
પશ્ચિમ બંગાળના TMCના ફાલ્ટા બેઠકના પૂર્વ ઉમેદવાર અને વિવાદાસ્પદ નેતા જહાંગીર ખાન ઉર્ફે ‘પુષ્પા’ની ભારત-નેપાળ સરહદેથી ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દાર્જિલિંગ પોલીસે એક સંયુક્ત ઑપરેશન હાથ ધરીને આ સફળતા મેળવી છે.
જહાંગીર ખાન વિરુદ્ધ હત્યા, વસૂલાત અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવા જેવા અનેક ગંભીર ગુનાઓ હેઠળ ઓછામાં ઓછી 7 FIR નોંધાયેલી છે. કાયદાકીય સિકંજાથી બચવા માટે તે છેલ્લા બે અઠવાડિયાથી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. પોલીસથી બચવા માટે તેણે પોતાના તમામ મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જહાંગીર ખાન માત્ર થોડા દિવસો માટે સંતાવા નહોતો માંગતો, પરંતુ તે પશ્ચિમ બંગાળ અને ભારત છોડીને હંમેશા માટે નેપાળમાં કાયમી સેટલ થવાની મોટી યોજના બનાવી રહ્યો હતો. તે ભારતમાં પોતાની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીથી કાયમ માટે મુક્તિ મેળવવા માંગતો હતો.
પોતાની આ યોજનાને અંજામ આપવા માટે જહાંગીર ખાન પોતાના પરિવારને પણ સાથે લઈ ગયો હતો. તે પોતાના પત્ની અને બાળકોને ભારતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને નેપાળ સરહદ નજીક લઈ આવ્યો હતો. નેપાળમાં કાયમી વસવાટ કરવા માટે જહાંગીરે પહેલેથી જ પૂર્વતૈયારીઓ કરી લીધી હતી. તેણે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મકાન પણ ભાડે રાખી લીધું હતું, જ્યાં તે પોતાના પરિવાર સાથે શાંતિથી ગુપ્ત રીતે રહી શકે. તેનો ઈરાદો નેપાળ પહોંચીને ત્યાં જ પોતાનો નવો અડ્ડો જમાવવાનો હતો.
આ દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસની STFની ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી. જહાંગીરે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી બચવા માટે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખ્યું હતું. પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સોર્સ નેટવર્કની મદદથી તેનું લોકેશન ટ્રેક કરવાનું ચાલુ રાખ્યું હતું.
આખરે પોલીસને ચોક્કસ બાતમી મળી કે જહાંગીર નેપાળ સરહદ નજીક આવેલા પાણીટંકી વિસ્તારમાં પહોંચી ગયો છે. તે ભારત-નેપાળ બોર્ડર ક્રોસ કરવાની તૈયારીમાં જ હતો, ત્યારે જ પાણીટંકી બજાર વિસ્તારમાં એસટીએફ અને સ્થાનિક પોલીસે ઘેરો ઘાલીને તેને દબોચી લીધો હતો.
જહાંગીર ખાન ઉર્ફે ‘પુષ્પા’ પકડાતા જ ફાલ્ટા વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જહાંગીર પર રોષે ભરાયેલા લોકોએ તેની ઑફિસ પર હુમલો કરી તોડફોડ મચાવી હતી, જ્યાંથી સરકારી રાહત સામગ્રી અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં પોલીસે નેતાને કસ્ટડીમાં લઈ આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.

