હોમપેજદુનિયાબ્રિટનમાં 40 વર્ષ જૂનું હિંદુ મંદિર 'ઈસ્લામિક મિશન'ને વેચી દેવાતાં વિવાદ, હાઇકોર્ટમાં...

બ્રિટનમાં 40 વર્ષ જૂનું હિંદુ મંદિર ‘ઈસ્લામિક મિશન’ને વેચી દેવાતાં વિવાદ, હાઇકોર્ટમાં અપીલ: શું છે સમગ્ર મામલો

ધાર્મિક સ્થળોની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો 'રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી' અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના અહેવાલો મુજબ, આજે સમગ્ર યુકેમાં આશરે 1,200થી 1,500 જેટલી મસ્જિદો અને પ્રેયર હોલ કાર્યરત છે, જ્યારે તેની સરખામણીએ સમગ્ર યુકેમાં હિંદુ મંદિરોની સંખ્યા માત્ર 180ની આસપાસ જ છે.

- Advertisement -

યુકેના ઇંગ્લેન્ડનું પીટરબરો શહેર છેલ્લા કેટલાક મહિનાઓથી એક એવા વિવાદના કેન્દ્રમાં છે જેણે માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વભરના હિંદુ સમાજનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લગભગ ચાર દાયકાથી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર રહેલા એક હિંદુ મંદિરની જમીન મુસ્લિમ સંસ્થાને વેચવાના નિર્ણય સામે હવે કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. એક તરફ સ્થાનિક હિંદુ સમાજ મંદિર વેચવાના આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક કાઉન્સિલનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયા કાયદેસર અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર વિવાદને સમજવા માટે સૌથી પહેલાં પીટરબરોના ભારત હિંદુ સમાજ (Bharat Hindu Samaj) વિશે જાણવું જરૂરી બને છે. 1980ના દાયકામાં સ્થાનિક ભારતીય મૂળના હિંદુ પરિવારો દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1986માં પીટરબરોના ન્યુ ઈંગ્લેન્ડ કૉમ્પ્લેક્સમાં આવેલા એક ભાગમાં મંદિરની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી અહીં નિયમિત પૂજા, ધાર્મિક ઉત્સવો, સંસ્કારવિધિઓ, બાળકો માટે સાંસ્કૃતિક શિક્ષણ અને અનેક સામાજિક કાર્યક્રમો યોજાતા રહ્યા. સમય જતાં આ મંદિર માત્ર પ્રાર્થનાનું સ્થળ ન રહ્યું પરંતુ સ્થાનિક હિંદુ સમાજની ઓળખ અને સાંસ્કૃતિક એકતાનું કેન્દ્ર બની ગયું.

વિવાદનાં મૂળ ત્યાં છે કે હવે પીટરબરો સિટી કાઉન્સિલે પોતાના દેવા અને બજેટ નુકસાનને પહોંચી વળવા માટે ‘ન્યૂ ઈંગ્લેન્ડ કૉમ્પ્લેક્સ’ની હરાજી કરીને એક મુસ્લિમ સંસ્થા ‘યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન’ને (UKIM) વેચવાનો નિર્ણય કર્યો છે. કાઉન્સિલના આ નિર્ણય સામે સ્થાનિક હિંદુઓમાં ભારે રોષ છે.

- Advertisement -

આ હિંદુ મંદિરનો ઇતિહાસ બ્રિટનમાં હિંદુ સમુદાયના સંઘર્ષ સાથે જોડાયેલો છે. વર્ષ 1972માં યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર ઇદી અમીન દ્વારા હાંકી કાઢવામાં આવેલા ભારતીય મૂળના હિંદુ પરિવારોએ બ્રિટનમાં આવીને આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. વિસ્થાપનનું દુઃખ સહન કરનારા આ પરિવારો માટે આ મંદિર એક આશરો અને આધ્યાત્મિક ઘર સમાન રહ્યું છે.

તેથી હવે કાઉન્સિલના આ નિર્ણયથી નારાજ થઈને ભારત હિંદુ સમાજે બ્રિટનની હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ સમગ્ર વેચાણ પ્રક્રિયાને કાયદાકીય પડકાર આપ્યો છે. હિંદુ સંગઠનનો આરોપ છે કે કાઉન્સિલે નિર્ણય લેતી વખતે કાયદાકીય જોગવાઈઓ અને સમાનતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

2025માં શરૂ થયો સમગ્ર વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. આરોપ છે કે 2025માં પીટરબરો સિટી કાઉન્સિલે બ્રિટનના મુસ્લિમ સંગઠન ‘યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન’ની (UKIM) બિડને ગુપ્ત રીતે સ્વીકારી લીધી હતી. કાઉન્સિલના આ એકતરફી, પક્ષપાતી અને ઓચિંતા નિર્ણય બાદ મંદિર ટ્રસ્ટના સભ્યોએ વહીવટીતંત્રના હિંદુ વિરોધી વલણ સામે મોરચો માંડ્યો હતો.

