ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ એક્શનમાં સરકારી તંત્ર, હારીજના ‘ઝાપટપરા’ને ‘ઇસ્લામપુરા’ દર્શાવતા દસ્તાવેજોમાં તાત્કાલિક સુધારા કરવાના આદેશ

પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકા વિસ્તારમાં રેશનકાર્ડના સરકારી ડેટાબેઝમાં હારીજના પરંપરાગત અને ઐતિહાસિક એવા ‘ઝાપટપરા’ વિસ્તારનું નામ કોઈપણ સત્તાવાર ઠરાવ વિના ઓનલાઇન સરકારી સિસ્ટમ અને દસ્તાવેજોમાં બદલીને ‘ઇસ્લામપુરા’ કરી દેવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સૌપ્રથમ ઑપઇન્ડિયાએ ઉઠાવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને તપાસ કરી હતી અને સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિશ્વ હિંદુ પરિષદ (VHP), બજરંગ દળ અને સ્થાનિક રહીશોએ રેશનકાર્ડમાં થયેલી આ વ્યાપક વિસંગતતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો. હિંદુ સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ સૌપ્રથમ ઑપઇન્ડિયાએ પણ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને સમગ્ર મામલાને ઉજાગર કરતો એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ દરમિયાન સામે આવ્યું હતું કે હારીજ સિનેમા રોડ પર આવેલા ઝાપટપરા વિસ્તારના અંદાજે 48 પરિવારોના ડિજિટલ રેશનકાર્ડમાં આ મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ તંત્ર એક્શનમાં

ઑપઇન્ડિયાના અહેવાલ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને પાટણના કલેક્ટર પ્રશાંત જિલોવા અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ડી.કે. મજેતરે હારીજ મામલતદારને આ બાબતે ત્વરિત તપાસ કરવાના આદેશ આપ્યા છે. હારીજના ઈન્ચાર્જ મામલતદાર વીરેન્દ્ર વામદેવે જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆત બાદ ઓનલાઇન ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. આગામી બે દિવસમાં તમામ સરકારી રેકોર્ડ અને ડિજિટલાઈઝ્ડ રેશનકાર્ડમાંથી ‘ઇસ્લામપુરા’ નામ દૂર કરી ફરીથી પરંપરાગત નામ ‘ઝાપટપરા’ દાખલ કરવાની સુધારા કામગીરી હાથ ધરાઈ છે.

જિલ્લા પ્રશાસન અને સત્તાવાર અધિકારીઓ આ ગંભીર બાબત પર પડદો પાડતા એવો બચાવ કરી રહ્યા છે કે આ માત્ર એક ‘ટેક્નિકલ અને ડેટા એન્ટ્રીની ભૂલ’ છે. તંત્રના જણાવ્યા અનુસાર વર્ષ 2011માં જ્યારે જૂના રેશનકાર્ડમાંથી નવા બારકોડેડ રેશનકાર્ડ બનાવવાની ડિજિટલાઈઝેશન કામગીરી ચાલી રહી હતી ત્યારે કેટલાક અરજદારોએ ફોર્મમાં સરનામાં તરીકે સ્થાનિક મસ્જિદ આસપાસના વિસ્તારનું નામ ‘ઇસ્લામપુરા’ લખાવ્યું હતું, જે કમ્પ્યુટર ઑપરેટરો દ્વારા ભૂલથી આખા ગામ કે વિસ્તારના નામ તરીકે અપલોડ થઈ ગયું હતું! જોકે, આમાં ભૂલ કરતાં સુનિયોજિત ષડ્યંત્રની ગંધ વધુ આવી રહી છે.

‘ટેક્નિકલ ભૂલ’ કે ષડયંત્ર!

જોકે, તંત્ર ભલે ગમે તેટલા બચાવ કરે અને આને 15 વર્ષ જૂની માત્ર એક સામાન્ય ‘ટેક્નિકલ ભૂલ’ ગણાવતું હોય, પરંતુ જમીની હકીકત જોતાં આવી કોઈ સામાન્ય ટેક્નિકલ ભૂલ થવી સંભવ નથી. કોમ્પ્યુટર કે સોફ્ટવેર પોતાની મેળે કોઈ પરંપરાગત હિંદુ વસ્તી ધરાવતા વિસ્તારનું નામ બદલી શકતું નથી. ટેક્નિકલ કે ટાઈપિંગની સામાન્ય ભૂલમાં સ્પેલિંગ કે અક્ષરો આઘાપાછા થઈ શકે, પરંતુ ‘ઝાપટપરા’નું સીધેસીધું જ ‘ઇસ્લામપુરા’ નામ ક્યારેય ન થઈ જાય.

આ કોઈ અકસ્માત કે ક્લાર્કની ભૂલ નથી, પરંતુ સરકારી દસ્તાવેજોમાં હેરાફેરી કરીને વિસ્તારનું સાંસ્કૃતિક અને ભૌગોલિક નામ બદલી નાખવાનું એક સુનિયોજિત ષડયંત્ર હોવાની પૂરેપૂરી આશંકા છે. આ પ્રકારની બેદરકારી પાછળ કોનો હાથ હતો, 2011માં જ્યારે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે તત્કાલીન ઑપરેટરો કે અધિકારીઓની આમાં કોઈ મિલીભગત છે કે કેમ અને આટલા વર્ષો સુધી આ ખેલ કેમ ચાલતો રહ્યો, તેની માત્ર ઉપરછલ્લી સુધારા પ્રક્રિયા ન કરતાં ઉચ્ચ સ્તરીય કાયદેસરની તપાસ થાય તે જરૂરી છે.