દિલ્હીનાં હિંદુ વિરોધી રમખાણોના આશરે 6 વર્ષ બાદ આઈબીના કર્મચારી અંકિત શર્મા હત્યાકાંડ મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન સહિત 5 ઇસમોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ ‘ઑપઇન્ડિયા’ની ટીમ ફરી એકવાર એ સ્થળ પર પહોંચી જ્યાં અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી. તાહિર હુસૈનના એ ચાર માળના મકાનમાંથી જ હિંદુઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. અહીં જ અંકિત શર્માની પણ નિર્મમ હત્યા થઈ હતી. હત્યા પછી અંકિતની લાશ પર એસિડ રેડીને લાશ નાળામાં ફેંકી દેવામાં આવી હતી.
આ ઘટનાના આશરે 6 વર્ષ પછી અમે દિલ્હી હિંદુ વિરોધી રમખાણોના એ જ પ્રભાવિત વિસ્તાર ચાંદ બાગમાં પહોંચ્યા, જ્યાં અંકિત શર્માની હત્યાના દોષિત તાહિર હુસૈનનું બહુમાળી મકાન આવેલું છે. 60 ફૂટ રોડ પર લોકોની અવરજવર સામાન્ય દિવસોની જેમ જ ચાલુ હતી અને બજાર પણ સંપૂર્ણપણે ખુલ્લું જોવા મળ્યું. રોડની બંને બાજુએ અત્યારે નાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા એક મુસ્લિમ વ્યક્તિ સાથે જ્યારે અમે કોર્ટના ચુકાદા અને દિલ્હીના રમખાણો અંગે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, “મેં તે દ્રશ્ય મારી પોતાની આંખોથી જોયું હતું. બહાર ભારે ભીડ એકઠી થઈ હતી જે એકબીજા પર પથ્થરમારો કરી રહી હતી. હું ગલીમાં દુકાન ચલાવું છું.” તાહિર હુસૈનને દોષિત ઠેરવવા અંગે તેમણે કહ્યું કે આ કોર્ટનો નિર્ણય છે અને તેઓ આ બાબતે કંઈ કહી શકે નહીં.
એક પછી એક મુસ્લિમો બોલ્યા- ‘તાહિર હુસૈનને ફસાવવામાં આવી રહ્યો છે’
તાહિર હુસૈનની સામેની ગલીમાં આવેલી એક દુકાન પર ઉભેલા હાફિઝે કહ્યું, “ઘટના સમયે હું અહીં હાજર નહોતો, પરંતુ મેં સાંભળ્યું છે કે તેઓ (તાહિર હુસૈન) નિર્દોષ છે. તાહિર હુસૈનને રાજકારણના ભાગરૂપે ફસાવવામાં આવ્યા છે. કદાચ જો તેઓ કોર્પોરેટર ન હોત તો આવું ન થયું હોત.”
નાળાની નજીક આવેલી મસ્જિદ સામે ઉભેલા એક મુસ્લિમ વ્યક્તિએ કોર્ટના ચુકાદા પર જણાવ્યું કે જો આ કાયદા મુજબનો નિર્ણય હોય તો તે યોગ્ય છે, પરંતુ અહીંના પુરાવાઓને કોઈ સ્વીકારતું નથી. તેમણે કોર્ટના ચુકાદા પર કટાક્ષ કરતાં કહ્યું કે, “અહીં જો કાલા પાની હોય તો આગળ જતાં તે સફેદ થઈ જશે અને જો આગળ સફેદ હોય તો તે આગળ વધીને લાલ થઈ જશે.” કહેવાનો અર્થ એવો હતો કે પુરાવાઓ બદલી શકાય છે અને અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે અને દર્શાવવામાં કંઈક બીજું જ આવી રહ્યું છે.
હિંદુ વસ્તીની વચ્ચે દરજીની દુકાન ચલાવતા મોહમ્મદ હનીફ નામના એક વૃદ્ધે કોર્ટના ચુકાદા પર કહ્યું કે તેઓ આ બાબતે કંઈ કહી શકે નહીં કારણ કે તે સમયે તેઓ અહીં હાજર નહોતા, પરંતુ તેમની દુકાનને પણ આગ ચાંપવામાં આવી હતી. તેમણે આગળ ઉમેર્યું કે, “અમને પણ મોટું નુકસાન થયું હતું, પરંતુ તે સમયે તો પોલીસની દેખરેખ હેઠળ જ તાહિર હુસૈન પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે, તાહિર હુસૈન અંકિત શર્માની હત્યાનો ગુનેગાર નથી પરંતુ એક ટોળું હતું અને જે કંઈ પણ કર્યું તે એ ટોળાએ જ કર્યું હતું.
ઑપઇન્ડિયાએ તાહિર હુસૈનના ઘરમાં શું જોયું?
ત્યારબાદ અમે તાહિર હુસૈનના એ ચાર માળના મકાનમાં પહોંચ્યા જેની છત પર ચડીને ઉપદ્રવીઓએ હિંદુઓને નિશાન બનાવ્યા હતા. બહાર લાગેલા એક મોટા લોખંડના ગેટ પર ‘શૉ ઇફેક્ટ એડવર્ટાઈઝિંગ વર્ક’ના નામથી બે બોર્ડ લાગેલાં હતાં. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ બિલ્ડિંગમાં અત્યારે કેટલીક નાની-મોટી ફેક્ટરીઓ ચાલે છે અને સાથે જ ઘણા ભાડૂતો પણ અહીં રહે છે. ગેટમાં પ્રવેશ કર્યા પછી અમે છત પર જવાનો પ્રયત્ન કર્યો.
આ એ જ છત છે જ્યાંથી પછીથી રમખાણોની તપાસ કરતી પોલીસે એક મોટી ગુલેલ, પેટ્રોલ બૉમ્બ અને મોટી માત્રામાં ઈંટ-પથ્થર જપ્ત કર્યાં હતાં. જોકે અમે સીડીઓ ચડીએ તે પહેલાં જ ઇસ્લામ નામના ચોકીદારે રોકી દીધા અને ઉપર જવાની ના પાડી દીધી. કોર્ટના ચુકાદા અંગે પૂછવા પર તેનું કહેવું હતું કે કોર્ટે તાહિર હુસૈનને ખોટી રીતે દોષિત ઠેરવ્યો છે.
ઇસ્લામે કહ્યું કે, “તેઓ ખોટાં કામ નથી કરતા. તેઓ તો ફેક્ટરી ચલાવતા હતા અને લાકડાનું કામ કરતા હતા. પોલીસ પ્રશાસને તાહિરને ફસાવવા માટે ખોટા પુરાવા એકઠા કર્યા છે. તેમને વર્તમાન સરકાર ફસાવી રહી છે. કેજરીવાલે પણ તાહિરનો સાથ ન આપ્યો, ઊલટાનું તેમને ફસાવ્યા જ. તાહિરને ફસાવવા માટે જ અહીં ઈંટો-પથ્થરો, ગુલેલ અને બૉમ્બ એક ષડયંત્રના ભાગરૂપે મુકવામાં આવ્યાં હતાં. અહીં એવું કંઈ જ નહોતું, તોફાનીઓનું ટોળું બળજબરીથી આ ઘરમાં ઘૂસી ગયું હતું અને છત પર ચડી ગયું હતું.”
દરમ્યાન પત્ની સાથે છત પરથી નીચે ઉતરી રહેલા મુન્ના નામના વ્યક્તિએ જણાવ્યું કે તાહિર હુસૈન તેનો ભત્રીજો છે. તેણે આગળ કહ્યું, “અમારો તાહિર નિર્દોષ છે. અલ્લાહ બધું જાણે છે. તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેણે આજ સુધી કોઈને લાફો પણ નથી માર્યો.” આ જ વાતને આગળ વધારતાં મુન્નાની પત્નીએ કહ્યું કે, “તેણે (તાહિર) પહેલાં ક્યારેય એક ઉંદરને પણ નથી માર્યો. અમે નાનપણથી તેને ઉછેર્યો છે. તેણે હંમેશા ગરીબ દીકરીઓના નિકાહ કરાવ્યા છે.” આગળ તે કહે છે, “ગઈકાલથી (કોર્ટનો આદેશ આવ્યા પછી) આખું ઘર હિબકે ચડ્યું છે. અમે કોઈને કંઈ કહી પણ નથી શકતા. બસ અમારા તાહિરને ન્યાય મળવો જોઈએ. અમને નથી ખબર કે અંકિત શર્માને કોણે માર્યો છે.”
અહીં ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020માં CAA અને NRCના વિરોધના બહાને દિલ્હીમાં થયેલા હિંદુ વિરોધી રમખાણો દિલ્હીના મુસ્તફાબાદથી શરૂ થઈને શિવપુરી, જાફરાબાદ, સીલમપુર, ચાંદ બાગ વગેરે દિલ્હીના અનેક વિસ્તારોમાં ફેલાઈ ગયાં હતાં. જેમાં 56થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન થયેલી IB કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં આશરે 6 વર્ષ બાદ દિલ્હીની કડકડડૂમા કોર્ટે 12 આરોપીઓમાંથી તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને હવે આ કેસમાં સજાની જાહેરાત થવાની બાકી છે.


