
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાત્રે ઈરાન પર ‘ખૂબ જ જોરદાર’ હુમલો કરવાની ધમકી આપી હતી. જોકે, તેના ગણતરીના કલાકોમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઈરાનના ટોચના નેતાઓ સાથે વાતચીત થયા બાદ તેમણે થનારા સૈન્ય હુમલા અને બૉમ્બમારો રદ કરી દીધો છે.
અગાઉ અમેરિકા તરફથી ખૂબ જ આક્રમક સંકેતો મળી રહ્યા હતા. ટ્રમ્પે તો ઈરાનના મુખ્ય તેલ કેન્દ્ર ‘ખાર્ગ આઇલેન્ડ’ પર કબજો કરવાની પણ વાત કહી હતી. પરંતુ સાંજ પડતાં જ અમેરિકાનું વલણ બદલાયું અને લશ્કરી કાર્યવાહીના બદલે વાતચીતથી ઉકેલ લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું. ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે એક સમજૂતીના માળખા પર મોટી સહમતી બની છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ નવી ડીલની વિગતોને અમેરિકા અને ઈરાન ઉપરાંત ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, યુએઈ, પાકિસ્તાન અને ઈજિપ્ત જેવા ઘણા મહત્વના દેશોએ પણ મંજૂરી આપી દીધી છે. આ કરાર ક્યારે અને ક્યાં સાઇન થશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જોકે, કરાર પૂરો ન થાય ત્યાં સુધી અમેરિકાએ ઈરાનની દરિયાઈ નાકાબંધી ચાલુ રાખી છે.

બીજી તરફ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાકેર કાલીબાફે અમેરિકાની ધમકીઓ સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો અમેરિકા આવા ઉતાવળિયા નિર્ણયો લેશે તો વૈશ્વિક બજારો બરબાદ થઈ જશે અને અમેરિકા પોતે કીચડમાં ફસાઈ જશે. તેમાં છતાં યુદ્ધ અટકાવવા માટે બંને દેશો વચ્ચે પડદા પાછળની વાતચીત સતત ચાલુ રહી હતી.
આ વાટાઘાટોમાં સૌથી મોટો મુદ્દો ઈરાનના ફ્રીઝ (બ્લોક) થયેલા અબજો ડૉલરનો છે. ઈરાન આ પૈસા સીધા મેળવવા માંગે છે અને પોતાના પરથી આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકા આ પૈસા તબક્કાવાર અને ફક્ત માનવતાવાદી કાર્યો માટે જ આપવા ઈચ્છે છે, જેથી ઈરાન તેના નિયમોનું પાલન કરે.
આ કરાર (MOU) મુખ્યત્વે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટેનો પાયો છે. ટ્રમ્પને આશા છે કે આ શનિવાર કે સોમવાર સુધીમાં તેના પર સહી થઈ જશે. આ ડીલ પછી ઈરાનને આર્થિક પ્રતિબંધોમાંથી મોટી રાહત મળશે અને વિશ્વ માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’નો દરિયાઈ માર્ગ પણ વેપાર માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે. જોકે ઈરાને હજી સુધી આ મામલે કોઈ સકારાત્મક સ્પષ્ટતા આપી નથી.