હિંદુ સમુદાયનું સ્પષ્ટ માનવું છે કે કોઈપણ જાહેર સંપત્તિ કે જે હજારો લોકોની આસ્થા સાથે જોડાયેલી હોય, તેના વેચાણમાં માત્ર ‘સૌથી વધુ કિંમત’ જ નિર્ણાયક પરિબળ ન હોઈ શકે. મંદિર ટ્રસ્ટે ભારપૂર્વક દલીલ કરી છે કે જે સંપત્તિ છેલ્લાં 40 વર્ષથી એક આખા ધાર્મિક સમુદાયના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું મુખ્ય કેન્દ્ર રહી હોય તેને માત્ર થોડા પાઉન્ડના નાણાકીય લોભમાં અન્ય સંગઠનને વેચી શકાય નહીં. કાઉન્સિલ આ પવિત્ર સ્થળને એક સામાન્ય જમીનના ટુકડા કે કમર્શિયલ બિલ્ડિંગની જેમ જોઈ રહી છે, જે અત્યંત આઘાતજનક બાબત છે.

મંદિર સમિતિ 2017થી કરી રહી છે જમીન ખરીદવાનો પ્રયાસ

મંદિર પ્રબંધન સમિતિના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષ 2017થી આ જમીન ખરીદવા માટે કાઉન્સિલ સાથે સત્તાવાર વાટાઘાટો કરી રહ્યા હતા. શરૂઆતમાં મંદિર ટ્રસ્ટે કાઉન્સિલ સમક્ષ આશરે £1.3 મિલિયનમાં (આશરે 13 લાખ પાઉન્ડ) આ મિલકત ખરીદવાની લેખિત તૈયારી બતાવી હતી અને તેમને સકારાત્મક આશ્વાસન પણ મળ્યું હતું, પરંતુ અંતિમ ક્ષણે કાઉન્સિલે પીછેહઠ કરી હતી.

સમિતિનું કહેવું છે કે વર્ષ 2025માં કાઉન્સિલે આ મિલકતને અચાનક ઓપન માર્કેટમાં મૂકી દીધી અને હિંદુ સમુદાયને નવી બોલી લગાવવા માટે માત્ર 2 અઠવાડિયાંનો અત્યંત ટૂંકો સમય આપ્યો. આ નીલામીમાં મુસ્લિમ સંગઠન UKIMએ £1.4 મિલિયનની ઊંચી બોલી લગાવી, જ્યારે ભારત હિંદુ સમાજે £900,000ની સાથે પોતાનાં 40 વર્ષનાં સામાજિક કાર્યોનું સામાજિક મૂલ્ય પણ જોડ્યું હતું, જેને પૂર્વગ્રહ રાખીને કાઉન્સિલે નકારી કાઢ્યું.

ત્યારબાદ હિંદુ સમુદાય પીટરબરો સિટી કાઉન્સિલની આંતરિક સર્વોચ્ચ સમિતિ એટલે કે સ્ક્રુટિની કમિટી (Scrutiny Committee) સમક્ષ આ મુદ્દો લઈ ગયો. આ સમિતિનું મુખ્ય વહીવટી કામ કાઉન્સિલના મનસ્વી, પક્ષપાતી અને વિવાદાસ્પદ નિર્ણયોનું પુનર્મૂલ્યાંકન કરીને તે યોગ્ય સરકારી પ્રક્રિયા અનુસાર લેવાયા છે કે નહીં તેની તટસ્થ સમીક્ષા કરવાનું હોય છે.

સ્ક્રુટિની કમિટી સમક્ષ રજૂઆત કરતા ભારત હિંદુ સમુદાયે પુરાવા સાથે જણાવ્યું કે વેચાણ પ્રક્રિયા શરૂ થતાં પહેલાં હિંદુ સમુદાય સાથે કાઉન્સિલના અધિકારીઓની જે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હતી, તેને કાઉન્સિલે અંતિમ નિર્ણય લેતી વખતે જાણીજોઈને અવગણી દીધી અને હિંદુ પક્ષને અંધારામાં રાખવામાં આવ્યો હતો.

હિંદુ સમાજના વકીલોએ આરોપ લગાવ્યો કે કથિત ઓપન બિડિંગ પ્રક્રિયામાં પણ હિંદુ ટ્રસ્ટને યોગ્ય સમય, જરૂરી વિગતો અને પૂરતી તક આપવામાં આવી નહોતી. તંત્રએ સુનિયોજિત રીતે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું જેથી કરીને મોટું ફંડિંગ ધરાવતું ઇસ્લામિક સંગઠન UKIM સરળતાથી આ પ્રોપર્ટી મેળવી શકે અને હિંદુઓ આ પ્રક્રિયામાંથી બહાર ધકેલાઈ જાય.

કમિટીએ પ્રક્રિયા પર ફરીથી વિચાર કરવાની કરી ભલામણ

કમિટીમાં થયેલી ચર્ચા બાદ કેટલાક તટસ્થ સભ્યોએ સમગ્ર પ્રક્રિયા પર ફરીથી વિચાર કરવાની ભલામણ કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે પ્રક્રિયામાં પારદર્શિતાનો સદંતર અભાવ હતો. પરંતુ કાઉન્સિલના કથિત સેક્યુલર માળખામાં પણ આ ભલામણને કચરાટોપલીમાં નાખી દેવામાં આવી, કારણ કે તે વહીવટી રીતે માત્ર એક સલાહ હતી, કોઈ ફરજિયાત આદેશ નહીં.

આ વિવાદનો મામલો ફરી એકવાર કાઉન્સિલના ઉચ્ચ કેબિનેટ સમક્ષ મોકલવામાં આવ્યો, જ્યાં સ્થાનિક હિંદુઓની આસ્થાને મોટો ફટકો આપતો અંતિમ વહીવટી નિર્ણય લેવાયો. કેબિનેટે પોતાના અધિકારીઓની ભલામણને જ માન્ય રાખી. ઉચ્ચ કેબિનેટે ફેબ્રુઆરી 2026માં નિર્ણય લીધો જેમાં ન્યૂ ઇંગ્લેન્ડ કૉમ્પ્લેક્સને ઇસ્લામિક સંગઠન UKIMને જ વેચવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો.

હિંદુ સમાજની દલીલ

ભારત હિંદુ સમાજનું કહેવું છે કે જો આ મંદિર બંધ થશે તો પીટરબરો અને આસપાસના વિસ્તારોમાં રહેતા આશરે 14,000 જેટલા હિંદુઓ માટે મોટું ધાર્મિક સંકટ ઊભું થશે. આ આખા ક્ષેત્રમાં 35 માઈલની ત્રિજ્યામાં આ એકમાત્ર હિંદુ મંદિર છે. આ સંકુલ છીનવાઈ જવાથી હિંદુઓએ પૂજા-અર્ચના અને તહેવારો માટે 56 કિમી દૂર કેમ્બ્રિજ અથવા 64 કિમી દૂર લેસ્ટર જવાની ફરજ પડશે.

નોંધનીય છે કે યુકેના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના (ONS) 2021ના વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે બ્રિટનમાં ધાર્મિક વસ્તીનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. બ્રિટનમાં ખ્રિસ્તીઓની વસ્તી ઘટીને 46.2% થઈ ગઈ છે, જ્યારે છેલ્લાં 10 વર્ષમાં મુસ્લિમોની વસ્તી 4.9%ના વધારા સાથે 39 લાખ અને કુલ વસ્તીના 6.5% પર પહોંચી ગઈ છે. બ્રિટનમાં હિંદુઓની વસ્તી આશરે 10 લાખ એટલે કે કુલ વસ્તીના 1.7% જેટલી છે.

ધાર્મિક સ્થળોની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ‘રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી’ અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના અહેવાલો મુજબ, આજે સમગ્ર યુકેમાં આશરે 1,200થી 1,500 જેટલી મસ્જિદો અને પ્રેયર હોલ કાર્યરત છે, જ્યારે તેની સરખામણીએ સમગ્ર યુકેમાં હિંદુ મંદિરોની સંખ્યા માત્ર 180ની આસપાસ જ છે.

કમિટીના નિર્ણય પછી હિંદુ સમુદાયે હાઇકોર્ટમાં કરી અપીલ

જ્યારે ફેબ્રુઆરી 2026માં કાઉન્સિલે વેચાણના દસ્તાવેજો બનાવવાનું કામ આગળ વધાર્યું ત્યારે મંદિર ટ્રસ્ટે કાયદાનો આશરો લીધો. હિંદુ સમુદાયે ન્યાયની આશા સાથે ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટમાં કાઉન્સિલના આ પક્ષપાતી નિર્ણય સામે ‘જ્યુડિશિયલ રિવ્યૂ પિટિશન’ દાખલ કરી દીધી.

હાઇકોર્ટમાં દાખલ કરેલી પોતાની પિટિશનમાં બ્રિટિશ વહીવટીતંત્રના કાયદાકીય ઉલ્લંઘનોની આખી યાદી રજૂ કરવામાં આવી છે. તેમાં સૌથી મુખ્ય અને ગંભીર આરોપ એ છે કે પીટરબરો સિટી કાઉન્સિલે આ હિંદુ વિરોધી નિર્ણય લેતી વખતે બ્રિટનના અત્યંત મહત્વપૂર્ણ કાયદા ‘ઇક્વાલિટી એક્ટ 2010’ હેઠળની પોતાની વૈધાનિક અને કાયદાકીય જવાબદારીઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે.

હિંદુ પક્ષના વકીલોએ કોર્ટને પુરાવા સાથે જણાવ્યું કે આ આખી બંધબારણે થયેલી વેચાણ પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલે સ્થાનિક હિંદુ સમાજ પર પડનારી નકારાત્મક ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અસરોનું મૂલ્યાંકન જ કર્યું નહોતું. એવી પણ દલીલ કરી કે બ્રિટનમાં લઘુમતી તરીકે રહેતા હિંદુ ધાર્મિક સમુદાયની જરૂરિયાતો અને તેમની ભાવનાઓને બ્રિટિશ ઑથોરિટીએ બિલકુલ ગંભીરતાથી લીધી નહોતી.

ટ્રસ્ટે બ્રિટિશ વહીવટીતંત્રની પબ્લિક સેક્ટર ઇક્વાલિટી ડ્યુટીની ફરજચૂકનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. બ્રિટિશ બંધારણ અને કાયદા અનુસાર કોઈપણ સરકારી સંસ્થાએ જમીન વેચાણ જેવો મોટો નિર્ણય લેતાં પહેલાં સ્થાનિક વસ્તી અને ધાર્મિક સમુદાયો પર તેની લાંબાગાળાની અસરો વિશે ગંભીરતાથી વિચારવું અનિવાર્ય હોય છે. કાઉન્સિલે ઇસ્લામિક સંગઠનને ફાયદો કરાવવા આ કાયદાકીય ફરજને પણ અવગણી હોવાના આરોપ લાગ્યા છે.

બીજી તરફ, પીટરબરો કાઉન્સિલે હાઇકોર્ટમાં પોતાની સફાઈ આપતાં તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે તમામ કાયદા પાળ્યા છે. જોકે, હાઇકોર્ટે પ્રારંભિક તબક્કામાં જ હિંદુ પક્ષની દલીલો અને પુરાવાઓમાં તથ્ય ભાળીને કેસને વિસ્તૃત સુનાવણી માટે મંજૂર કર્યો હતો. એટલું જ નહીં કોર્ટે હિંદુ સમુદાયને મોટી રાહત આપતા ઇસ્લામિક સંગઠન તરફે થનારી વેચાણની પ્રક્રિયા અને પ્રોપર્ટી ટ્રાન્સફર પર વચગાળાની અસ્થાયી રોક લગાવી દીધી હતી.

હિંદુ સમુદાયનો આક્રોશ અને હાઇકોર્ટની સુનાવણી

આ આખી ઘટનાની વચ્ચે બ્રિટનના હિંદુ સમુદાયમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હિંદુઓ રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હિંદુઓ વિરુદ્ધ આ સ્પષ્ટ ભેદભાવ છે, પરંતુ હિંદુ સમુદાય ખૂબ જ શાંત રહે છે.

તાજેતરમાં જ એટલે કે જુલાઈ 2026માં આ હાઈપ્રોફાઈલ કેસની હાઇકોર્ટમાં અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ બંને પક્ષોએ પોતાના લેખિત અને મૌખિક તર્કો રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જજે કાઉન્સિલના આંતરિક સરકારી દસ્તાવેજો, અધિકારીઓની ગુપ્ત નોટ અને ઇક્વાલિટી ડ્યુટીના પાલન સંબંધિત ફાઈલોની આકરી તપાસ કરી હતી.

હાલમાં હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી છે. જોકે અંતિમ ચુકાદો આવ્યો નથી. કોર્ટનો આખરી નિર્ણય ન આવ્યો હોવાથી યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન (UKIM) આ પવિત્ર હિંદુ પ્રોપર્ટી પર કબ્જો જમાવી શક્યું નથી. જો કોર્ટ મંદિર ટ્રસ્ટની દલીલો સ્વીકારશે તો કાઉન્સિલને સમગ્ર પ્રક્રિયા ફરીથી હાથ ધરવી પડી શકે છે. હાલમાં પીટરબરોનો આ કેસ અત્યારે સમગ્ર બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે હાઇકોર્ટનો જે પણ નિર્ણય આવશે તે ભવિષ્યમાં બ્રિટનની ધરતી પર હિંદુ આસ્થાના કેન્દ્રોની સુરક્ષા અને બ્રિટિશ વહીવટીતંત્રના કથિત સેક્યુલર પક્ષપાત માટે એક મોટો નવો માર્ગદર્શક ચુકાદો સાબિત થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં