જામનગરમાં કુખ્યાત અસગર સાયચા ગેંગનાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર: કરોડોની સરકારી જમીન કરાઈ દબાણમુક્ત

જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં ભૂમાફિયાઓ સામે સરકારી તંત્રે મોટું ઑપરેશન હાથ ધર્યું છે. ગુજસીટોક હેઠળ જેમના પર ગુનો નોંધાયેલો છે, તે કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે વહીવટી પ્રશાસન, મહેસૂલ અને પોલીસ વિભાગે સંયુક્ત મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે કોમર્શિયલ અને રહેણાંક બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.

આ કાર્યવાહીમાં સાયચા ગેંગના મુખ્ય સૂત્રધાર અસગર સાયચા અને તેના સાગરીતોએ સરકારી જમીન પર ઊભા કરેલા અંદાજે 8થી 13 જેટલા મકાનો અને પાકા સ્ટ્રક્ચર્સને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ ગેંગે સરકારી સરવે નંબરની કુલ 12,950 ચોરસ મીટર જમીનમાંથી 918 ચોરસ મીટર ભાગ પર ગેરકાયદે કબજો કર્યો હતો, જેને તંત્રએ સંપૂર્ણપણે દબાણમુક્ત કરાવ્યો છે.

આ ઑપરેશનથી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ગુનેગારોના ચુંગાલમાંથી મુક્ત થઈ છે. આજે તોડી પડાયેલા બાંધકામની બજાર કિંમત આશરે ₹1.25 કરોડ છે. જ્યારે મુક્ત કરાયેલી આખી 12,950 ચોરસ મીટર સરકારી જમીનની જંત્રી કિંમત ₹1.17 કરોડ છે, પરંતુ તેની વર્તમાન બજાર કિંમત અંદાજે ₹16થી ₹16.50 કરોડ જેટલી મોટી થાય છે.

ડિમોલિશન શરૂ થતાં જ સ્થાનિક રહીશો અને સાયચા ગેંગે વિરોધ કર્યો હતો, જેના કારણે અધિકારીઓ સાથે બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે DySP સહિતનો ચુસ્ત પોલીસ કાફલો તહેનાત હોવાથી વિરોધ કરનારા તત્વો ફાવ્યા નહોતા. આ ઑપરેશન પહેલાં તંત્રએ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ આપીને નિયત સમય પણ આપ્યો હતો.

જામનગર એસપીના જણાવ્યા મુજબ ભૂતકાળની કાર્યવાહી સહિત આજ દિન સુધીમાં સાયચા ગેંગની આશરે ₹17 કરોડની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું છે. પ્રશાસનના આ આકરા વલણથી સ્થાનિક ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો સામે આવી કડક ઝુંબેશ ચાલુ રહેશે.