
તાજેતરમાં વિદેશી સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના એક અહેવાલે ભારતમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) વિદેશી હૂંડિયામણ જાળવવા માટે અંદાજે 12 બિલિયન યુએસ ડોલરનું સોનું વેચી દીધું છે. જોકે, હવે બ્લૂમબર્ગે આ ખોટા અહેવાલ અંગે માફી માંગી છે.
નોંધનીય છે કે આ વિવાદ સામે આવતા જ ભારત સરકારની એજન્સી PIBએ ફેક્ટચેક કરીને આ અહેવાલને સદંતર ખોટો અને અફવા ગણાવ્યો હતો. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે RBIએ કોઈ સોનું નથી વેચ્યું અને દર મહિને RBIપોતાના બુલેટિનમાં સોનાના ભૌતિક સ્ટોકની સાચી માહિતી જાહેર કરે જ છે, જે તેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેથી નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા અપીલ કરવામાં આવી છે.
Bloomberg has retracted a post on X based off an inaccurate Bloomberg Economics report https://t.co/XtCWbLM03p https://t.co/JrW6Pymib4
— Bloomberg (@business) June 4, 2026
આ સમગ્ર વિવાદ બાદ બ્લૂમબર્ગ ન્યૂઝે આ અહેવાલ સત્તાવાર રીતે પાછો ખેંચી લીધો છે. બ્લૂમબર્ગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમના આર્થિક વિશ્લેષણ વિભાગથી ગણતરીમાં મોટી ખામી થઈ હતી. તેમના વિશ્લેષકોએ RBIના સોનાના ભંડારનું મૂલ્યાંકન કરવા માટે આંતરરાષ્ટ્રીય નિયમ મુજબના ‘લંડન બુલિયન માર્કેટ એસોસિએશન’ના પાછલા દિવસના ભાવોના બદલે, ભૂલથી તે જ દિવસના ભારતીય સ્થાનિક બજારના ભાવોનો ઉપયોગ કરી નાખ્યો હતો. સાચી ગણતરી મુજબ મે મહિનામાં RBIના સોનાના સ્ટોકમાં કોઈ જ ફેરફાર થયો ન હતો અને તે સંપૂર્ણપણે યથાવત હતો.
વાસ્તવમાં સરકારના સત્તાવાર આંકડા બ્લૂમબર્ગના દાવા કરતા બિલકુલ ઉલટા છે. RBIના ડેટા અનુસાર ભારતના વિદેશી હૂંડિયામણમાં સોનાનો હિસ્સો સતત વધ્યો છે. સપ્ટેમ્બર 2025ના અંતમાં આ હિસ્સો 13.92% હતો, જે માર્ચ 2026માં વધીને 16.70% થયો હતો. એટલું જ નહીં, મે 2026માં આ ટકાવારી વધુ વધીને 16.85% થઈ ગઈ છે. આ આંકડા સાબિત કરે છે કે સોનું વેચવાને બદલે દેશના ભંડારમાં સોનાનો ઉમેરો થયો છે.

