અંકિતની લાશ કાઢવામાં આવી ત્યારે તેના ચહેરા, છાતી અને પીઠ પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. અંકિતના ભાઈ અંકુર શર્માએ પણ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે, “અંકિતે પોતાની ઓળખ IB ઑફિસર તરીકે આપી હોવા છતાં મુસ્લિમ ટોળાંએ તેને જીવતો ન છોડ્યો.”

તાહિર હુસૈન હતો હિંદુવિરોધી રમખાણોનો મુખ્ય આરોપી

તપાસ દરમિયાન સામે આવ્યું કે તાહિર હુસૈન માત્ર એક સામાન્ય સહભાગી નહોતો, પરંતુ તે ઉત્તર-પૂર્વ દિલ્હીના એન્ટી-હિંદુ રમખાણોનો મુખ્ય આયોજક હતો. તાહિર હુસૈનનું ચાર માળનું મકાન હિંસા ફેલાવવાનું મુખ્ય મથક બની ગયું હતું. રમખાણો શાંત થયા બાદ જ્યારે મીડિયા અને પોલીસે ત્યાં મુલાકાત લીધી ત્યારે ધાબું પથ્થરો, એસિડ પાઉચ, કોલ્ડ્રિંકની બોટલોમાંથી બનાવેલા પેટ્રોલ બૉમ્બ અને મોટા લોખંડના ગોફણથી ભરેલું હતું.

સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો સામે આવ્યા જેમાં સેંકડો લોકો તાહિરના ઘરના ધાબા પરથી પથ્થરમારો કરી રહ્યા હતા. એક વિડીયોમાં તાહિર હુસૈન પોતે હાથમાં લાકડી લઈને ધાબા પર ઊભો રહીને ટોળાંને નિર્દેશો આપતો અને પથ્થરમારો કરાવતો જોવા મળ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ચાર્જશીટ મુજબ તાહિર હુસૈને રમખાણોના ઘણા સમય પહેલાં એટલે કે 8 જાન્યુઆરી 2020ના રોજ શાહીન બાગ ખાતે ‘ઇન્ડિયા અગેન્સ્ટ હેટ’ ગ્રુપના ઉમર ખાલીદ અને ખાલીદ સૈફી સાથે મુલાકાત કરીને આખું પ્લાનિંગ કર્યું હતું.

આ ઉપરાંત તાહિર હુસૈન પર શેલ (નકલી) કંપનીઓના માધ્યમથી રમખાણો માટે ગેરકાયદેસર નાણાં મેળવવાનો અને મની લોન્ડરિંગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. તાહિરે પોતાના બચાવ માટે રમખાણો દરમિયાન PCR પર કૉલ કર્યા હતા જેથી તે સાબિત કરી શકે કે તે પોતે ફસાયેલો હતો. પરંતુ તપાસમાં સાબિત થયું કે આ કોલ માત્ર બહાનું બનાવવા માટે કરવામાં આવ્યા હતા જેથી તે કાયદાની પકડમાંથી બચી શકે અને હવે દિલ્હી કોર્ટે પણ તેને અંકિત શર્માની હત્યાના કેસમાં દોષિત જાહેર કર્યો છે.

તાહિરને બચાવવા લેફ્ટ ઇકોસિસ્ટમે કરેલ ધમપછાડા 

જ્યારે અંકિત શર્માની ક્રૂર હત્યા અને તાહિર હુસૈનની સંડોવણીના પુરાવા સામે આવ્યા ત્યારે લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમ અને કથિત ફેક્ટચેકર તરીકે ઓળખાતી વેબસાઇટ ‘અલ્ટ ન્યુઝ ‘ અને તેના કટ્ટરપંથી પત્રકારો તાહિર હુસૈનને બચાવવા મેદાને આવ્યાં હતાં. 27 ફેબ્રુઆરી 2020ના રોજ AAPના તત્કાલીન પ્રવક્તા પ્રિન્સ સોનીએ એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તાહિર હુસૈન દાવો કરતો હતો કે તે નિર્દોષ છે અને રમખાણખોરોએ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી છે.

અલ્ટ ન્યુઝે આ શંકાસ્પદ વિડીયોના આધારે લેખ લખીને તાહિરને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સોશિયલ મીડિયા યુઝર્સે પકડી પાડ્યું કે આ વિડીયો સંપૂર્ણપણે ડબિંગ અને ગ્રીન સ્ક્રીન એડિટિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.

ચાર્જશીટ અને કોર્ટમાં ચાલેલી ટ્રાયલ

જૂન 2020માં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં હજારો પાનાંની મુખ્ય ચાર્જશીટ અને ત્યારબાદ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. ઑગસ્ટ 2020માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ચાર્જશીટ પર સંજ્ઞાન (Cognizance) લેતા કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એ સાબિત થાય છે કે તાહિર હુસૈન 24 અને 25 ફેબ્રુઆરીએ ચાંદ બાગ પુલિયા નજીક મસ્જિદ અને પોતાના ઘર પરથી હિંસક ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો. કોર્ટે નોંધ્યું કે તાહિરે પોતાના સમુદાયના લોકોને એવું કહી ઉશ્કેર્યા હતા કે કોઈ પણ હિંદુ બચીને જવો જોઈએ નહીં.

