દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ કાર્યકાળ દરમ્યાન પણ ચલાવતા હતા ગેસ એજન્સી, BPCLએ રદ કરી ડીલરશિપ

જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ

દિલ્હી હાઇકોર્ટમાં વર્ષો સુધી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવાનિવૃત્ત થયેલા જજ સિદ્ધાર્થ મૃદુલ વિવાદમાં ફસાયા છે. આરોપ છે કે ન્યાયાધીશ જેવા બંધારણીય પદ પર હોવા છતાં તેઓ ‘કિચન ફ્લેમ’ નામની એક LPG ડિસ્ટ્રિબ્યુટર એજન્સી ચલાવી રહ્યા હતા. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (BPCL) વારંવાર મોકલેલી નોટિસોનો કોઈ જવાબ ન આપતાં કંપનીએ 6 જુલાઈના રોજ આ એજન્સીનું ડીલરશિપ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.

ભારતમાં ન્યાયતંત્રની ગરિમા અને સ્વતંત્રતા જાળવી રાખવા માટે ન્યાયાધીશો માટે ખૂબ જ કડક આચારસંહિતા બનાવવામાં આવી છે. નિયમો અનુસાર કોઈ પણ સરકારી કે બંધારણીય કોર્ટના ન્યાયાધીશ પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ ખાનગી વ્યવસાય કરી શકતા નથી, ન તો કોઈ કંપની સાથે વ્યાપારી સંબંધો રાખી શકે છે. જસ્ટિસ મૃદુલે ન્યાયાધીશ હોવા છતાં આ વ્યવસાય ચાલુ રાખીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે.

આ મામલાની વિગતો મુજબ, સિદ્ધાર્થ મૃદુલને વર્ષ 1984માં BPCLએ આ ગેસ એજન્સી ફાળવી હતી. ત્યારબાદ 1986માં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2008માં તેમની નિમણૂક દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે થઈ અને નવેમ્બર 2023માં તેઓ મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. નવેમ્બર 2024માં તેઓ નિવૃત્ત થયા, પરંતુ આ સમગ્ર કારકિર્દી દરમિયાન તેમની ગેસ એજન્સી સતત ચાલુ રહી હતી.

કરારનું વારંવાર રિન્યુઅલ

આ સમયગાળા દરમિયાન BPCL અને જસ્ટિસ મૃદુલ વચ્ચેના ડિસ્ટ્રિબ્યુટર કરારનું 1995, 2005, 2010, 2015 અને છેલ્લે 2025માં બે વાર રિન્યુઅલ કરવામાં આવ્યું હતું, જે આગામી 2030 સુધી માન્ય હતું. આ કરાર પર ન્યાયાધીશના ફોટા અને સહી પણ હોવાનું ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ દસ્તાવેજોના આધારે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યું છે. BPCLના જણાવ્યા અનુસાર, જસ્ટિસ મૃદુલે ક્યારેય કંપનીને એ જાણ નહોતી કરી કે તેઓ ન્યાયિક સેવામાં પૂર્ણકાલીન ન્યાયાધીશ તરીકે કાર્યરત છે, જે કરારની શરતોની વિરુદ્ધ છે.

આ સમગ્ર વિવાદ ત્યારે જાહેરમાં આવ્યો જ્યારે જસ્ટિસ મૃદુલની આ ગેસ એજન્સી સંભાળતા મેનેજર દીપક યાદવના અવસાન બાદ તેમની વિધવા પત્ની મોનિકા યાદવે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. મોનિકા યાદવે કોર્ટમાં અરજી કરીને વિનંતી કરી હતી કે આ એજન્સીની માલિકી તેમના નામે ટ્રાન્સફર (રીકોન્સ્ટિટ્યુટ) કરવામાં આવે. આ વિવાદ અને ત્યારબાદ ડિસેમ્બર 2025માં થયેલી એક ફરિયાદને કારણે આખો મામલો જાહેર જનતા સામે આવ્યો.

રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી હાઇકોર્ટની વેબસાઈટ પર જસ્ટિસ મૃદુલની કોઈ સંપત્તિ જાહેર કરવામાં આવી નથી, જ્યારે મણિપુર હાઇકોર્ટની વેબસાઈટ પર પણ આવો કોઈ રેકર્ડ ઉપલબ્ધ ન હતો. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, જ્યારે આ બાબતે પૂર્વ ન્યાયાધીશનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આક્ષેપોને ખોટા ગણાવીને વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સંપત્તિ મામલે તેમણે કહ્યું કે, “વેબસાઈટ પર રેકર્ડ હોવા જોઈએ. અસલ દસ્તાવેજો ચીફ જસ્ટિસ પાસે જમા હોય છે.”