પૈસા આપવા ન પડે એટલે સલૂનમાં બોલાવી કાતર-અસ્ત્રાથી ગળું કાપ્યું: હિંમતનગર કોર્ટે 2023ના કેસમાં મોહમ્મદ નદીમ-શહેબાઝને ફટકારી ફાંસીની સજા, અન્ય એકને 7 વર્ષની કેદ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કે.આર. રબારીએ વર્ષ 2023માં એક ચકચારી હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને 2 શખ્સોને ફાંસીની સજા આપી છે. તથા અન્ય એક આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ ભયાનક ગુનાને ‘રેરેસ્ટ ઑફ રેર’ એટલે કે અત્યંત ક્રૂર ગણ્યો છે. સજા પામેલા આરોપીઓમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશર્રફનો સમાવેશ થાય છે.

આખી ઘટનાની વિગત એવી છે કે મૃતક અકબરે ઈલોલ ગામમાં આવેલી પોતાની હેરકટિંગ સલૂનની દુકાન મોહમ્મદ નદીમ નામના માણસને કોન્ટ્રાક્ટ પર આપી હતી. દુકાનના સામાન પેટે અકબરને 1.50 લાખ લેવાના નીકળતા હતા, જેથી તેઓ અવારનવાર પોતાના પૈસા માંગતા હતા. આ ઉઘરાણીથી બચવા માટે મોહમ્મદ નદીમ અને તેના સાથીઓએ ભેગા મળીને અકબરને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.

11 માર્ચ 2023ના રોજ પૈસા આપવાના બહાને અકબરને સલૂનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને વિશ્વાસમાં લઈ ફેસવોશ કરવાના બહાને ખુરશી પર બેસાડ્યા અને અચાનક જ કાતર અને અસ્ત્રા જેવાં તીક્ષ્ણ હથિયારો વડે તેમની ગરદન પર હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. ત્યારબાદ પકડાઈ જવાના ડરે ગુનેગારોએ લાશને કપડામાં બાંધી, પ્લાસ્ટિકની ડોલમાં ભરી સીમમાં નિર્જન જગ્યાએ ફેંકી દીધી અને લોહીવાળા કપડાં નદીમાં વહાવી દીધાં હતાં.

ગુનો કર્યા પછી બચવા માટે મુખ્ય આરોપી મોહમ્મદ નદીમે પોતે જ અકબર ગુમ થયાની ખોટી ફરિયાદ પોલીસમાં કરાવી હતી. જોકે અકબરની લાશ મળી આવ્યા બાદ વૈજ્ઞાનિક તપાસ અને મજબૂત પુરાવાઓના આધારે ગુનેગારોનો પર્દાફાશ થઈ ગયો. અંતે ગુનાની ગંભીરતા જોઈને મુખ્ય ગુનેગારો મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા, જ્યારે પુરાવા નાશ કરવામાં મદદ કરનાર પરવેઝ મુશર્રફને 7 વર્ષની જેલની સજા થઈ છે.