અંકિત શર્માની હત્યાની સાથે સાથે તાહિર હુસૈન રમખાણો માટે પૈસા ક્યાંથી લાવ્યો તેની પણ ટ્રાયલ ચાલી રહી હતી, જેમાં ED સામેલ હતી. તપાસ દરમિયાન કોર્ટ સામે પુરાવા આવ્યા કે તાહિર હુસૈને પોતાની માલિકીની અને કેટલીક નકલી કંપનીઓમાંથી મોટાપાયે રોકડ નાણાં ઉપાડ્યાં હતાં. આ નાણાંનો ઉપયોગ રમખાણો માટે પથ્થરો, એસિડ અને પેટ્રોલ બૉમ્બ ખરીદવા તેમજ રમખાણો કરનારાઓને વહેંચવા માટે કરવામાં આવ્યો હતો, જેના આધારે જાન્યુઆરી 2023માં અદાલતે તાહિર વિરુદ્ધ પીએમએલએ (PMLA) હેઠળ ગુનાહિત નાણાકીય સહાયના આરોપો નક્કી કર્યા હતા.

ટ્રાયલનો સૌથી મોટો અને નિર્ણાયક વળાંક 23 માર્ચ 2023ના રોજ આવ્યો જ્યારે એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમચલાની કોર્ટે તાહિર હુસૈન અને અન્ય 10 આરોપીઓ સામે હત્યા, રમખાણો અને ગુનાહિત ષડયંત્રના આરોપો નક્કી કર્યા. કોર્ટે ટ્રાયલ દરમિયાન તમામ દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું કે આરોપીઓની આખી ગેંગ એકસાથે કામ કરી રહી હતી અને તેમનો સ્પષ્ટ હેતુ હિંદુ સમુદાયના લોકોને જાનમાલનું નુકસાન પહોંચાડવાનો હતો.

અદાલતે વધુમાં સ્વીકાર્યું કે તાહિર હુસૈને તેના ઘરનાં ધાબાનો ઉપયોગ લોજિસ્ટિક સપોર્ટ માટે કર્યો હતો અને તે જ ભીડને ઉશ્કેરીને દિશા બતાવી રહ્યો હતો. કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ સ્પષ્ટ કર્યું કે અંકિત શર્માની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ એક હિંદુ હતા. તાહિર હુસૈન, અનસ, ફિરોઝ અને જાવેદ સહિતના તમામ 10 આરોપીઓ પર આઈપીસીની કલમ 302 (હત્યા), 120B (ગુનાહિત ષડયંત્ર) અને 153A (ધાર્મિક અશાંતિ ફેલાવવી) જેવી ગંભીર કલમો હેઠળ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.

ટ્રાયલ દરમિયાન તાહિર હુસૈને અનેક વખત દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજીઓ કરી હતી, પરંતુ અદાલતે તેની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટે પ્રત્યક્ષદર્શીઓની જુબાનીઓનો હવાલો આપતા કહ્યું કે સાક્ષીઓએ તાહિરને ઘટનાસ્થળે બિલ્ડિંગ પર હિંસાનું સંચાલન કરતા પ્રત્યક્ષ જોયો છે. અદાલતે એ પણ નોંધ્યું કે જો આવા હિંસક કેસના મુખ્ય સૂત્રધારને જામીન આપવામાં આવે તો તે ટ્રાયલ દરમિયાન સરકારી સાક્ષીઓ અને અંકિત શર્માના પરિવારને ડરાવી-ધમકાવી શકે છે.

ત્યારબાદ ચાલેલી ટ્રાયલ દરમિયાન સાક્ષીઓની ઉલટતપાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓની રજૂઆત કરવામાં આવી હતી. સાયબર સેલે તાહિર હુસૈનના મોબાઈલનું લોકેશન અને કૉલ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા જેનાથી સાબિત થયું કે તે રમખાણો વખતે તેના ઘરે જ હાજર હતો. તપાસ એજન્સીએ હત્યામાં વપરાયેલો છરો અને તાહિરની પિસ્તોલ પણ FSLના રિપોર્ટ સાથે કોર્ટમાં રજૂ કરી હતી.

સાડા છ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી તપાસ અને ટ્રાયલ બાદ આખરે આ કેસમાં ચુકાદો આવી ગયો છે. દિલ્હીની કોર્ટે AAPના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે અંકિત શર્માની હત્યા ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંદુવિરોધી રમખાણો દરમિયાન રચાયેલા મોટા ગુનાહિત ષડયંત્રનો ભાગ હતી. હવે આગામી સુનાવણીમાં તાહિર હુસૈનને ફટકારવામાં આવનારી સજા અંગે નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં