26 વર્ષ બાદ જેલની બહાર આવી શકે દારા સિંઘ, 15 ઑગસ્ટ સુધીમાં જેલમુક્તિ પર નિર્ણય લેવા ઓડિશા સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

વર્ષ 1999માં ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે પુત્રોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા રવિન્દ્ર પાલ ઉર્ફે દારા સિંઘને મુક્તિ આપવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સુનાવણી કરી. કોર્ટે ઓડિશા સરકાર પાસેથી આ મુદ્દે જવાબ માગ્યો છે અને 15 ઑગસ્ટ સુધીમાં દારા સિંઘને મુક્તિ આપવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવા માટે જણાવ્યું છે. બીજી તરફ ઓડિશા સરકારે કહ્યું છે કે કેદીઓને સારી વર્તણૂક બદલ વહેલી મુક્તિ આપવા મામલે વિચાર કરતી સમિતિ જે નામોની ચર્ચા કરી રહી છે તેમાં એક નામ દારા સિંઘનું પણ છે.

જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે આ મામલાની આગામી સુનાવણી 19 ઓગસ્ટ, 2026 સુધી મુલતવી રાખી છે. સુનાવણી દરમિયાન ઓડિશા સરકારે અદાલત પાસે થોડો સમય માંગ્યો હતો અને જણાવ્યું હતું કે સજા માફીની અરજીની તપાસ કરી રહેલી સમિતિએ કેસના રેકોર્ડ મંગાવ્યા છે, જે હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી.

રાજ્ય સરકારની આ વિનંતીને સ્વીકારતાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે પૂરતા દસ્તાવેજોના અભાવે આ બાબતને 19 ઑગસ્ટ સુધી લંબાવવામાં આવે છે. અદાલતે અપેક્ષા રાખી છે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત સમિતિ પોતાનો આખરી નિર્ણય લઈ લેશે. ગત વર્ષે 19 માર્ચે પણ સર્વોચ્ચ અદાલતે ઓડિશા સરકારને દારા સિંઘની અરજી પર 6 સપ્તાહમાં નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો.

15 ઑગસ્ટ સુધીમાં ઓડિશા સરકાર આ મુદ્દે નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને જાણ કરશે. જો સરકાર રિમિશન પોલિસી હેઠળ દારા સિંઘને મુક્ત કરવાનો નિર્ણય લે તો તે જેલની બહાર આવી જશે. ઓડિશામાં રિમિશન માટે ઓછામાં ઓછી સજા 25 વર્ષ છે. એટલે કે કોઈ પણ આજીવન કેદની સજા કાપતા કેદીને 25 વર્ષ પહેલાં જેલમુક્તિ ન આપી શકાય. દારા સિંઘે 25 કરતાં વધુ વર્ષ જેલમાં કાપી નાખ્યાં છે.

દારા સિંહે જેલમાં 25 વર્ષ કરતાં વધુ સમય વીતાવ્યા બાદ વહેલી મુક્તિ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને રિમિશન પોલિસીનો લાભ મેળવવાની માંગ કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે.

21 જાન્યુઆરી 1999ની રાત્રે ઓડિશાના કેઓંઝર જિલ્લાના મનોહરપુર ગામમાં ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રો ફિલિપ (10 વર્ષ) અને ટિમોથી (6 વર્ષ) સ્ટેશન વેગન ગાડીમાં સૂતા હતા ત્યારે એક ટોળાએ ગાડીને આગ લગાડી દીધી હતી, જેમાં ત્રણેય મૃત્યુ પામ્યા હતા.

આ કેસમાં દારા સિંઘને મુખ્ય ષડયંત્રકાર તરીકે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી હતી પરંતુ 2005માં ઓડિશા હાઈકોર્ટે સજા આજીવન કેદમાં ફેરવી દીધી હતી. ત્યારબાદ 2011માં સુપ્રીમ કોર્ટે પણ આજીવન કેદની સજાને બહાલ રાખી હતી. હાલ આ મામલે ઓડિશા સરકારની સમિતિના અંતિમ નિર્ણય અને આગામી કોર્ટ સુનાવણી પર નજર છે.