
ગુજરાત પોલીસે નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા લોકોનું તેમના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવાના હેતુથી રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઑપરેશન મિલાપ’ ચલાવ્યું હતું. 7 મેના રોજ શરૂ થયેલા આ એક મહિનાના અભિયાન દરમિયાન પોલીસે કુલ 1,470 ગુમ થયેલી વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢી છે. આ અભિયાન હેઠળ વર્ષ 2007થી અત્યાર સુધીના વર્ષો જૂના પેન્ડિંગ કેસોને ફરી ખોલીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
શોધી કાઢવામાં આવેલા 1,470 લોકોમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યની વિવિધ પોલીસ એકમોમાંથી સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢી હતી.
પોલીસનાં પ્રાથમિક તારણો મુજબ ખાસ કરીને 14થી 17 વર્ષની કિશોરીઓમાં પ્રેમ સંબંધો, ઘરેથી ભાગી જવાની ઘટનાઓ, માતા-પિતાનો ઠપકો, અભ્યાસમાં નિષ્ફળતા અને પારિવારિક વિવાદો ગુમ થવાનાં મુખ્ય કારણો રહ્યાં છે. ગુજરાત પોલીસે જણાવ્યું છે કે સઘન તપાસ, વિવિધ રાજ્યો વચ્ચેના સંકલન અને પરિવાર પરામર્શના કારણે ‘ઑપરેશન મિલાપ’ સફળ બન્યું છે અને ભવિષ્યમાં પણ આવા કેસોના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન પોલીસે ટેકનિકલ વિશ્લેષણ, મોબાઇલ ફોન ડેટા, સોશિયલ મીડિયા, જાહેર પરિવહન કેન્દ્રો અને આશ્રય ગૃહોની તપાસ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત જૂના કેસોની સમીક્ષા કરીને ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના કારણે વર્ષોથી પેન્ડિંગ રહેલા ઘણા કેસોમાં સફળતા મળી હતી.
ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટેની કામગીરી ચાલુ રહેશે. પોલીસ અધિકારીઓને નિયમિત કામગીરી સાથે આવા કેસોમાં સતત ધ્યાન આપવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.

